એબી ડી વિલિયર્સની IPL 2026 માટે મોટી ભવિષ્યવાણી: જણાવ્યું કે કેમ RCB ફરી એકવાર જીતી શકે છે સતત બીજો ખિતાબ
ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનનો પ્રારંભ 28 માર્ચથી થવા જઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ને લઈને દિગ્ગજ ખેલાડી એબી ડી વિલિયર્સનું મોટું નિવેદન સામે આવ્યું છે. ડી વિલિયર્સે આશા વ્યક્ત કરી છે કે RCB આ વર્ષે સતત બીજી વખત આઈપીએલ ટ્રોફી જીતીને ઈતિહાસ રચી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગત સીઝનની ફાઈનલમાં પંજાબ કિંગ્સને 6 રને હરાવીને RCBએ 18 વર્ષની લાંબી રાહ જોયા બાદ પ્રથમ વખત ખિતાબ જીત્યો હતો. હવે ચાહકોની નજર એ વાત પર છે કે શું બેંગલુરુ આ જીતનો સિલસિલો જાળવી રાખશે? આ પ્રશ્નનો જવાબ આપતા ડી વિલિયર્સે ટીમની શક્તિઓ વિશે વિગતવાર વાત કરી છે.
કોહલી હવે ટીમનો બોજ એકલો ઉઠાવશે નહીં
એબી ડી વિલિયર્સે એક સ્પોર્ટ્સ શોમાં વાત કરતા જણાવ્યું હતું કે, વિરાટ કોહલીને હવે એ વાતનો અહેસાસ થઈ ગયો છે કે તેણે આખી ટીમનો બોજ પોતાના એકલાના ખભા પર ઉઠાવવાની જરૂર નથી. કોહલીની આસપાસ હવે એવા ખેલાડીઓ છે જેમનામાં ટ્રોફી જીતવાની પ્રબળ ભૂખ જોવા મળે છે.
ડી વિલિયર્સે વધુમાં ઉમેર્યું કે, “મને લાગે છે કે ગત સીઝનની સરખામણીમાં RCBના સ્ક્વોડમાં કોઈ મોટો ફેરફાર થયો નથી અને આ ટીમ માટે સૌથી સારી વાત છે. ભલે વિરાટ લાંબા બ્રેક પછી મેદાનમાં પરત ફરી રહ્યો હોય, પરંતુ મેં મારા જીવનમાં અત્યાર સુધી જેટલા મહેનતુ લોકો જોયા છે, તેમાં કોહલી શ્રેષ્ઠ છે. મને ખાતરી છે કે તે પૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતરશે.”
એકવાર જીત્યા પછી ફરી વિજેતા બનવું સરળ
ડી વિલિયર્સે વિરાટ કોહલીના ડ્રેસિંગ રૂમની વાતો યાદ કરતા કહ્યું કે, “વિરાટ અવારનવાર કહેતો હતો કે જો આપણે એકવાર જીતી શકીએ, તો ટૂંક સમયમાં બે કે ત્રણ વખત ટ્રોફી જીતવામાં પણ સફળ થઈશું. મને તેની આ વાત પર પૂરો ભરોસો છે. RCB હવે એવી સ્થિતિમાં છે જ્યાંથી તે સતત ટ્રોફી જીતી શકે છે.”
IPL 2026 માં ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB પોતાના અભિયાનની શરૂઆત 28 માર્ચના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે કરશે. આ રોમાંચક મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે, જ્યાં ઘરઆંગણે ચેમ્પિયન ટીમ જીત સાથે શરૂઆત કરવાના ઈરાદા સાથે ઉતરશે.

