ઈરાન પર હુમલા માટે અમેરિકાએ જૂઠું બોલ્યું? વિશ્વના 5 દિગ્ગજ અધિકારીઓના ઘટસ્ફોટથી ખળભળાટ
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના 20 દિવસ બાદ એક એવો ખુલાસો થયો છે જેણે વોશિંગ્ટનથી લઈને તેહરાન સુધી હડકંપ મચાવી દીધો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન પરમાણુ હથિયારો બનાવી રહ્યું છે અને મધ્ય પૂર્વને બચાવવા માટે તેના પર હુમલો કરવો જરૂરી હતો. જોકે, હવે અમેરિકાના જ પોતાના અધિકારીઓ સહિત વિશ્વના પાંચ મોટા નેતાઓએ આ દાવાને સદંતર ખોટો ગણાવ્યો છે.
પોતાના જ પ્રશાસનના અધિકારીઓએ ખોલી પોલ
સૌથી ચોંકાવનારો ખુલાસો અમેરિકી ગુપ્તચર એજન્સીના વડા તુલસી ગબાર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. સીનેટ ઈન્ટેલિજન્સ કમિટી સમક્ષ જુબાની આપતા તેમણે સ્પષ્ટ કર્યું કે જૂન 2025ના હુમલા બાદ ઈરાનનો પરમાણુ કાર્યક્રમ લગભગ નષ્ટ થઈ ગયો હતો અને ત્યારબાદ ઈરાને નવા હથિયારો બનાવવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો. આ ખુલાસા બાદ અમેરિકી સીનેટમાં ભારે હોબાળો મચ્યો છે.
બીજી તરફ, વરિષ્ઠ અમેરિકી ગુપ્તચર અધિકારી જોએ કન્ટ, જેમને ટ્રમ્પે પોતે નિયુક્ત કર્યા હતા, તેમણે આ યુદ્ધના વિરોધમાં રાજીનામું આપી દીધું છે. તેમણે પત્રમાં લખ્યું છે કે ઈરાનથી અમેરિકાને કોઈ ખતરો નહોતો અને આ હુમલો માત્ર ઈઝરાયેલના દબાણ હેઠળ કરવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીઓનો દાવો: સમજૂતી લગભગ નક્કી હતી
ઓમાનના વિદેશ મંત્રી બદર બિન હમદ બુસૈદી અને બ્રિટનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોનાથન પોવેલના નિવેદનો વધુ ગંભીરતા દર્શાવે છે. બુસૈદીના જણાવ્યા અનુસાર, અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ સમજૂતી લગભગ ફાઈનલ થઈ ગઈ હતી. ઈરાન યુરેનિયમ સંવર્ધનને ઓછું કરવા તૈયાર હતું, પરંતુ ઈઝરાયેલના કહેવાથી અમેરિકાએ અચાનક હુમલો કરી દીધો. બ્રિટિશ અધિકારી પોવેલે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે જ્યારે વાતચીત સફળતાની નજીક હતી, ત્યારે હુમલાની શું જરૂર હતી?
IAEA ની મહોર: ઈરાન પાસે નહોતા બોમ્બ
આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) ના વડા રોફેલ ગ્રોસીએ પણ પુષ્ટિ કરી છે કે ઈરાન હાલમાં કોઈ સક્રિય પરમાણુ હથિયાર પ્રોગ્રામ ચલાવી રહ્યું નહોતું. તેમના મતે, ઈરાન એટલી જલ્દી પરમાણુ બોમ્બ બનાવી શકે તેવી સ્થિતિમાં જ નહોતું.
આ પાંચેય નિવેદનો એક જ તરફ ઈશારો કરે છે કે યુદ્ધનું કારણ પરમાણુ ખતરો નહીં, પરંતુ ભૌગોલિક રાજનીતિ અને બાહ્ય દબાણ હોઈ શકે છે. આ ખુલાસા બાદ હવે ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર વૈશ્વિક મંચ પર ઘેરાયેલી જોવા મળી રહી છે.

