અમદાવાદમાં સાબરમતી પોલીસ ટીમ ઉપર એક લિસ્ટેડ બુટલેગર અને 60થી વધુ લોકોના ટોળાએ હુમલો કરતા ભારે ચકચાર મચી ગઇ છે. આ ઘટનામાં એક મહિલા PSI સહિત 2 પોલીસકર્મીઓને ઇજા પહોંચી હતી. વોટેન્ડ નિલેશ ઠાકોર નામના બુટલેગરને પોલીસ પકડવા ગઈ તે સમયે ટોળાએ હુમલો કર્યો હતો.
આ ઘટનામાં હુમલાખોર સહિત 60 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
વિગતો અનુસાર સાબરમતી પોલીસ સ્ટેશનમાં મહિલા પીએસઆઇ તરીકે ફરજ બજાવતા આઇ કે મોથલિયા અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ અને આગોતરા જામીન લીધા બાદ પણ કોર્ટમાં હાજર નહિ થનાર નિલેશ સાબરમતી એસબીઆઇ પાસે આવેલી લક્ષ્મણની ચાલીમાં તેના ઘરે એક ધાર્મિક પ્રસંગે ઘરે આવ્યો છે. જે બાતમીને આધારે આઇ કે મોથલિયા અને તેમના સ્ટાફે દરોડો પાડીને નિલેશને ઝડપી લીધો હતો. પરંતુ, આ સમયે તેના સગા અને ચાલીમાં રહેતા 60 જેટલા લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને પોલીસની ગાડીને ઘેરી લીધી હતી.
જેમાં કેટલાંક તલવાર અને લાકડીઓ લઇને આવ્યા હતા અને તેમણે નિલેશને પોલીસ પાસેથી છોડાવવા માટે પ્રયત્ન કર્યો હતો. જેથી પોલીસે પ્રતિકાર કરતા તેમના પર હુમલો કરાયો હતો અને નિલેશને છોડાવીને ભગાવી દીધો હતો.
બાદમાં અન્ય પોલીસનો વધારાનો સ્ટાફ આવી જતા ટોળામાંથી નાસી રહેલા ૧૨ જેટલા લોકોને ઝડપી લેવાયા હતા. આ અંગે સાબરમતી પોલીસે રાયોટીંગનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.