અમદાવાદ ના સ્થાનિક બજારમાં સોના અને ચાંદીમાં વધુ ઘટાડાની ચાલ જોવા મળી છે. આજે શરૂઆતે સોનામાં વધુ ૧૦૦ રૂપિયાનો ઘટાડો નોંધાઇ ૨૮,૬૦૦ના મથાળે ભાવ ખૂલ્યો હતો. ચાંદી પણ ૩૮,૦૦૦ની સપાટીએ જોવા મળી હતી.
દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું આઠ સપ્તાહની નીચી ૧,૨૨૨ ડોલર પ્રતિઔંસની સપાટીએ પહોંચી ગયું છે. બુલિયન બજારના જાણકારોના કહેવા પ્રમાણે દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે અગાઉ જોવા મળેલા તંગદિલીભર્યાે માહોલ હળવો થતાં નવી લેવાલી અટકી છે. તો બીજી બાજુ ફેડરલ રિઝર્વ દ્વારા જૂન મહિનામાં વ્યાજના દરમાં વધારો આવે તેવી શક્યતા પાછળ સોનામાં પ્રેશર નોંધાયું છે.
વૈશ્વિક ઇક્વિટી બજારની ઇફેક્ટ પણ બુલિયન બજારમાં નોંધાઇ છે. એટલું જ નહીં ફ્રાન્સના રાષ્ટ્રપતિપદે મેક્રોની આવતાં યુરો ઝોનની ચિંતા હળવી થતાં બુલિયન બજારમાં તેની સીધી અસર નોંધાઇ છે અને સોનામાં સતત ઘટાડાની ચાલ જોવા મળી છે. એનાલિસ્ટના કહેવા પ્રમાણે જુલાઇ પૂર્વે બજારમાં સોના-ચાંદીમાં વધારાની ચાલ જોવાય તેવી શક્યતા ઓછી છે, જોકે સોનાની જ્વેલરી અને સોના પરના જીએસટીના દર મહત્ત્વના સાબિત થઇ શકે છે. મોટા ભાગના જ્વેલર્સનું માનવું છે કે હાલ જે દર છે તેમાં વધારો થઇ શકે છે.