અમદાવાદમાં ઇસનપુર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતી સાથે મિત્રતા કેળવી હેરાન કરનાર તાજીમ નામના વિધર્મી યુવકને લોકોએ જાહેરમાં ફટકાર્યો હતો અને પોલીસ આવતા માંડ લોકોએ છોડ્યો હતો.
તાજીમે જબરદસ્તીથી યુવતી સાથે શારીરિક સબંધ બાંધ્યા બાદ તાજીમ સતત યુવતીને હેરાન-પરેશાન કરી બે દિવસ અગાઉ તાજીમ યુવતીના ઘરે પહોંચી ગયો હતો, જ્યાં યુવતીને ધમકી આપતાં કહ્યું હતું કે તું મારા સિવાય અન્ય યુવકો સાથે વાત ન કરીશ. યુવતી સાથે બોલાચાલી થતાં તાજીમ યુવતીનો ફોન લઈને રાતે જતો રહ્યો હતો અને મોડી રાતે પરત આપી ગયો હતો. યુવતીએ આ અંગે તેનાં માતા-પિતા અને મામાને જાણ કરી હતી.
યુવતીનાં માતા-પિતાએ તાજીમ ને સમજાવવા માત્ર ઘોડાસર આવકાર હોલ પાસે બોલાવ્યો હતો, જ્યાં તેને સમજાવા જતાં તે ગુસ્સે થઈ ગયો હતો અને યુવતીના પરિવારના સભ્યો સાથે અસભ્ય વર્તન કરતા મામલો બગડ્યો હતો અને બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન આસપાસના લોકો ભેગા થયા હતા અને વિધર્મી યુવક તાજીમે યુવતીને ફસાવી હવે હેરાન કરતો હોવાની જાણ થતાં લોકોએ તેને જાહેરમાં મેથીપાક આપ્યો હતો.
લોકોનું ટોળું ભેગું થતાં ઇસનપુર અને આસપાસના પોલીસ સ્ટેશનના સ્થળ પર પહોંચી હતી. પોલીસે યુવતીની ફરિયાદની આધારે તાજીમ વિરુદ્ધ દુષ્કર્મ, છેડતી, ચોરી, ધમકી, મારામારી સહિતની કલમો મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.