અમદાવાદ માં પોલીસ દર મહિને રૂપિયા 10 લાખ નો હપ્તો લઈ જુગાર નો અડ્ડો ચાલતો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
કારંજ પોલીસ સ્ટેશનથી માંડ 500 મીટરના અંતરે જામસાહેબની ગલીમાં ચાલતા મુસ્તાક ઉર્ફે મચ્છર જબ્બાર શેખના વરલી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી ત્યારે આ અડ્ડો લતીફનો સાગરીત યુસુફ લપલપ ચલાવતો હોવાની વિગતો સામે આવી છે. જ્યારે કારંજ પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં પોસ્ટિંગ લઈને આવેલા પીએસઆઈ મોહસીન ઠાકુરના ભાઈ સિરાજ દાઢી પણ આ અડ્ડા માં સામેલ હોવાની વાત બહાર આવી છે. જેથી લતીફ ગેંગ સાથે સંકળાયેલા માણસો ફરી વખત અમદાવાદમાં સક્રિય થઇને જુગારધામ ચલાવી રહ્યાં હોવાની માહિતીથી ખુદ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. એટલું જ નહીં, કારંજ પોલીસની મદદથી ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો ત્યારે મહિલાઓએ હલ્લા બોલ કરીને યુસુફ લપલપ, ચીનો, ભગત, ચીકિયા, મહેબુબ સહિતના સહિત 2 ડઝન માણસોને ભગાડી મૂક્યા હતા.
કારંજ જામસાહેબની ગલીમાં ધમધમતા આ જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડીને 14 માણસોને ઝડપી લઈ રૂ.1.44 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ સ્ટેશનને મહિને 10 લાખ હપતો મળતો કારંજ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.વી.તડવી અને શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તેમના વહીવટદાર સમીરે મહિને 10 લાખનું ભરણ નક્કી કરીને મંજૂરી આપી હતી. ઘટનાને પગલે ડીસીપીએ કારંજ પીઆઈ અને વહીવટદાર સમીર ની પણ પુછતાછ શરૂ કરી છે.
Saturday, May 4