નરોડા વિસ્તારમાં લિવ ઇન રિલેશનશિપમાં યુવક અને તેના માતા-પિતા સાથે રહેતી યુવતીએ સેનેટાઇઝર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકના માતા-પિતાએ તું રખડવા જાય છે અને ચારિત્ર્ય વિશે બેફામ ગાળાગાળી કરી હતી. આ મામલે યુવતીએ યુવકના માતા-પિતા સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
શહેરના નરોડા વિસ્તારમાં રહેતી અને સ્ટાફ નર્સ તરીકે નોકરી કરતી 24 વર્ષની યુવતીને તેનાથી ચાર વર્ષ નાના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. બંનેને લગ્ન કરવા હતા, પરંતુ લગ્ન માટે યુવકની ઉંમર 21 વર્ષ ન હોવાથી બંને એ મૈત્રીકરાર કરી જોડે રહેવાનું નક્કી કર્યું હતું.
મૈત્રીકરાર કરી યુવતી યુવકના ઘરે તેના માતા-પિતા સાથે રહેતી હતી.બુધવારે વહેલી સવારે યુવક દૂધ આપવા જતો રહ્યો હતો અને યુવતીને નોકરી જવાનું હોવાનું જમવાનુ બનાવતી હતી ત્યારે યુવકની માતાએ તું નોકરી નથી જતી રખડવા જાય છે અને ચારિત્ર્ય અંગે જેમ તેમ બોલી ગાળાગાળી કરી હતી જેથી નીચે પડેલું સેનેટાઈઝર થોડું પી ગઈ હતી. તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. નરોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.