ahemdabad news : શહેરના ઓઢવ વિસ્તાર નજીક આવેલી છોટાલાલની ચાલી પાસે ગઇકાલે કારના કાચ તોડીને ગઠીયાઓએ 2.70 લાખ રૂપિયા રોકડની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. વેપારી તેમના વેવાઇને લઇને આંગડીયા પેઢીમાં રૂપિયા લેવા માટે ગયા હતા. રૂપિયા લઇને પરત આવ્યા હતા ત્યારે વેપારી નાસ્તો કરવા માટે ગયા હતા. નાસ્તો કરીને પરત આવ્યા ત્યારે કારનો કાચ તૂટેલો હતો અને તેમાંથી રૂપિયા ભરેલી બેગ ગાયબ હતી.
નિકોલ વિસ્તારમાં આવેલા શ્યામવીલામાં રહેતા હરીશ પુરોહિતે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. હરીશ પુરોહિત બાકરોલ પાસે આવેલા ગોપાલ ચરણ એસ્ટેટમાં ગ્લોબલ માર્કેટીંગ નામની ઓફિસ ધરાવીને વેપાર ધંધો કરે છે. ગઇકાલે હરીશ પુરોહિત તેમના વેવાઇ અર્જુનભાઇ પુરોહિતની ક્રેટા કાર લઇને બાપુનગરમાં પેમેન્ટ લેવા માટે ગયા હતા. બાપુનગર વિસ્તારમાં આવેલી ખોડીયાર ચેમ્બરમાં રાજેશ મગન આંગડીયામાંથી હરીશ પુરોહિતે 2.70 લાખ રૂપિયા લીધા હતા અને બેગમાં મુકીને ડ્રાઇવર સીટની પાછળ મુક્યા હતા.