વ્હાઇટ કોટ જોઈને છેતરાતા નહીં! જાણો એઆઈ જનરેટેડ ડોક્ટર્સનું અસલી સત્ય
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેકનોલોજી આજે હેલ્થકેર ક્ષેત્રે ક્રાંતિ લાવી રહી છે, પરંતુ તેની સાથે સાથે તે ખોટી તબીબી માહિતી અને ભ્રામક દાવાઓનો એક નવો ખતરો પણ ઊભો કરી રહી છે. તાજેતરના અહેવાલો મુજબ, સોશિયલ મીડિયા પર AI દ્વારા તૈયાર કરાયેલા બોગસ “ડોક્ટર્સ” અથવા ડિજિટલ અવતાર લાખો યુઝર્સને ગેરમાર્ગે દોરનારી તબીબી સલાહ આપી રહ્યા છે. આ સિવાય, સોશિયલ મીડિયા પર રાતોરાત વાયરલ થતા વેલનેસ ટ્રેન્ડ્સ, જેમ કે ચમત્કારી ઇલાજો અને પુરાવા વગરના વજન ઘટાડવાના ઉપાયો, જાહેર આરોગ્ય માટે મોટો ખતરો બની રહ્યા છે.
તાજેતરમાં ચર્ચામાં આવેલું એક ઉદાહરણ “પિંક જેલી” (Pink Jelly) વજન ઘટાડવાની ટ્રીટમેન્ટનું હતું. કોઈ પણ વૈજ્ઞાનિક પુરાવા ન હોવા છતાં, એઆઈ અવતાર્સ અને પ્રભાવશાળી વાયરલ વીડિયોના કારણે એક પ્રખ્યાત સેલિબ્રિટી પણ આ ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ હતી. આ ઘટનાઓ દર્શાવે છે કે જ્યારે તબીબી દાવાઓને આધુનિક AI અવતાર કે જાણીતા ઇન્ફ્લુએન્સર્સ દ્વારા રજૂ કરવામાં આવે છે, ત્યારે લોકો કેટલી સહેલાઈથી તેના પર વિશ્વાસ કરી લે છે.

લોકો એઆઈ-જનરેટેડ ડોક્ટર્સ પર કેમ વિશ્વાસ કરી લે છે?
એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ વર્ચ્યુઅલ ડોક્ટર્સ દેખાવમાં અને બોલવામાં બિલકુલ વાસ્તવિક તબીબો જેવા જ લાગે છે. તેઓ સફેદ કોટ પહેરે છે, હાથમાં સ્ટેથોસ્કોપ રાખે છે અને તબીબી ભાષા તેમજ શબ્દોનો ઉપયોગ કરીને ખૂબ જ પ્રોફેશનલ વીડિયો બનાવે છે. આનાથી જોનારને એવો ભાસ થાય છે કે સામે પર્સનલ એક્સપર્ટ ઊભો છે. પરંતુ માત્ર સારો દેખાવ અને વ્હાઇટ કોટ એ વાતની ગેરંટી નથી કે અંદર આપેલી સલાહ પણ તબીબી રીતે સાચી છે.
આ જ રીતે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ પોતાની વ્યક્તિગત વાર્તાઓ શેર કરીને ફોલોઅર્સ સાથે સંબંધ બાંધે છે. સમય જતાં, મનોવિજ્ઞાનની ભાષામાં જેને ‘પેરાસોશિયલ રિલેશનશિપ’ (Parasocial Relationship) કહેવાય છે તેવો એકતરફી વિશ્વાસ ઊભો થાય છે. લોકોને લાગે છે કે આ ઇન્ફ્લુએન્સર તેમનો સગો મિત્ર કે ભાઈ-બહેન છે. વિવિધ અભ્યાસો દર્શાવે છે કે આ પ્રકારનો વિશ્વાસ લોકોના સ્વાસ્થ્ય અને દવા સંબંધિત નિર્ણયોને પ્રભાવિત કરે છે. દુર્ભાગ્યવશ, કોઈ વ્યક્તિનો આત્મવિશ્વાસ કે તેની બોલવાની રીત તબીબી સત્યતાની ખાતરી આપતી નથી.
ઉપરાંત, જ્યારે આપણને કોઈ સમાન અનુભવ ધરાવતી વ્યક્તિ – જેમ કે અન્ય કોઈ માતા, કેન્સર સર્વાઇવર કે કોઈ દર્દી – સલાહ આપે છે ત્યારે આપણને તેના પર વધુ ભરોસો બેસે છે. પરંતુ વ્યક્તિગત અનુભવ ગમે તેટલો સાચો કે પ્રામાણિક હોય, તે વૈજ્ઞાનિક સંશોધનો અને તબીબી પરીક્ષણોનો વિકલ્પ ક્યારેય બની શકતો નથી.
ઇન્ટરનેટ પર ખોટી તબીબી સલાહને કેવી રીતે ઓળખવી?
એઆઈ દ્વારા ચાલતા હેલ્થ સ્કેમ્સ અને ભ્રામક તબીબી સામગ્રીથી બચવા માટે નિષ્ણાતો નીચે મુજબના પગલાં લેવાની સલાહ આપે છે:
-
સ્ત્રોત (Source) ની ચકાસણી કરો: સલાહ આપનાર વ્યક્તિ ખરેખર માન્યતા પ્રાપ્ત અને લાઇસન્સ ધરાવતો હેલ્થકેર પ્રોફેશનલ છે કે નહીં તેની તપાસ કરો. માત્ર દેખાવ પર જવાને બદલે તેમની ડિગ્રી અને પદવીની અલગથી ચકાસણી કરો.
-
વૈજ્ઞાનિક પુરાવા શોધો: સાચી અને ભરોસાપાત્ર તબીબી માહિતી હંમેશા ગુણવત્તાસભર સંશોધનો, જર્નલ્સ અને રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાઓ અથવા માન્ય મેડિકલ એસોસિએશન્સ દ્વારા સમર્થિત હોય છે.
-
આર્થિક સ્વાર્થ પ્રત્યે સાવધ રહો: જો વીડિયો કે પોસ્ટમાં કોઈ પ્રોડક્ટ, સપ્લીમેન્ટ, પેઇડ કોર્સ, પ્રાઇવેટ ટ્રીટમેન્ટ કે એફિલિએટ લિંક પ્રમોટ કરવામાં આવી રહી હોય, તો સમજી લેવું કે ત્યાં વ્યાપારી સ્વાર્થ જોડાયેલો છે.
-
ચમત્કારી દાવાઓથી દૂર રહો: “દરેક માટે ઉપયોગી”, “૧૦૦ ટકા કુદરતી અને ઝીરો સાઇડ ઇફેક્ટ”, કે “રાતોરાત ગેરંટીડ ઇલાજ” જેવા શબ્દો વાસ્તવિક મેડિકલ સાયન્સમાં ભાગ્યે જ સાચા હોય છે.
-
ચાલુ સારવાર ક્યારેય બંધ ન કરો: સૌથી મોટો ખતરો ત્યારે ઊભો થાય છે જ્યારે આવા વીડિયો તમને ડોક્ટર દ્વારા આપવામાં આવેલી એલોપેથિક દવાઓ બંધ કરવાની કે નિષ્ણાત ડોક્ટર પાસે જતાં અટકાવવાની સલાહ આપે છે. આ સૌથી મોટો ગંભીર સંકેત છે.

એઆઈ યુગમાં સુરક્ષિત કેવી રીતે રહેવું?
જોકે એઆઈ પાસે હેલ્થકેર ક્ષેત્રને બહેતર બનાવવાની અદ્ભુત ક્ષમતા છે, પણ જ્યારે તેનો બિનજવાબદાર ઉપયોગ થાય છે ત્યારે તે ગેરમાર્ગે દોરતી માહિતીને ખૂબ ઝડપથી ફેલાવે છે. માત્ર સામાન્ય નાગરિકો જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, હેલ્થકેર સંસ્થાઓ, નિયામકો (Regulators) અને તબીબી વ્યાવસાયિકો – તમામની જવાબદારી બને છે કે તેઓ આ પ્રકારની ખોટી તબીબી માહિતીના ફેલાવાને અટકાવે.
કોઈપણ વ્યક્તિનો અંગત અનુભવ આપણને માર્ગદર્શન આપી શકે છે, પરંતુ તે દરેક વ્યક્તિ માટે સુરક્ષિત કે અસરકારક હોય તે જરૂરી નથી. તેથી, સોશિયલ મીડિયા પર વાયરલ થતા કોઈપણ ટ્રેન્ડ કે એઆઈ-જનરેટેડ ડોક્ટરની સલાહ પર આંખ બંધ કરીને અમલ કરતા પહેલા, હંમેશા કોઈ લાયકાત ધરાવતા વાસ્તવિક ડોક્ટરની મુલાકાત લો અને પુરાવા-આધારિત તબીબી માર્ગદર્શન પર જ વિશ્વાસ કરો.