ટ્રમ્પના ‘ટ્રુથ સોશિયલ’ ધમાકા બાદ તેહરાન ગરમ: “જે દેશ લડવા સક્ષમ છે, એ જ અમેરિકા સામે ટેબલ પર બેસી શકે”
વિશ્વ રાજકારણમાં કાયમી દુશ્મન ગણાતા અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે સામાન્ય સરહદી વિવાદોથી આગળ વધીને પ્રચંડ સૈન્ય સંઘર્ષ તરફ વળી રહ્યો છે. પાછલા મહિનાઓમાં બંને દેશો વચ્ચે કેટલીક ગુપ્ત અને જાહેર શાંતિ વાટાઘાટો થઈ હોવા છતાં, હવે અવિશ્વાસની ખાઈ વધુ ઊંડી થઈ ગઈ છે. ઈરાની સંસદના પ્રભાવશાળી સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફે વોશિંગ્ટનના ઈરાદાઓ પર આકરા પ્રહારો કરતા સાફ શબ્દોમાં કહી દીધું છે કે, ઈરાનને સુપરપાવર અમેરિકા પર સહેજ પણ ભરોસો નથી. જો અમેરિકા તાજેતરમાં થયેલા પરસ્પર કરારો અને સમજૂતી પત્ર (MoU) માંથી એકપક્ષીય રીતે પાછળ હટવાનો કે દગો કરવાનો પ્રયાસ કરશે, તો ઈરાન પોતાની સંપ્રભુતા અને જનતાના અધિકારોના રક્ષણ માટે ‘પૂર્ણ પાયે સંઘર્ષ’ અને જવાબી હુમલા કરવા માટે સજ્જ છે.
જેડી વાન્સ સાથેની વાતચીતનો મોટો ખુલાસો
સ્થાનિક સમય અનુસાર શુક્રવારે ઈરાનના સ્પીકર ગાલિબાફે ઈન્ડોનેશિયાના પીપલ્સ કન્સલ્ટેટિવ એસેમ્બલીના સ્પીકર અહમદ મુઝાની સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ મુલાકાત બાદ પોતાની સત્તાવાર ટેલિગ્રામ પોસ્ટમાં ગાલિબાફે આંતરરાષ્ટ્રીય ડિપ્લોમેસી અંગે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ગત દિવસોમાં યોજાયેલી શાંતિ વાટાઘાટો દરમિયાન તેમણે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સની આંખમાં આંખ પરોવીને કહી દીધું હતું કે તેહરાન વ્હાઇટ હાઉસની નીતિઓ પર ક્યારેય આંધળો વિશ્વાસ નહીં કરે.

ગાલિબાફે પોતાના સત્તાવાર નિવેદનમાં ઉમેર્યું, “મેં યુએસ ઉપરાષ્ટ્રપતિને સ્પષ્ટ શબ્દોમાં ચેતવ્યા હતા કે ફક્ત એ જ દેશ અમેરિકા સાથે સમાન સ્તરે વાટાઘાટો કરી શકે છે જે યુદ્ધ લડવા માટે હંમેશા અને સંપૂર્ણપણે સક્ષમ હોય. અમે ક્યારેય પણ અમારા દેશની સૈન્ય તૈયારીઓ અને ડિફેન્સ સિસ્ટમને મજબૂત કરવાનું બંધ કર્યું નથી. અમેરિકા કરાર તોડશે એ જ ક્ષણે અમારો વળતો પ્રહાર શરૂ થઈ જશે.”
ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટ અને યુદ્ધવિરામની સત્તાવાર સમાપ્તિ
બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાના આક્રમક વલણથી આ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. ટ્રમ્પે પોતાના લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ (Truth Social) પર લખેલી એક સનસનાટીભર્યા પોસ્ટમાં દાવો કર્યો છે કે, ઈરાન અંદરખાને નબળું પડ્યું છે અને તેણે અમેરિકાને વાટાઘાટો ચાલુ રાખવા માટે કાલાવાલા (વિનંતી) કર્યા છે.
ટ્રમ્પે લખ્યું, “ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન ઈચ્છે છે કે આપણે સંવાદનો દોર આગળ ધપાવીએ. વૈશ્વિક સ્થિરતા માટે અમે આ પ્રસ્તાવ સ્વીકાર્યો છે, પરંતુ અમે ઈરાનને અત્યંત કડકાઈથી જણાવી દીધું છે કે બંને દેશો વચ્ચે અગાઉ થયેલો યુદ્ધવિરામ (Ceasefire) હવે સત્તાવાર રીતે સમાપ્ત થઈ ચૂક્યો છે.” ટ્રમ્પનું આ નિવેદન દર્શાવે છે કે વોશિંગ્ટન હવે કોઈ પણ જૂની શરતોને માનવા તૈયાર નથી.

કતારના મધ્યસ્થીઓ એક્શનમાં: તેહરાન ખાતે તાકીદની બેઠકો
આ ભયાનક વૈશ્વિક તણાવ અને યુદ્ધની આશંકાઓ વચ્ચે, મધ્ય પૂર્વમાં મધ્યસ્થી તરીકે જાણીતું કતાર દેશ ફરી એકવાર એક્શન મોડમાં આવ્યું છે. સીએનએન (CNN) ના તાજા અહેવાલ મુજબ, કતારના ટોચના રાજદ્વારીઓ અને વાટાઘાટકારોની એક વિશેષ ટીમ તાકીદની બેઠકો માટે ઈરાનની રાજધાની તેહરાન પહોંચી ગઈ છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, કતારની આ શાંતિ મિશન મુલાકાત સંપૂર્ણપણે વોશિંગ્ટન એટલે કે યુએસ વહીવટી તંત્ર સાથેના પરામર્શ અને સંકલન બાદ જ ગોઠવવામાં આવી છે. આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકા અને ઈરાન વચ્ચે સતત વધી રહેલી સૈન્ય ખાઈને ઓછી કરવાનો, બંને પક્ષોને ફરીથી ટેબલ ટોક (વાતચીત) તરફ વાળવાનો અને ભવિષ્યમાં કોઈ નવી રાજદ્વારી વ્યવસ્થા ઊભી કરવા માટેનો સેતુ બનવાનો છે. પરંતુ, ગાલિબાફની યુદ્ધની તૈયારીઓ અને ટ્રમ્પના આકરા તેવર જોતા કતારનું આ મિશન કેટલું સફળ રહેશે, તેના પર આખા વિશ્વની નજર મંડાયેલી છે.