અમરેલી જિલ્લામાં ફોર્ટિફિકેશન અંગે માસ્ટર ટ્રેનર્સ દ્વારા વિશેષ તાલીમ અને સ્પોટ ટેસ્ટિંગ પ્રદર્શન
અમરેલી જિલ્લામાં ‘એનેમિયા મુક્ત ભારત’ અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે એક ખાસ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ડબલ ફોર્ટિફાઈડ નમક અને ચોખાના ઉપયોગને પ્રોત્સાહન આપીને લોકોમાં પોષણનું સ્તર વધારવાનો છે. આ તાલીમમાં જિલ્લા અને તાલુકા કક્ષાના લાઈવલીવુડ મેનેજર, હેલ્થ વિઝિટર્સ અને પૂર્ણા કન્સલ્ટન્ટ સહિતના કર્મચારીઓ જોડાયા હતા, જેથી તેઓ છેવાડાના લોકો સુધી આ માહિતી પહોંચાડી શકે.
શું છે ફૂડ ફોર્ટિફિકેશન અને તેનાથી થતા ફાયદા?
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) મુજબ, ફૂડ ફોર્ટિફિકેશન એટલે સામાન્ય ખોરાકમાં વિટામિન્સ અને ખનિજો જેવા આવશ્યક સૂક્ષ્મ પોષકતત્વો ઉમેરવાની પ્રક્રિયા. આ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી ખોરાકના સ્વાદ, દેખાવ કે રાંધવાની પદ્ધતિમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ તેની પોષક ગુણવત્તા વધી જાય છે. આ કુપોષણ દૂર કરવા માટેનો એક અત્યંત ઓછો ખર્ચાળ અને સુરક્ષિત રસ્તો છે, જેની અસર ઝડપથી જોવા મળે છે.
ખાસ કરીને મહિલાઓ અને બાળકો માટે આશીર્વાદરૂપ પદ્ધતિ
ફૂડ ફોર્ટિફિકેશન ખાસ કરીને વધતા બાળકો અને પ્રજનન વયની મહિલાઓમાં જોવા મળતા કુપોષણને દૂર કરવા માટે બનાવવામાં આવ્યું છે. સરકાર દ્વારા હાલમાં નમક, ચોખા, લોટ અને તેલ જેવી પાયાની ચીજવસ્તુઓમાં આયર્ન અને આયોડિન જેવા તત્વો ઉમેરીને તેને ફોર્ટિફાઈડ કરવામાં આવે છે. આનાથી શરીરમાં લોહીની ઉણપ (એનેમિયા) દૂર થાય છે અને શારીરિક તેમજ માનસિક વિકાસમાં સુધારો થાય છે.
સ્પોટ ટેસ્ટિંગ કીટ દ્વારા પ્રત્યક્ષ નિદર્શન અને માર્ગદર્શન
તાલીમ દરમિયાન માસ્ટર ટ્રેનર્સ દ્વારા ફોર્ટિફાઈડ ચીજવસ્તુઓની ઓળખ અને તેના લાંબાગાળાના ફાયદાઓ વિશે વિગતવાર સમજણ આપવામાં આવી હતી. કાર્યક્રમની વિશેષતા એ હતી કે ત્યાં હાજર અધિકારીઓને ‘સ્પોટ ટેસ્ટિંગ કીટ’ દ્વારા સ્થળ પર જ પ્રાયોગિક નિદર્શન બતાવવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને અન્ય વિભાગના અધિકારીઓએ આ પોષણ અભિયાનને જન-જન સુધી પહોંચાડવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
