ઘટના છુપાવવાનો એરપોર્ટ ઓથોરિટીના પ્રયાસનો આરોપ, પ્રાંત અધિકારીએ કરી પુષ્ટિ
અમરેલી એરપોર્ટ પર ફરી એકવાર ટ્રેનિંગ પ્લેન રનવે પરથી નીચે ઉતરવાની ઘટના સામે આવતાં ચકચાર મચી છે. વહેલી સવારે રોજની જેમ તાલીમ માટે ઉડાન ભરતી વખતે પ્લેન અચાનક સ્લીપ થતા રનવેની બહાર પહોંચી ગયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી, પરંતુ થોડા જ સમયગાળા દરમિયાન આવી બીજી ઘટના બનતાં સુરક્ષા ધોરણો અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. અગાઉ પણ રહેણાંક વિસ્તારમાં ટ્રેનિંગ પ્લેન ક્રેશ થવાથી પાયલોટનું મોત નિપજ્યું હતું.
વારંવારની ઘટનાઓ સુરક્ષા વ્યવસ્થાને કઠઘરામાં મૂકે છે
ટ્રેનિંગ એરપોર્ટ પર બનતી આ પુનરાવર્તિત ઘટનાઓ હવાઈ સલામતી અંગે ચિંતા વધારે છે. આજે થયેલી ઘટનામાં પ્લેન રનવે પર લેન્ડિંગ દરમ્યાન અચાનક સ્લીપ થવાને કારણે કાબૂ બહાર ગયું હોવાનું પ્રાથમિક માહિતીમાંથી જાણવા મળે છે. ઘટના ગંભીર હોવા છતાં આ વખતે પણ અધિકારીઓએ સમયસર માહિતી જાહેર કરી નહોતી. સ્થાનિક સ્તરે ઉડ્ડયન તાલીમ કેન્દ્રોની કામગીરી અને મેન્ટેનન્સ સિસ્ટમ પર સવાલો ઉઠવા લાગ્યા છે.
એરપોર્ટ ઓથોરિટીના વર્તન પર શંકાના વાદળ
ઘટના બાદ એરપોર્ટ ઓથોરિટીએ માહિતી છુપાવવાનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચા ઉઠી છે. સવારની ઘટનાની વિગતો મીડિયા સુધી ન પહોંચે તે માટે ઇરાદાપૂર્વક વાત દબાવી રાખવામાં આવી હોવાનું સૂત્રો જણાવે છે. જોકે, અંતે અમરેલીના પ્રાંત અધિકારીએ ઘટનાની સત્તાવાર પુષ્ટિ આપી હતી. સતત થતા અકસ્માતો અને અધિકારીઓના મૌનને કારણે એરપોર્ટની કામગીરી પર શંકાનો ઘેરો માહોલ સર્જાયો છે.

