મનમોહન સિંહના સુધારાઓએ ભારતને 30 વર્ષના આર્થિક વિકાસના પથ પર મૂક્યું: એન્જેલા મર્કેલ
જર્મનીના પૂર્વ ચાન્સેલર એન્જેલા મર્કેલે ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના આર્થિક સુધારાઓની મુક્તકંઠે પ્રશંસા કરી છે. દિલ્હીમાં આયોજિત પ્રથમ ‘ડૉ. મનમોહન સિંહ મેમોરિયલ લેક્ચર’ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, 1991માં મનમોહન સિંહે નાણામંત્રી તરીકે લીધેલા સાહસિક નિર્ણયોએ ભારતને આગામી 30 વર્ષ સુધી આર્થિક પ્રગતિ કરવાની મજબૂત પાયો પૂરો પાડ્યો હતો.
1991ના સાહસિક આર્થિક સુધારાઓની યાદ
મર્કેલે ડૉ. સિંહના નાણામંત્રી તરીકેના કાર્યકાળ (1991-1996) ને યાદ કરતા કહ્યું કે, જ્યારે ભારત ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હતું, ત્યારે મનમોહન સિંહે “સાહસિક સુધારા” શરૂ કર્યા હતા. તેમણે વિદેશી હૂંડિયામણના નિયમો સરળ બનાવ્યા, લાલ ફીતાશાહી (Red Tapism) ખતમ કરી અને વિદેશી રોકાણકારો માટે ભારતીય બજારના દ્વાર ખોલી દીધા. આ પ્રયાસોને કારણે જ ભારતની અર્થવ્યવસ્થા સ્થિર થઈ અને ત્રણ દાયકા સુધી સતત વિકાસ જોવો શક્ય બન્યો.
CO2 ઉત્સર્જન મુદ્દે એ જૂની ચર્ચા
પોતાના ભાષણ દરમિયાન મર્કેલે એક રસપ્રદ કિસ્સો પણ યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે ક્યોટો પ્રોટોકોલ બાદ જ્યારે ભારતે ‘બાઈન્ડિંગ CO2 ઉત્સર્જન’ ઘટાડાને સ્વીકારવાની ના પાડી ત્યારે તેઓ નિરાશ થયા હતા. તે સમયે મનમોહન સિંહે સ્પષ્ટ કહ્યું હતું કે, “ભારતીય સંસદ ક્યારેય CO2 કાપને સ્વીકારશે નહીં.” મર્કેલે સ્વીકાર્યું કે તે સમયે તેઓ આ વાતથી ખુશ નહોતા, પરંતુ તેઓ ડૉ. સિંહના નિશ્ચય અને દેશના હિત પ્રત્યેની તેમની નિષ્ઠાનું સન્માન કરે છે.
ડેમોગ્રાફિક ડિવિડન્ડ અને FTA ની પ્રશંસા
એન્જેલા મર્કેલે ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) ની પણ પ્રશંસા કરી હતી. તેમણે યાદ અપાવ્યું કે આ સમજૂતીમાં તેમનું પણ અમુક યોગદાન રહ્યું હતું. તેમણે કહ્યું કે ભારત પાસે યુવા વસ્તીનું મોટું બળ છે, જે તેને ‘ડેમોગ્રાફિક ફાયદો’ અપાવે છે. યુરોપિયન યુનિયન વિશ્વની બીજી સૌથી મોટી આર્થિક શક્તિ હોવાથી આ ભાગીદારી ભારત માટે ખૂબ જ મહત્વની સાબિત થશે.
આંકડાઓ બોલે છે: ભારતનું ઉજ્જવળ ભવિષ્ય
મર્કેલે ડૉ. સિંહના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ (2004-2014) ના આંકડા રજૂ કરતા કહ્યું કે, 2004માં ભારતની માથાદીઠ આવક 624 ડોલર હતી, જે 2014માં જ્યારે તેમણે પદ છોડ્યું ત્યારે અઢી ગણી વધીને 1,553 યુએસ ડોલર થઈ ગઈ હતી. તેમણે કહ્યું, “આ આંકડાઓ પોતાની જાતે જ બધું કહી રહ્યા છે. ભારતમાં અદભૂત ક્ષમતા છે અને તેનું ભવિષ્ય અત્યંત ઉજ્જવળ છે.”

