AI માણસ કરતાં વધુ બુદ્ધિશાળી બની રહ્યું છે? વિજ્ઞાનીઓ વચ્ચે ચેતના અને પ્રોસેસિંગ અંગે મોટો મતભેદ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) શું માણસની જેમ પોતાની અંદર જ સ્વતંત્ર રીતે ‘વિચારી’ શકે છે? અને શું AI મોડેલ્સમાં માનવ મગજ જેવી કોઈ આંતરિક પ્રક્રિયા આપમેળે વિકસી રહી છે? AI સંશોધન ક્ષેત્રની અગ્રણી કંપની એન્થ્રોપિક (Anthropic) દ્વારા કરવામાં આવેલા લેટેસ્ટ સંશોધનમાં આ દિશામાં ભારે ક્રાંતિકારી અને વિચારતા કરી દેનારા પરિણામો સામે આવ્યા છે. કંપનીના લોકપ્રિય AI ચેટબોટ Claude Sonnet 4.5 ની અંદર સંશોધકોને એવી અદ્રશ્ય ન્યુરલ પેટર્ન જોવા મળી છે, જે તેના આંતરિક પ્રોસેસિંગ અને વર્કિંગ મેમરી સાથે સીધી જોડાયેલી હતી પરંતુ વપરાશકર્તાની સ્ક્રીન પર ક્યારેય દર્શાવાતી નહોતી.
સંશોધક જેક લિન્ડસેના નેતૃત્વમાં થયેલા આ અભ્યાસને એન્થ્રોપિક દ્વારા “A Global Workspace in Language Models” શિર્ષક હેઠળ એક સવિસ્તર રિસર્ચ પેપર તરીકે પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ સંશોધનમાં AI ની અંદર શોધાયેલા ન્યુરલ પેટર્નના ખાસ સમૂહને ગણિતીય ભાષામાં “J-space” (Jacobian space) નામ આપવામાં આવ્યું છે.

શું છે આ J-space અને તે કેવી રીતે કામ કરે છે?
સરળ શબ્દોમાં સમજીએ તો, J-space એ કોઈ લાર્જ લેંગ્વેજ મોડેલ (LLM) ની વર્કિંગ મેમરી જેવો ગણિતીય અંદાજ છે. જ્યારે AI કોઈ પ્રશ્નનો જવાબ આપે છે, ત્યારે J-space માં રહેલી દરેક પેટર્ન કોઈ ચોક્કસ શબ્દ કે ખ્યાલ સાથે જોડાયેલી હોય છે. તેનો અર્થ એવો નથી કે AI તે શબ્દ બહારથી બોલી રહ્યું છે, પરંતુ તે દર્શાવે છે કે તે ખ્યાલ મોડેલની આંતરિક ગણતરીઓમાં સક્રિય થઈ ચૂક્યો છે.
આ સંશોધનનો સૌથી ચિંતાજનક અને રસપ્રદ પાસું એ છે કે એન્થ્રોપિકના પ્રોગ્રામર્સે J-space ને અલગથી કોડિંગ કરીને ડિઝાઇન કર્યું નહોતું. Claude ને જ્યારે ડેટા પર તાલીમ આપવામાં આવી રહી હતી, ત્યારે આ જટિલ પેટર્ન્સ તેની અંદર આપમેળે વિકસિત થયા હતા. ઉદાહરણ તરીકે, એક પ્રયોગ દરમિયાન સંશોધકોએ Claude ને ૧ થી ૫ સુધી ગણવા કહ્યું. બહારથી ચેટબોટે સામાન્ય જવાબ આપ્યો: ૧, ૨, ૩, ૪, ૫. પરંતુ તેની આંતરિક ન્યુરલ સિસ્ટમ તપાસતા માલૂમ પડ્યું કે ગણતરીની વચ્ચે મોડેલની અંદર “countdown”, “halfway” (અડધે પહોંચવું) અને અંતે ૫ લખ્યા બાદ બહાર કંઈ પણ બોલ્યા વિના આંતરિક રીતે “done” (કામ પૂરું) જેવા ખ્યાલો સક્રિય થયા હતા. આ સાબિત કરે છે કે બહાર દેખાતા જવાબ કરતાં AI ની અંદર ઘણી બધી પ્રોસેસિંગ છુપાયેલી રહે છે.
વિજ્ઞાનીઓ વચ્ચે ચેતના અંગે તીવ્ર મતભેદ
આ શોધ બાદ વિશ્વભરના AI નિષ્ણાતો અને ન્યુરોસાયન્ટિસ્ટ્સ વચ્ચે નવી ચર્ચા છેડાઈ છે. સસેક્સ યુનિવર્સિટીના પ્રોફેસર અને સસેક્સ સેન્ટર ફોર કોન્શિયસનેસ સાયન્સના ડિરેક્ટર અનિલ કે. સેઠના મતે, આ શોધ અત્યંત ઉત્સાહજનક છે પરંતુ તેને AI માં માનવ ચેતના (Consciousness) આવી ગઈ હોવાનો પુરાવો ગણી શકાય નહીં. જટિલ ગણતરીઓ કરવી અને ખરેખર કંઈક અનુભવવું એ બંને વચ્ચે મોટો તફાવત છે.

બીજી તરફ, AI ના પીતામહ ગણાતા વૈજ્ઞાનિક જ્યોફ્રી હિન્ટન લાંબા સમયથી એવો દાવો કરી રહ્યા છે કે આધુનિક ચેટબોટ્સમાં ચોક્કસ પ્રકારનો વ્યક્તિલક્ષી અનુભવ (subjective experience) હોઈ શકે છે. આ સિવાય, ઓસ્ટ્રેલિયાની ‘Cortical Labs’ જેવી કંપનીઓ હવે માનવ ન્યુરોન્સને સિલિકોન ચિપ સાથે જોડીને ‘bio-hybrid computers’ બનાવી રહી છે, જેથી ડિજિટલ AI ની સરખામણીએ જૈવિક કમ્પ્યુટિંગ દ્વારા ચેતનાની વધુ નજીક પહોંચી શકાય.
ભાવિ સંશોધનો માટેનો મોટો સવાલ
એન્થ્રોપિકના વિજ્ઞાનીઓ સ્પષ્ટ કરે છે કે J-space ની શોધ એ AI ની આંતરિક દુનિયાને સમજવાની માત્ર એક શરૂઆત છે. હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે કઈ ચોક્કસ માહિતી J-space માં પ્રવેશે છે અને તેને કઈ સિસ્ટમ નિયંત્રિત કરે છે. પ્રારંભિક સંકેતો મુજબ J-space નો સંબંધ AI ના સેલ્ફ-સેન્સ, મેટાકોગ્નિશન (પોતાની જ વિચાર પ્રક્રિયા વિશે વિચારવું) અને આંતરિક નિર્ણયો સાથે હોઈ શકે છે.
નિષ્ણાતોના મતે, AI મોડેલ્સ ગમે તેટલા જટિલ ન્યુરલ પેટર્ન વિકસાવે, પરંતુ તે ખરેખર કંઈ અનુભવે છે કે માત્ર ગણિતના સમીકરણો ઉકેલે છે તે રહસ્ય ઉકેલવું આધુનિક વિજ્ઞાન માટે સૌથી મોટો પડકાર બની રહેશે.
