ગુજરાતને મળશે ₹૩૫,૦૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ: વડોદરાથી પીએમ મોદી કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના ગૃહ રાજ્ય ગુજરાતના એક દિવસીય મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદીનો આ પ્રવાસ રાજકીય અને વિકાસલક્ષી એમ બંને દૃષ્ટિએ ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. પોતાના આ ટૂંકા પ્રવાસ દરમિયાન વડાપ્રધાન વડોદરા અને નવસારી જિલ્લામાં આયોજિત વિવિધ હાઈપ્રોફાઈલ કાર્યક્રમોમાં હાજરી આપશે. વડોદરામાં તેઓ ‘નમો ફોર વિકસિત ભારત’ કાર્યક્રમ હેઠળ યુવાનો અને Gen-Z સાથે સીધો આત્મિય સંવાદ કરશે, જ્યારે નવસારી ખાતે જિલ્લા ભાજપના અત્યાધુનિક નવનિર્મિત ‘નમો કમલમ્’ કાર્યાલયનું વિધિવત લોકાર્પણ કરશે.
વડાપ્રધાનના પ્રવાસનો પ્રથમ તબક્કો સંસ્કારી નગરી વડોદરાથી શરૂ થઈ રહ્યો છે. વડોદરામાં આવેલી ઐતિહાસિક એમ.એસ. યુનિવર્સિટીના પેવિલિયન મેદાન ખાતે ‘નમો ફોર વિકસિત ભારત’ કાર્યક્રમનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પીએમ મોદી અને Gen-Z એટલે કે નવી પેઢીના યુવાનો, વિદ્યાર્થીઓ તથા વિવિધ ક્ષેત્રના યુવા પ્રોફેશનલ્સ વચ્ચેનો સંવાદ રહેશે.
‘Y’ આકારનો વિશેષ રેમ્પ અને યુવાનો સાથે મુલાકાત
વડોદરાના આ કાર્યક્રમને વધુ ભવ્ય અને આકર્ષક બનાવવા માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. વડાપ્રધાનના મુખ્ય સ્ટેજ સાથે જોડીને એક ખાસ ‘Y’ આકારનો રેમ્પ તૈયાર કરાયો છે. આ રેમ્પની બંને બાજુએ હજારો યુવાનો માટે બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે. પીએમ મોદી આ ‘Y’ આકારના રેમ્પ પર ચાલતા-ચાલતા યુવાનોની નજીક પહોંચશે, તેમનું અભિવાદન ઝીલશે અને તેમની સાથે સીધી વાતચીત કરીને દેશના વિકાસમાં યુવા શક્તિના યોગદાન અંગે સંવાદ કરશે.

યુવા સંવાદની સાથે પીએમ મોદી વડોદરાના આ મંચ પરથી સમગ્ર ગુજરાત માટે વિકાસના દ્વાર ખોલશે. વડાપ્રધાનના હસ્તે રૂ. ૩૫,૦૦૦ કરોડથી પણ વધુના વિભિન્ન વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં રાજ્યભરના મહત્વપૂર્ણ રેલવે પ્રોજેક્ટ્સના શિલાન્યાસ અને ઉદ્ઘાટનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, નેશનલ હાઈવે નેટવર્કને મજબૂત બનાવતા અનેક મહત્વના માર્ગ પરિવહન પ્રોજેક્ટ્સનો પણ પીએમ મોદીના હસ્તે પ્રારંભ કરવામાં આવશે.
નવસારીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ ‘નમો કમલમ્’
વડોદરાના તમામ કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાની મુલાકાતે પહોંચશે. નવસારીમાં નેશનલ હાઈવે નજીક નવનિર્મિત જિલ્લા ભાજપ કાર્યાલય ‘નમો કમલમ્’ તૈયાર કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન પીએમ મોદી કરશે.
નવસારીનું આ નવું ‘નમો કમલમ્’ કાર્યાલય સામાન્ય રાજકીય કાર્યાલયો કરતાં તદ્દન અલગ અને અત્યાધુનિક છે. આ કાર્યાલયની સૌથી મોટી ખાસિયત તેની હાઇટેક ડિજિટલ સુવિધાઓ છે. સમગ્ર કાર્યાલયને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજી, હાઇ-સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને ડિજિટલ કોન્ફરન્સ રૂમથી સજ્જ કરવામાં આવ્યું છે. સંગઠનાત્મક કામગીરીને સંપૂર્ણપણે પેપરલેસ બનાવવાની દિશામાં આ એક મોટું કદમ છે. આ આધુનિક સુવિધાઓથી પક્ષના કાર્યકરો અને નેતાઓ વચ્ચેનું ડિજિટલ સંકલન વધુ સરળ અને સચોટ બનશે.

બુદ્ધિજીવીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિ
નવસારીના આ ઉદ્ઘાટન સમારંભ માટે વહીવટી તંત્ર અને પક્ષ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. આ કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ અને પદાધિકારીઓ ઉપરાંત નવસારીના તબીબો, એન્જિનિયરો, શિક્ષણવિદો, વિવિધ ક્ષેત્રના બુદ્ધિજીવીઓ અને સામાજિક અગ્રણીઓ વિશેષરૂપે ઉપસ્થિત રહેશે.
આમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજના એક દિવસીય ગુજરાત પ્રવાસથી રાજ્યને હજારો કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની સાથે સાથે યુવા જોડાણ અને ડિજિટલ સંગઠનાત્મક માળખાનો એક નવો દ્રષ્ટિકોણ મળશે.
