શું તમે પણ ઘર ખરીદવા પાછળ દોડો છો? અનુપમ ખેરના આ વિચારો તમારી જીવન જોવાની દ્રષ્ટિ બદલી નાખશે.
સામાન્ય રીતે લોકો મુંબઈ જેવા શહેરમાં પોતાનું ઘર ખરીદવાનું સપનું જોતા હોય છે, પરંતુ અનુપમ ખેરે આ બાબતે એક અલગ રસ્તો પસંદ કર્યો છે. તેમણે જણાવ્યું કે ભાડાના મકાનમાં રહેવાનો નિર્ણય કોઈ મજબૂરી નથી, પરંતુ એક સભાન વિચાર છે. આ વિચાર તેમના જીવનના અનુભવો અને બદલાતી પ્રાથમિકતાઓમાંથી જન્મ્યો છે. તેઓ માને છે કે જીવનમાં એક તબક્કા પછી ભૌતિક વસ્તુઓ તમારા અસ્તિત્વને વ્યાખ્યાયિત નથી કરતી.
માતા માટે શિમલામાં ખરીદ્યું 8 બેડરૂમનું આલીશાન ઘર
અનુપમ ખેર ભલે પોતે ભાડે રહેતા હોય, પરંતુ તેમણે તેમની માતા દુલારી ખેરની વર્ષો જૂની ઈચ્છા પૂરી કરવામાં કોઈ કસર છોડી નથી. તેમણે વાતચીત દરમિયાન શેર કર્યું કે, “મારી માતાએ જીવનના 60 વર્ષ ભાડાના મકાનમાં વિતાવ્યા હતા. એક દિવસ તેમણે મને કહ્યું કે હવે તેમને શિમલામાં પોતાનું ઘર જોઈએ છે. મેં નક્કી કર્યું કે હું તેમની આ ઈચ્છા જરૂર પૂરી કરીશ.”
જ્યારે તેઓ શિમલામાં ઘર જોવા ગયા ત્યારે તેમની માતા માત્ર એક બેડરૂમનું નાનું ઘર ઈચ્છતા હતા. પરંતુ અનુપમ ખેરે તેમની ખુશી માટે ત્યાં 8 બેડરૂમ અને મોટા હોલ વાળું એક મોટું ઘર ખરીદ્યું. તેઓ માને છે કે માતા-પિતા માટે કંઈક કરવું એ પ્રતીકાત્મક બાબત છે અને તે સમાજ માટે એક ઉદાહરણ પૂરું પાડે છે.
ગૌતમ બુદ્ધના જીવનમાંથી પ્રેરણા અને ભૌતિકવાદનો ત્યાગ
પોતાના નિર્ણયને સમજાવતા અનુપમ ખેરે ગૌતમ બુદ્ધનો ઉલ્લેખ કર્યો. તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ પોતાની સરખામણી બુદ્ધ સાથે નથી કરી રહ્યા, પરંતુ તેમના જીવનના તર્કથી પ્રભાવિત છે. તેમણે કહ્યું, “ગૌતમ બુદ્ધ એક રાજકુમાર હતા, પરંતુ જ્યારે તેઓ બહારની દુનિયામાં ગયા ત્યારે તેમને સત્ય સમજાયું. મેં પણ અનુભવ્યું છે કે એકવાર તમે પૂરતા પૈસા કમાઈ લો, પછી તમારે ખરેખર શેની જરૂર છે? રહેવા માટે એક જગ્યા જોઈએ, પછી ભલે તે પોતાની હોય કે ભાડાની, તેનાથી કોઈ ખાસ ફરક પડતો નથી.”
તેમણે આગળ ઉમેર્યું કે, “તમારી પાસે એક કાર હોય, તમારી સાથે કામ કરનારા એક-બે લોકો હોય, તે પૂરતું છે. હું ચાંદીની રોટલી નથી ખાઈ શકતો કે મારા ખોરાક પર સોનાના વરખ નથી લગાવી શકતો. આ એક વ્યક્તિ તરીકેની તમારી ઉત્ક્રાંતિ (Evolvement) છે. હું સંત હોવાનો દાવો નથી કરતો, પરંતુ જીવનના આ તબક્કે મારી જરૂરિયાતો બદલાઈ ગઈ છે.”
‘સારાંશ’ થી લઈને આજ સુધીની સફર: એક અલગ સિદ્ધિ
અનુપમ ખેરે તેમની પહેલી ફિલ્મ ‘સારાંશ’ ને યાદ કરતા કહ્યું કે ત્યારે તેમને 10,000 રૂપિયા મળ્યા હતા, અને આજે તેઓ ઘણું વધારે કમાય છે. પરંતુ તેમના માટે સફળતાનો અર્થ હવે માત્ર બેંક બેલેન્સ કે મિલકત નથી. તેમના માટે સિદ્ધિ એ છે કે તમે માનસિક રીતે કેટલા વિકસ્યા છો અને તમે બીજા માટે શું કરી શકો છો. પોતાનું ઘર ન હોવા છતાં તેઓ માનસિક રીતે વધુ શાંતિ અનુભવે છે કારણ કે તેઓ ભૌતિક સુખની માયાજાળમાંથી બહાર આવી ગયા છે.

