Australia ઓસ્ટ્રેલિયામાં અત્યારે કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જાન્યુઆરીના અંતથી શરૂ થયેલી કાળઝાળ ગરમીએ હવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશના અંતરિયાળ વિસ્તારોમાં તાપમાનનો પારો 50 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શી ગયો છે, જેના કારણે જનજીવન તો ઠીક, પણ મૂંગા પશુ-પંખીઓ અને ખેતીવાડી પર પણ વિનાશક અસરો જોવા મળી રહી છે. રસ્તાઓ પર ટામર પીગળી રહ્યા છે અને ગરમીના મોજા (Heatwave)એ સમગ્ર દેશને બાનમાં લીધો છે.
આ ભયાનક ગરમીની સૌથી હૃદયદ્રાવક અસર દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં જોવા મળી છે. અહીં હજારોની સંખ્યામાં ‘ફ્લાઈંગ ફોક્સ’ (ચામાચીડિયાની એક ખાસ પ્રજાતિ)ના કરુણ મોત નીપજ્યા છે. તીવ્ર ગરમી અને ડિહાઇડ્રેશન (શરીરમાં પાણીની ઘટ)ને કારણે આ પક્ષીઓ ઝાડ પરથી સીધા જમીન પર પટકાઈ રહ્યા છે. જંગલો અને રસ્તાઓ પર આ પક્ષીઓના મૃતદેહોના ઢગલા જોવા મળી રહ્યા છે, જે જોઈને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે આઘાતની લાગણી ફેલાઈ છે. વન્યજીવનમાં આવેલો આ ઘટાડો આવનારા સમયમાં ઇકોસિસ્ટમ માટે મોટો ખતરો બની શકે છે.
ઇકોલોજી નિષ્ણાતો આ સ્થિતિને ગંભીર ચેતવણી તરીકે જોઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના પ્રોફેસર એડ્રિએન નિકોટ્રાએ જણાવ્યું હતું કે, આ માત્ર એક મોસમનો ફેરફાર નથી પરંતુ પર્યાવરણના વિનાશની નિશાની છે. સતત વધી રહેલી ગરમીને કારણે જંગલી જીવોની સાથે-સાથે પાક અને પશુધન પર પણ મોટું જોખમ તોળાઈ રહ્યું છે. તાપમાનમાં થઈ રહેલો આ અચાનક અને તીવ્ર વધારો કુદરતી સંતુલન ખોરવી રહ્યો છે.
માત્ર વન્યજીવન જ નહીં, ઓસ્ટ્રેલિયાની ખેતી અને પશુપાલન પણ આ ગરમીમાં હોમાઈ રહ્યા છે. 50 ડિગ્રી તાપમાનમાં ખેતરોમાં ઉભો પાક બળીને રાખ થઈ રહ્યો છે. જમીનમાં ભેજનું પ્રમાણ સાવ ઘટી જવાથી પશુપાલકો માટે ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરવી પણ લોઢાના ચણા ચાવવા જેવું કામ થઈ ગયું છે. વૈશ્વિક ક્લાયમેટ ચેન્જની જે વાતો અત્યાર સુધી માત્ર કાગળ પર હતી, તે હવે ઓસ્ટ્રેલિયામાં પ્રત્યક્ષ વિનાશ વેરતી નજરે પડી રહી છે.
