ઈરાન સંકટ પર ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બેનીઝનું રાષ્ટ્રજોગ સંબોધન; ઈંધણ બચાવવા અને આર્થિક પડકારો સામે લડવા કરી અપીલ
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને ઈરાન સંકટની અસરો હવે છેક ઓસ્ટ્રેલિયા સુધી પહોંચી છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ આજે બુધવારે રાત્રે 7 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરવા જઈ રહ્યા છે. આ એક દુર્લભ પ્રસંગ છે, કારણ કે ઓસ્ટ્રેલિયામાં વડાપ્રધાન ત્યારે જ રાષ્ટ્રજોગ સંબોધન કરે છે જ્યારે દેશ સામે કોઈ મોટું સંકટ હોય. અગાઉ કોરોના મહામારી અને 2008ની વૈશ્વિક આર્થિક મંદી સમયે આવા સંબોધનો કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીએમ અલ્બેનીઝ ઓસ્ટ્રેલિયન નાગરિકોને ઈંધણ (Fuel) બચાવવા અને આવનારા મુશ્કેલ સમય માટે તૈયાર રહેવા વિનંતી કરશે.
ઈંધણ અને ઊર્જા સંકટ પર ભાર
મધ્ય પૂર્વમાં એક મહિનાથી ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠો ખોરવાયો છે. ઓસ્ટ્રેલિયા પાસે હાલમાં છેલ્લા 15 વર્ષનો સૌથી વધુ ઈંધણ સ્ટોક હોવા છતાં, તે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીની ’90 દિવસની સુરક્ષા’ ભલામણો કરતા ઘણો ઓછો છે. આથી, સરકાર ઈચ્છે છે કે નાગરિકો બિનજરૂરી ઈંધણનો વપરાશ ઘટાડે જેથી કટોકટીના સમયે અછત ઊભી ન થાય. આવાસ મંત્રી ક્લેર જણાવ્યું કે, વડાપ્રધાન ઈરાનની વર્તમાન સ્થિતિ અને ઓસ્ટ્રેલિયન સમુદાયને આ યુદ્ધની માઠી અસરોથી બચાવવા માટેની સરકારી યોજનાઓ વિશે વિગતે વાત કરશે.
સામાન્ય જનતાને રાહત આપવા મોટા નિર્ણયો
યુદ્ધને કારણે વધતા જતા ખર્ચ સામે લડવા માટે પીએમ અલ્બેનીઝે અગાઉ જ મહત્વની જાહેરાતો કરી છે. સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી (Excise Duty) ત્રણ મહિના માટે અડધી કરી દીધી છે, જેનાથી સરકારી તિજોરી પર અંદાજે 2.55 અબજ ઓસ્ટ્રેલિયન ડોલરનો બોજો પડશે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય મોંઘવારીના મારથી સામાન્ય પરિવારોને બચાવવાનો છે. વધુમાં, હેવી-રોડ-યુઝર ચાર્જ પણ હટાવી લેવામાં આવ્યો છે જેથી પરિવહન ખર્ચ પર અંકુશ મેળવી શકાય.
નાના ઉદ્યોગો માટે સહાય
ઓસ્ટ્રેલિયાના ટ્રેઝરર જિમ ચેલ્મર્સે બુધવારે પત્રકારોને જણાવ્યું કે, આ યુદ્ધની અસર માત્ર ઈંધણ પર જ નહીં પણ સમગ્ર અર્થતંત્ર પર પડી રહી છે. જે નાના ઉદ્યોગો આ સંકટને કારણે પ્રભાવિત થયા છે, તેમને હવે સરળતાથી લોન (Credit) મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ચેલ્મર્સે ભારપૂર્વક કહ્યું કે, જો દરેક નાગરિક અને ઉદ્યોગ પોતાનું યોગદાન આપશે, તો જ આપણે આ મુશ્કેલ સમયમાંથી બહાર નીકળી શકીશું.
વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો
મધ્ય પૂર્વના આ સંઘર્ષમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે અને હવે તે પ્રાદેશિક યુદ્ધમાં ફેરવાઈ રહ્યું છે. જો આ જંગ વધુ લાંબો ચાલશે તો વૈશ્વિક અર્થતંત્ર ફરી એકવાર મંદીમાં ધકેલાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ઓસ્ટ્રેલિયા જેવા દેશો, જે આયાત અને નિકાસ પર નિર્ભર છે, તેમના માટે આ પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. પીએમ અલ્બેનીઝનું આજનું સંબોધન દેશને એકજૂથ કરવા અને આવનારા આર્થિક સંકટ સામે લડવા માટેનો રોડમેપ તૈયાર કરશે.

