ઓરેકલના એક ઈમેલે મચાવી તબાહી, હજુ એક ઝટકો બાકી
દુનિયાભરની ટેક કંપનીઓમાં ચાલી રહેલો છટણીનો દોર અટવાનું નામ નથી લઈ રહ્યો. હવે અમેરિકાની દિગ્ગજ ટેક કંપની ઓરેકલ કોર્પોરેશન (Oracle Corporation) માંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહેવાલો મુજબ, કંપનીએ ભારતમાં તેના કર્મચારીઓ પર મોટી ગાજ પાડી છે અને લગભગ 12,000 લોકોને નોકરીમાંથી છૂટા કરી દીધા છે. આટલું જ નહીં, કર્મચારીઓમાં એવી દહેશત છે કે આગામી એક મહિનામાં છટણીનો બીજો રાઉન્ડ પણ આવી શકે છે.
ગ્લોબલ રિસ્ટ્રક્ચરિંગનો ભોગ બન્યું ભારત
ઓરેકલે આ પગલું તેના વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ઓપરેશનલ ફેરફારોના ભાગરૂપે લીધું છે. મળતી માહિતી મુજબ, કંપનીએ દુનિયાભરમાંથી આશરે 30,000 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી છે, જેમાંથી મોટો હિસ્સો ભારતીય કર્મચારીઓનો છે.
ભારતમાં ઓરેકલનું કુલ વર્કફોર્સ લગભગ 30,000 કર્મચારીઓનું હતું, જેમાંથી 12,000 એટલે કે લગભગ 40% કર્મચારીઓને અત્યાર સુધીમાં અસર થઈ છે. હ્યુમન રિસોર્સ (HR) વિભાગના એક સૂત્રએ જણાવ્યું કે, “કંપની ઓપરેશન્સને સુવ્યવસ્થિત (Streamline) કરવા માટે આ મોટા ફેરફારો કરી રહી છે અને ટૂંક સમયમાં વધુ કર્મચારીઓને પિંક સ્લિપ મળી શકે છે.” જોકે, આ બાબતે કંપનીએ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
કર્મચારીઓને મોકલાયો ઈમેલ: “તમારો રોલ હવે જરૂરી નથી”
કંપનીએ અસરગ્રસ્ત કર્મચારીઓને મોકલેલા આંતરિક ઈમેલમાં છટણી પાછળનું કારણ ‘સંગઠનાત્મક પુનર્ગઠન’ (Organizational Restructuring) ગણાવ્યું છે. ઈમેલમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે કંપની તેની કાર્યપદ્ધતિમાં ફેરફાર કરી રહી છે અને તેના પરિણામે “દુર્ભાગ્યવશ, તમે અત્યારે જે હોદ્દા પર છો તેની હવે કંપનીને જરૂર નથી (Role Redundant).” રાતોરાત મળેલો આવો ઈમેલ ઘણા પરિવારો માટે આર્થિક સંકટ લઈને આવ્યો છે, ખાસ કરીને એવા સમયે જ્યારે આઈટી માર્કેટમાં નવી નોકરીઓ મેળવવી પડકારજનક બની રહી છે.
સેવરન્સ પેકેજ: શું મળશે કર્મચારીઓને?
ઓરેકલે છૂટા કરાયેલા કર્મચારીઓ માટે વળતર પેકેજ (Severance Package) ની જાહેરાત કરી છે, જેમાં નીચે મુજબની જોગવાઈઓ છે:
-
સેવાકાળ મુજબ પગાર: દરેક પૂર્ણ કરેલા વર્ષ માટે 15 દિવસનો પગાર.
-
નોટિસ પિરિયડ: એક મહિનાના નોટિસ પિરિયડ જેટલો પગાર.
-
ટોપ-અપ: કંપની તરફથી વધારાના બે મહિનાનો પગાર ‘ટોપ-અપ’ તરીકે આપવામાં આવશે.
-
અન્ય લાભો: નિયમો મુજબ રજાઓનું રોકડમાં રૂપાંતર (Leave Encashment) અને ગ્રેચ્યુઈટી.
શરત: આ તમામ લાભો ફક્ત એવા કર્મચારીઓને જ મળશે જેઓ સ્વેચ્છાએ અને સૌહાર્દપૂર્ણ રીતે રાજીનામું આપશે.

વર્ક કલ્ચર સામે સવાલો
આ છટણી વચ્ચે ઓરેકલના એક પૂર્વ કર્મચારી મેરુગુ શ્રીધરે કંપનીના વર્ક કલ્ચર પર ગંભીર આક્ષેપો કર્યા છે. શ્રીધરના જણાવ્યા મુજબ, તેમને સપ્ટેમ્બર મહિનામાં જ છૂટા કરી દેવામાં આવ્યા હતા કારણ કે તેમણે ભારતીય યુનિટમાં 16 કલાકની શિફ્ટ સામે વિરોધ નોંધાવ્યો હતો. આ બાબત દર્શાવે છે કે આઈટી સેક્ટરમાં કામનું ભારણ અને કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય વચ્ચે કેટલું મોટું અંતર સર્જાઈ રહ્યું છે.
શું આઈટી સેક્ટરમાં મંદીના એંધાણ છે?
ઓરેકલ જેવી મોટી કંપની દ્વારા આટલી મોટી સંખ્યામાં કરવામાં આવેલી છટણી આખા આઈટી ઉદ્યોગ માટે ચિંતાનો વિષય છે. નિષ્ણાતોનું માનવું છે કે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ના વધતા પ્રભાવ અને વૈશ્વિક આર્થિક અસ્થિરતાને કારણે કંપનીઓ હવે ખર્ચ ઘટાડવા માટે માનવબળમાં કાપ મૂકી રહી છે.
