બાબર આઝમને ટીમની બહાર રાખવા પાછળનું અસલી કારણ આવ્યું સામે: પસંદગીકાર આકિબ જાવેદનો ચોંકાવનારો ખુલાસો
પાકિસ્તાની ક્રિકેટમાં છેલ્લા કેટલાક સમયથી બાબર આઝમને વનડે (ODI) ટીમમાંથી બહાર રાખવાને લઈને ભારે ચર્ચાઓ ચાલી રહી હતી. હવે આ મામલે પાકિસ્તાનના પસંદગીકાર આકિબ જાવેદે એક નવો વળાંક આપતા ખુલાસો કર્યો છે કે બાબર આઝમને પડતો મૂકવામાં આવ્યો નથી, પરંતુ તે ઈજાગ્રસ્ત છે. આકિબ જાવેદના જણાવ્યા અનુસાર, બાબરને ટી20 વર્લ્ડ કપ 2026 દરમિયાન ઈજા થઈ હતી, જેના કારણે તે બાંગ્લાદેશ સામેની શ્રેણી રમી રહ્યો નથી.
કોચ અને ફિઝિયો સામે તપાસના આદેશ, મેનેજમેન્ટ પર ઉઠ્યા સવાલો
શનિવારે પત્રકારો સાથે વાત કરતા આકિબ જાવેદે ટીમ મેનેજમેન્ટ, ખાસ કરીને મુખ્ય કોચ માઈક હેસન અને ફિઝિયો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે ટુર્નામેન્ટ દરમિયાન આ ખેલાડીઓની ઈજાનું ધ્યાન કેમ રાખવામાં આવ્યું નહીં? આકિબના મતે, બાબર આઝમ અને ફખર ઝમાન બંને વર્લ્ડ કપ દરમિયાન અનફિટ હતા, પરંતુ પસંદગીકારોને તેની જાણકારી વર્લ્ડ કપ પૂરો થયા પછી જ મળી.
જાવેદે કહ્યું, “બાબર આઝમ ઘરેલું ટી20 ટુર્નામેન્ટમાં રમવા માંગતો હતો, પરંતુ ઈજાએ તેને રોકી દીધો છે. અમે PCB ને આ મામલે તપાસ કરવાની વિનંતી કરી છે. એવું કેવી રીતે બની શકે કે વર્લ્ડ કપ પૂરો થયા પછી જ ખેલાડીઓની ઈજા વિશે ખબર પડે? શું ટીમ મેનેજમેન્ટ તેમની સ્વાસ્થ્ય સમસ્યાઓ પ્રત્યે બેદરકાર હતું?”
વર્લ્ડ કપના નિરાશાજનક પ્રદર્શન પર આકિબનો બચાવ
ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનના નબળા પ્રદર્શન અને સુપર-8માંથી બહાર થઈ જવાના મુદ્દે આકિબ જાવેદે પરિસ્થિતિને એટલી ગંભીર ગણાવી નથી. તેમણે દલીલ કરી હતી કે પાકિસ્તાને તાજેતરમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી અને ઓસ્ટ્રેલિયામાં 27 વર્ષ પછી વનડે શ્રેણી જીતીને ઈતિહાસ રચ્યો હતો.
ભારત સામેની 61 રનની હાર વિશે તેમણે કહ્યું કે, “ભારત સામે પાકિસ્તાનનો રેકોર્ડ હંમેશા નબળો રહ્યો છે (8-0). ભૂતકાળમાં પણ ઘણા મહાન કેપ્ટનો ભારતને હરાવવામાં નિષ્ફળ રહ્યા છે, તેથી તેને બહુ મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી. અમે માત્ર એક જ મેચ હાર્યા હતા અને નેટ રન રેટના કારણે બહાર ફેંકાયા હતા. આનાથી આપણું ક્રિકેટ બરબાદ થઈ ગયું છે તેમ માનવું ખોટું છે.”
યુવા ખેલાડીઓને તક કે સિનિયરને આરામ?
જ્યારે બાબરને વનડે ટીમમાં સામેલ ન કરવામાં આવ્યો ત્યારે ભારે હોબાળો મચ્યો હતો. જોકે, કેપ્ટન શાહીન શાહ આફ્રિદી અને કોચ માઈક હેસને અગાઉ સ્પષ્ટતા કરી હતી કે બાબરને ‘ડ્રોપ’ કરવામાં આવ્યો નથી, પરંતુ તેને આરામ આપવામાં આવ્યો છે. મેનેજમેન્ટ બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં યુવા ખેલાડીઓને અજમાવવા માંગતું હતું. હવે આકિબ જાવેદના ‘ઈજા’ના ખુલાસાએ આ મામલે નવો જ વળાંક લાવી દીધો છે.

