લિટન દાસનો સલમાન આગાને જડબાતોડ જવાબ; રન-આઉટ વિવાદ પર કહ્યું- ‘આ કોઈ ચેરિટી લીગ નથી’
ક્રિકેટના મેદાનમાં ‘સ્પોર્ટ્સમેનશિપ’ અથવા ‘ખેલ ભાવના’ (Spirit of Cricket) ને લઈને વર્ષો જૂની ચર્ચા ફરી એકવાર સપાટી પર આવી છે. ઢાકામાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી બીજી વનડે મેચમાં પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાના વિવાદિત રન-આઉટને કારણે બંને ટીમો આમને-સામને આવી ગઈ છે. જોકે, બાંગ્લાદેશના અનુભવી ખેલાડી લિટન દાસે આ મામલે સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને આયનો બતાવ્યો છે.
“નિયમ મુજબ આઉટ એટલે આઉટ”: લિટન દાસ
આ વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપતા લિટન દાસે ટીકાકારો અને પાકિસ્તાની ખેમાને જડબાતોડ જવાબ આપ્યો છે. ‘ડેલી સ્ટાર બાંગ્લાદેશ’ સાથેની વાતચીતમાં લિટને કહ્યું હતું કે, “સૌથી પહેલી વાત તો એ છે કે અહીં કોઈ ‘ચેરિટી લીગ’ રમવા આવ્યું નથી; આ એક આંતરરાષ્ટ્રીય મેચ છે. જ્યારે કોઈ ખેલાડી નિયમોના દાયરામાં આઉટ થાય છે, ત્યારે તેમાં સ્પોર્ટ્સમેનશિપ સાથે કોઈ સમજૂતી કરવામાં આવી હોય તેવું મને લાગતું નથી.”
તેણે વધુમાં ઉમેર્યું કે, દરેક વ્યક્તિને પોતાનો અંગત અભિપ્રાય રાખવાનો અધિકાર છે, પરંતુ એક પ્રોફેશનલ ખેલાડી તરીકે અમારું માનવું છે કે જો કોઈ આઉટ છે, તો તે આઉટ જ ગણાય.
શું હતી સમગ્ર ઘટના?
આ વિવાદ ત્યારે સર્જાયો જ્યારે સલમાન અલી આગા 64 રન પર બેટિંગ કરી રહ્યો હતો. મહેદી હસન મિરાજના બોલ પર એક શૉટ રમ્યા બાદ આગા પોતાની ક્રીઝની બહાર હતો. બોલ મિરાજની પાસે જ હતો, પરંતુ આગા ક્રીઝમાં પાછા ફરવાને બદલે બોલને ઉપાડીને મિરાજ તરફ ફેંકવાનો પ્રયત્ન કરવા લાગ્યો.
બાંગ્લાદેશી ખેલાડીઓએ જોયું કે આગા ક્રીઝની બહાર છે અને તેણે ‘ઓબ્સ્ટ્રક્શન ઓફ ધ ફિલ્ડ’ (ફિલ્ડિંગમાં અવરોધ) જેવી સ્થિતિ ઊભી કરી છે. મિરાજે તક ઝડપીને આગાને રન-આઉટ કર્યો હતો. આ ઘટનામાં પાકિસ્તાની કેપ્ટનની એકાગ્રતાનો અભાવ સ્પષ્ટ દેખાતો હતો, જે તેને ભારે પડ્યો.
મેદાન પર જોવા મળ્યો સલમાન આગાનો ગુસ્સો
રન-આઉટ જાહેર થયા બાદ સલમાન આગા ભારે ગુસ્સામાં જોવા મળ્યો હતો. તેણે મેદાન પર જ અમ્પાયર અને બાંગ્લાદેશી કેપ્ટન સાથે તીખી દલીલો કરી હતી. પેવેલિયન પરત ફરતી વખતે તેની નિરાશા એટલી હદ સુધી હતી કે તેણે પોતાનું ક્રિકેટ કીટ અને સામાન જમીન પર પટકી દીધો હતો. પાકિસ્તાની પક્ષનું માનવું હતું કે બાંગ્લાદેશે ખેલદિલી બતાવીને અપીલ પાછી ખેંચી લેવી જોઈતી હતી, જ્યારે બાંગ્લાદેશી ખેલાડીઓ પોતાની જગ્યાએ મક્કમ હતા.

