ભરૂચનાં કુકરવાડા નજીક ગત રાત્રે ફાર્મ હાઉસમાં નામચીન બુટલેગરનાં પુત્રની યોજાયેલી બર્થડે પાર્ટીમાં મહેફિલ જામી હતી. જેની વિગતો પોલીસને મળતાં જિલ્લા પોલીસનાં વિવિધ વિભાગોની ટીમોએ સ્થળ ઉપર જઈ દરોડો પાડ્યો હતો. મહેફિલમાં પોલીસની હાજરી જોઈ ત્યાં ઉપસ્થિત સૌના હોંશ કોશ ઉડી ગયા હતા. આ મહેફિલમાં પોલીસે કુલ 45 લોકોની ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી વાહનો સહિત કુલ રૂપિયા 11,26, 400નો મુદ્દામાલ કબજે કરી તમામની અટકાયત કરી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ તાલુકા યુવા ભાજપના મંત્રી જયદેવ પટેલ પણ દારૂની પાર્ટીમાં ઝડપાઈ જવા પામ્યો હતો. નીચે જે યાદી આપી છે તેમા 21 નંબરનું નામ જયદેવ પટેલનું છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભરૂચનાં કુકરવાડા ગામના રહિશ ઉમેશ ભગુભાઈ પટેલનાં ફાર્મ હાઉસમાં ભરૂચનાં કુખ્યાત બુટલેગર નિલેશ વિનોદ મિસ્ત્રીનાં દિકરા દીપની ગત રાત્રે બર્થ – ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડાએ તમામ વિભાગનાં પોલીસ અધિકારીઓને આગામી 31 ડિસેમ્બરને લઈને તમામ પ્રકારની પાર્ટીઓ ઉપર વોચ રાખવાની સૂચનાને લઈને આ બર્થ-ડે પાર્ટીમાં રેડ કરી હતી. જ્યાં પાર્ટીમાં દારૂની મહેફિલનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.
બર્થડે પાર્ટીમાં મહેફિલ ભરપુર જામી હતી ને અચાનક જ પોલીસની પાર્ટીમાં એન્ટ્રી થતાં સૌ ચોંકી ઉઠ્યા હતા. આ પાર્ટીમાંથી પોલીસે 45 શખ્સો, દારૂ- બિયરનો જથ્થો, 29 મોબાઈલ, 18 વાહનો મળી કુલ રૂપિયા 11,26,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ વિરૂધ્ધ ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.