પાકના પોષણક્ષમ ભાવ અને મગફળી કેન્દ્રની માંગ સાથે ભરૂચના લીંક રોડ પર દેખાવો કરી રહેલા ખેડુતોને રસ્તા પરથી દુર કરવા માટે પોલીસે દંડાવાળી કરી હતી. જેમાં બે ખેડુતને નાની મોટી ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આજે બપોરે ભરૂચના લીંક રોડ પર ખેડુતો પોષણક્ષમ ભાવ અને ભરૂચમાં મગફળીનું કેન્દ્ર આપવા માટે સરકાર વિરુદ્વ દેખાવો કર્યા હતા. “ભીખ નથી માંગતા, અમે અમારો હક માંગીએ છીએ”ના સૂત્રો પોકારવામાં આવ્યા હતા. ખેડુતો દ્વારા ચક્કાજામ કરવામાં આવતા પોલીસે ખેડુતોને રસ્તા પરથી દુર કરવાના પ્રયાસ કર્યા હતા. ખેડુતો દ્વારા રસ્તા પર ટ્રેક્ટર ઉભા કરીને રસ્તો રોકી દેવામાં આવ્યો હતો. જેના કારણે રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.
પોલીસના પ્રયાસો છતાં ખેડુતોએ રસ્તા પરથી હટવાનો ઈન્કાર કરતા મોટી સંખ્યામાં આવેલા ખેડુતો અને પોલીસ વચ્ચે સીધું ઘર્ષણ થયું હતું. ચક્કાજામ કરી રહેલા ખેડુતો પર પોલીસે લાઠીઓ વરસાવી હતી જેમાં બે ખેડુતને ઈજા પહોંચી હતી.