ખેડૂત તખતસિંહ ગોહિલે રીંગણના આધુનિક વાવેતરથી એક વીઘામાં મેળવ્યું 80 હજારનું ઉત્પાદન
ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં હવે ખેડૂતો પરંપરાગત કપાસ અને મગફળી જેવા પાકોથી દૂર થઈને શાકભાજી અને બાગાયતી ખેતી તરફ આગળ વધી રહ્યા છે. ટૂંકા સમયમાં તૈયારી પામતા અને ઓછી માવજત માંગતા શાકભાજી પાકો ખેડૂતો માટે લાભકારી સાબિત થઈ રહ્યા છે. રીંગણ, ટામેટા, કારેલા, કાકડી જેવા પાકોમાં ઉત્પાદન મળતા ઘણા ખેડૂતોને લાખોની આવક મળી રહી છે.
જુનાપાદરના તખતસિંહનો રીંગણનો પાક પહોંચ્યો સુરત સુધી
જેસરના જુનાપાદર ગામના ખેડૂત ગોહિલ તખતસિંહ છેલ્લા કેટલાક સમયથી બાગાયતી પાકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. પરંપરાગત પાકોમાં નફો ન મળતા તેમણે સાત વીઘામાં રીંગણનું વાવેતર શરૂ કર્યું. હાલ ઉત્પાદન સારૂ મળતા એક કિલો રીંગણનો ભાવ બજારમાં 120 રૂપિયા સુધી પહોંચી રહ્યો છે. તેઓ પોતાનું ઉત્પાદન સુરત અને મહુવા જેવા શહેરોમાં પણ વેચાણ કરે છે.
બેડ તૈયાર કરવાથી લઈને ટપક સિસ્ટમ સુધીની સંપૂર્ણ પ્રક્રિયા
તખતસિંહ ગોહિલ જણાવે છે કે રીંગણનું વાવેતર શરૂ કરવા જમીનને સારી રીતે ખેડીને દેશી ખાતર ઉમેરવામાં આવે છે. ત્યારબાદ બેડ તૈયાર કરાઈને તેમાં ટપક પદ્ધતિની નળી અને મલ્ચિંગ કરવામાં આવે છે. દર વર્ષે ચોથા કે પાંચમા મહિને વાવેતર શરૂ થાય છે. આ પદ્ધતિઓના ઉપયોગથી જમીનમાં ભેજ વધુ સમય ટકી રહે છે અને છોડને જરૂરી પોષણ સરળતાથી મળે છે.
એક વીઘામાં 80 હજારનું વેચાણ, અન્ય પાક કરતા વધુ નફો
આ વર્ષે રીંગણને મળેલા સારા ભાવના કારણે તખતસિંહને એક વીઘામાંથી લગભગ 80 હજાર રૂપિયાનું ઉત્પાદન મળ્યું છે. અન્ય પરંપરાગત પાકોની સરખામણીએ રીંગણનો પાક વધુ નફો આપતો સાબિત થયો છે. ખેડૂતોમાં શાકભાજી પાકો પ્રત્યેનો રસ વધી રહ્યો છે અને ટપક સિસ્ટમ જેવી આધુનિક પદ્ધતિઓ તેમની આવકમાં વધારો કરી રહી છે.

