બિહારમાં નીતીશ યુગનો અંત? નીતીશ કુમાર જશે દિલ્હી, ભાજપે નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કર્યાની ચર્ચાઓ
બિહારમાં સત્તા પરિવર્તનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. નીતીશ કુમાર રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા બાદ હવે દિલ્હી રવાના થઈ રહ્યા છે. રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા બાદ તેઓ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહારમાં આગામી 15 એપ્રિલ સુધીમાં નવી સરકારની રચના થઈ શકે છે.
સમ્રાટ ચૌધરી બની શકે છે બિહારના નવા મુખ્યમંત્રી
નીતીશ કુમાર જ્યારે દિલ્હી જઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ ભાજપે બિહારના આગામી મુખ્યમંત્રીનું નામ પણ ફાઈનલ કરી લીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બિહાર ભાજપના દિગ્ગજ નેતા સમ્રાટ ચૌધરીના નામ પર મહોર લાગી શકે છે. જોકે, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં તેમના નામની પ્રબળ ચર્ચા છે.
રાજ્યસભામાં શપથ વિધિ અને ‘ખરમાસ’નું નડતર
જનતા દળ (યુનાઈટેડ) ના રાજ્યસભા સાંસદ સંજય કુમાર ઝાએ આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, નીતીશ કુમાર આજે દિલ્હી પહોંચી રહ્યા છે. આવતીકાલે બપોરે 12:15 વાગ્યે સંસદ ભવનમાં રાજ્યસભાના અધ્યક્ષ તેમને શપથ લેવડાવશે.
રાજકીય ફેરબદલ અંગે તેમણે ઉમેર્યું કે, હાલમાં ‘ખરમાસ’ ચાલી રહ્યો છે જે 13 એપ્રિલ સુધી રહેશે. હિન્દુ માન્યતા મુજબ ખરમાસમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી, તેથી 13 તારીખ પછી એટલે કે 14 એપ્રિલથી બિહારમાં નવી સરકારની રચના અને અન્ય પ્રક્રિયાઓ વેગ પકડશે.
બિહારના રાજકારણમાં મોટો વળાંક
નીતીશ કુમારના દિલ્હી જવાના નિર્ણયથી બિહારના રાજકારણમાં એક મોટા યુગનો અંત આવશે અને ભાજપ હવે રાજ્યમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સમ્રાટ ચૌધરી જે અત્યારે નાયબ મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે, જો તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવે તો બિહાર ભાજપ માટે આ એક ઐતિહાસિક ક્ષણ હશે.

