Budget 2027માં ટેક્સનો બોજ ઘટશે? LTCGથી લઈને 8મા પગાર પંચ સુધી આ મુદ્દાઓ પર મંથન
દેશના આગામી સામાન્ય બજેટ એટલે કે બજેટ ૨૦૨૭-૨૮ ની તૈયારીઓ હવે પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે અને આ વખતે બજેટનું સ્વરૂપ કંઈક અદભુત અને અલગ જ જોવા મળવાનું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારથી આગામી બજેટ માટે પૂર્વ-બજેટ બેઠકોનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દર વર્ષે બજેટ રજૂ કરતા પહેલા સરકાર દેશના દિગ્ગજ અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગપતિઓ અને નિષ્ણાતોની સલાહ લેતી હોય છે, પરંતુ આ વખતે મોદી સરકારે એક મોટું અને દીર્ઘદ્રષ્ટિવાળું પગલું ભરીને દેશના યુવાનો એટલે કે ‘Gen Z’ (જનરેશન ઝેડ) ના પ્રતિનિધિઓને પણ આ મહત્વની ચર્ચામાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.

આગામી બજેટમાં દેશના યુવાનોની સક્રિય ભાગીદારી રહે તે હેતુસર ખાસ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં યુવા પ્રતિનિધિઓ સીધા જ દેશના મોટા અધિકારીઓ અને આર્થિક વિશેષજ્ઞો સાથે બેસીને બજેટ અંગે પોતાના વિચારો, અપેક્ષાઓ અને સૂચનો રજૂ કરી શકશે. સોમવારે આ બેઠકોની શ્રૃખલાનો આરંભ થયો, જેમાં દેશના ટોચના અર્થશાસ્ત્રીઓએ ભાગ લઈને અર્થવ્યવસ્થાની વર્તમાન સ્થિતિ અને ભાવિ દિશા પર ગહન મંથન કર્યું હતું.
સરકારી દેવું ઘટાડવું એ જ સૌથી મોટો પડકાર: અર્થશાસ્ત્રીઓની સલાહ
સોમવારે યોજાયેલી પ્રથમ બેઠકમાં ચર્ચાનું કેન્દ્રબિંદુ ‘સરકારી દેવાં અને રાજકોષીય ખાધ’ રહ્યું હતું. નિષ્ણાતોએ સરકારને સ્પષ્ટ અને કડક સલાહ આપી છે કે ભલે આવનારા સમયમાં સરકારના વિકાસલક્ષી ખર્ચાઓ વધવાના હોય, પરંતુ દેશનું જાહેર દેવું (Government Debt) ઘટાડવાના પોતાના લક્ષ્ય અને રસ્તેથી સરકારે જરાય પાછળ હટવું જોઈએ નહીં. બેઠકમાં હાજરી આપનાર એક અગ્રણી નિષ્ણાતે નામ ન છાપવાની શરતે જણાવ્યું હતું કે આખી વાતચીત આ વાત પર કેન્દ્રિત હતી કે સરકાર પોતાના નાણાકીય ખાધને કેવી રીતે કાબૂમાં રાખશે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે સરકાર પાસે છૂટથી નાણાં ખર્ચવાની મર્યાદિત તકો છે, તેથી દેવું ઘટાડવાની પૂર્વ-નક્કી કરેલી યોજના પર અડગ રહેવું એ જ દેશના હિતમાં છે.
સરકારે અગાઉ વર્ષ ૨૦૩૦-૩૧ સુધીમાં દેશના કુલ દેવાને જીડીપી (GDP) ના ૫૦ ટકા (જેમાં એક ટકા વધુ કે ઓછો ફેરફાર થઈ શકે છે) ના સ્તર પર લાવવાનું મહત્વનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે, જેને વળગી રહેવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
શેરબજારના રોકાણકારોને મળી શકે છે મોટી રાહત: LTCG ટેક્સ ઘટાડવાની ચર્ચા
આજના સમયમાં દેશના લાખો યુવાનો અને સામાન્ય નાગરિકો પોતાની બચતમાંથી મોટા પ્રમાણમાં શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છે. સોમવારની બેઠકમાં શેરબજારના રોકાણકારો સાથે જોડાયેલો એક અત્યંત મહત્વનો મુદ્દો ઉછળ્યો હતો. બેઠકમાં સામેલ અન્ય એક સભ્યના જણાવ્યા અનુસાર, શેરબજારમાંથી થતી મૂડીગત કમાણી પર લાગતા એલટીસીજી (LTCG – લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ) ટેક્સના દરોને ઘટાડવા અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી છે.
વર્તમાન નિયમો અનુસાર, જો કોઈ રોકાણકાર શેર ખરીદીને એક વર્ષ કરતાં વધુ સમય પછી વેચે અને નફો કમાય, તો તેણે ૧૨.૫ ટકાના દરે LTCG ટેક્સ ચૂકવવો પડે છે. જ્યારે એક વર્ષની અંદર શેર વેચીને ટૂંકા ગાળાનો નફો (STCG) મેળવવામાં આવે તો ૨૦ ટકા ટેક્સ લાગે છે. આ ઉપરાંત, શેરની લેવડદેવડ પર એસટીટી (STT) ટેક્સ અને કંપનીઓ દ્વારા અપાતા ડિવિડન્ડ પર પણ ટેક્સ કપાય છે. જો સરકાર આગામી બજેટમાં LTCG ટેક્સમાં રાહત આપે કે તેને ઘટાડે, તો તે શેરબજારમાં રોકાણ કરતા મધ્યમ વર્ગ અને યુવા રોકાણકારો માટે ખૂબ મોટી રાહત સાબિત થશે.

આઠમા પગાર પંચનો બોજ અને કાચા તેલના ભાવની અસ્થિરતા
સરકાર સામે આગામી બજેટમાં ખર્ચની દ્રષ્ટિએ કેટલાક મોટા પડકારો પણ મોઢા3 ફાડીને ઉભા છે. આગામી સમયમાં સરકારને આઠમા પગાર પંચ (8th Pay Commission) ની ભલામણોનો અમલ કરવાનો છે, જેના કારણે સરકારી તિજોરી પર પગાર અને પેન્શનનો મોટો આર્થિક બોજ વધવાની પૂરી સંભાવના છે. આ ઉપરાંત, પશ્ચિમ એશિયા (Middle East) માં ચાલી રહેલા ભૌગોલિક તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (Crude Oil) ના ભાવ ભડકે બળવાના જોખમ પર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જોકે, અર્થશાસ્ત્રીઓએ સરકારને આશ્વાસન આપતા કહ્યું છે કે ક્રૂડ ઓઈલના ભાવમાં થતી આ અસ્થિરતાને એક અસ્થાયી (Temporary) સમસ્યા માનીને જ નીતિઓ ઘડવી જોઈએ.
૧૬ થી ૨૬ નવેમ્બર સુધી ચાલશે બેઠકોનો દોર: ખેડૂતોથી લઈને MSME સુધીના પ્રતિનિધિઓ લેશે ભાગ
સોમવારની આ મહત્વપૂર્ણ બેઠકમાં આર્થિક બાબતોના વિભાગના સચિવ અનુરાધા ઠાકુર, મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરન તેમજ વિભાગના અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે એએનઝેડ રિસર્ચના સિનિયર ઇકોનોમિસ્ટ ધીરજ નિમ, અશોકા યુનિવર્સિટીના પ્રોફેસર પ્રાચી મિશ્રા, ક્રિસિલના પ્રિન્સિપલ ઇકોનોમિસ્ટ દીપ્તિ દેશપાંડે અને સેબી (SEBI) ના પૂર્વ પૂર્ણકાલિક સભ્ય અનંત નારાયણે પણ પોતાના કિંમતી વિચારો રજૂ કર્યા હતા. સોમવારે જ ખેતી અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રતિનિધિઓ સાથે પણ એક અલગ બેઠક યોજવામાં આવી હતી.
બજેટ પૂર્વે પરામર્શની આ વ્યાપક પ્રક્રિયા ૧૬ નવેમ્બરથી શરૂ થઈને ૨૬ નવેમ્બર, ૨૦૨૬ સુધી ચાલવાની છે. આગામી દિવસોમાં સરકાર દ્વારા બેંકિંગ, વીમા ક્ષેત્ર, શેરબજાર, મેન્યુફેક્ચરિંગ અને નાણાકીય બજારના દિગ્ગજો સાથે અલગ-અલગ જૂથોમાં બેઠકો યોજાશે. આ વિશેષ અભિયાન અંતર્ગત દેશના યુવા ઉદ્યોગસાહસિકો (Startups), શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉર્જા ક્ષેત્ર તેમજ નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ના પ્રતિનિધિઓને પણ દિલ્હી બોલાવવામાં આવ્યા છે જેથી દરેક વર્ગના અવાજને બજેટમાં યોગ્ય સ્થાન આપી શકાય.
