પુરુષોમાં બ્રેસ્ટ કેન્સર: એક અજાણ્યો ખતરો, જેના પ્રત્યે જાગૃતિ અત્યંત જરૂરી
જ્યારે પણ “બ્રેસ્ટ કેન્સર” શબ્દ સાંભળવામાં આવે છે, ત્યારે સામાન્ય રીતે લોકો તેને માત્ર મહિલાઓ સાથે જોડાયેલી બીમારી માને છે. પરંતુ આરોગ્ય નિષ્ણાતો અને તાજેતરના સંશોધનો મુજબ, પુરુષોને પણ બ્રેસ્ટ કેન્સરનું જોખમ હોય છે. દુર્ભાગ્યની વાત એ છે કે માહિતીના અભાવે પુરુષો આ રોગના લક્ષણોને નજરઅંદાજ કરે છે, જે ભવિષ્યમાં જીવલેણ સાબિત થઈ શકે છે.
ભારતમાં શું છે સ્થિતિ?
ભારતના અગ્રણી કેન્સર રિસર્ચ સેન્ટરના આંકડા મુજબ, દેશમાં નોંધાતા સ્તન કેન્સરના કુલ કેસોમાં પુરુષોનો હિસ્સો લગભગ 1.03% જેટલો છે. ચોંકાવનારી બાબત એ છે કે પશ્ચિમી દેશોની સરખામણીમાં ભારતીય પુરુષોમાં આ બીમારી એક દાયકા વહેલી, એટલે કે સરેરાશ 60 વર્ષની ઉંમરે જોવા મળી રહી છે. જાગૃતિના અભાવે મોટાભાગના ભારતીય પુરુષો જ્યારે કેન્સર બીજા કે ત્રીજા સ્ટેજ પર પહોંચી જાય ત્યારે ડૉક્ટર પાસે જાય છે, જેનાથી તેની સારવાર વધુ જટિલ બની જાય છે.
લક્ષણો: જેને ઓળખવા ખૂબ જ જરૂરી છે
નિષ્ણાતોના મતે પુરુષોમાં બ્રેસ્ટ કેન્સરના લક્ષણો પણ મહિલાઓ જેવા જ હોય છે. જો નીચે મુજબના ફેરફારો જણાય તો સાવધાન થઈ જવું જોઈએ:
- નિપ્પલની નીચે અથવા છાતીના ભાગમાં સખત અને દર્દ વગરની ગાંઠ અનુભવાવી.
- નિપ્પલમાંથી લોહી અથવા કોઈ પારદર્શક પ્રવાહી નીકળવું.
- નિપ્પલનું અંદરની તરફ વળી જવું કે તેની બનાવટમાં ફેરફાર થવો.
- છાતીની ત્વચા પર લાલાશ આવવી અથવા ખાડા પડવા. ડૉક્ટરો જણાવે છે કે પુરુષોમાં સ્નાયુઓની ઉપર ચરબીનું પ્રમાણ ઓછું હોવાથી ગાંઠ જલ્દી પકડાઈ શકે છે, પરંતુ તેના કારણે જ કેન્સર સ્નાયુઓ સુધી ઝડપથી ફેલાઈ જવાની શક્યતા પણ રહેલી છે.
મુખ્ય કારણો અને જોખમી પરિબળો
કેન્સર નિષ્ણાતોના મતે પુરુષોમાં બ્રેસ્ટ કેન્સર પાછળ અનેક જૈવિક અને આનુવંશિક કારણો હોઈ શકે છે:
- આનુવંશિકતા (Genetics): જો પરિવારમાં બ્રેસ્ટ કે ઓવેરિયન કેન્સરનો ઈતિહાસ હોય અથવા BRCA1 અને BRCA2 જનીનોમાં ફેરફાર હોય, તો જોખમ વધી જાય છે.
- હોર્મોનલ અસંતુલન: શરીરમાં એસ્ટ્રોજન (મહિલા હોર્મોન)નું સ્તર વધવું અને ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઘટવું આ રોગનું મુખ્ય કારણ બની શકે છે.
- જીવનશૈલી અને અન્ય બીમારી: લિવરની ગંભીર બીમારી (સિરૉસિસ), મેદસ્વીતા અને દારૂનું વધુ પડતું સેવન હોર્મોનલ અસંતુલન પેદા કરે છે.
- રેડિયેશન: જો ભૂતકાળમાં છાતીના ભાગે કોઈ રેડિયેશન થેરાપી લીધેલી હોય, તો ભવિષ્યમાં કેન્સર થવાની સંભાવના રહે છે.
સારવાર અને બચાવનો માર્ગ
જો શરૂઆતના તબક્કે આ બીમારી પકડાઈ જાય, તો તે સંપૂર્ણપણે મટી શકે છે. નિદાન માટે મેમોગ્રામ, અલ્ટ્રાસાઉન્ડ અને બાયોપ્સી જેવી પદ્ધતિઓ વપરાય છે. સારવારમાં સર્જરી, કીમોથેરાપી અને હોર્મોન થેરાપીનો સમાવેશ થાય છે. નિષ્ણાતો સલાહ આપે છે કે છાતીમાં કોઈપણ અસામાન્ય ફેરફારને ‘ગાયનેકોમાસ્ટિયા’ (સામાન્ય સોજો) સમજીને અવગણવાને બદલે તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. સાવચેતી અને સમયસર તપાસ જ આ ખામોશ ખતરાથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે.

