કેનેડાની ભારતને લઈને નવી ટ્રાવેલ એડવાઈઝરી: મણિપુર જનારા પ્રવાસીઓ માટે લેવલ-3નું એલર્ટ જારી
ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં લાંબા સમયથી ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. જસ્ટિન ટ્રુડોના શાસનકાળ દરમિયાન બંને દેશો વચ્ચે જે તણાવ પેદા થયો હતો, તેને સુધારવા માટે વર્તમાન વડાપ્રધાન માર્ક કાર્ની પ્રયાસો તો કરી રહ્યા છે, પરંતુ તાજેતરની ટ્રાવેલ એડવાઈઝરીએ ફરી એકવાર વિવાદ છેડ્યો છે. કેનેડા સરકારે તેના નાગરિકોને ભારતના ‘મણિ’ સમાન ગણાતા મણિપુર રાજ્યની બિનજરૂરી મુસાફરી ટાળવા માટે લેવલ-3ની ચેતવણી આપી છે.
મણિપુરમાં કેમ સર્જાયો ખતરો? કેનેડાનો તર્ક
ગ્લોબલ અફેર્સ કેનેડા દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલ મુજબ, મણિપુરમાં ચાલી રહેલા વંશીય સંઘર્ષને આ ચેતવણી પાછળનું મુખ્ય કારણ ગણાવવામાં આવ્યું છે. વર્ષ 2023 થી મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે ચાલી રહેલી હિંસામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. કેનેડાનું કહેવું છે કે ત્યાં અવારનવાર વિરોધ પ્રદર્શનો અને હડતાલ થતી રહે છે, જે ગમે ત્યારે હિંસક સ્વરૂપ ધારણ કરી શકે છે.
કેનેડાના અધિકારીઓએ પ્રવાસીઓને સલાહ આપી છે કે તેઓ સ્થાનિક મીડિયાના સંપર્કમાં રહે, ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહે અને જરૂર પડે તો પોતાના પ્રવાસના આયોજનમાં તાત્કાલિક ફેરફાર કરવા માટે તૈયાર રહે. મણિપુર તેની પ્રાકૃતિક સુંદરતા અને સાંસ્કૃતિક વિરાસત માટે વિશ્વભરમાં જાણીતું છે, પરંતુ સુરક્ષાના કારણોસર અત્યારે ત્યાં જવું જોખમી હોવાનું કેનેડા માની રહ્યું છે.
NIAની કાર્યવાહી અને વિદેશી નાગરિકોની ધરપકડ
આ ટ્રાવેલ એડવાઈઝરી એવા સમયે આવી છે જ્યારે ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પૂર્વોત્તર ભારતમાં મોટી કાર્યવાહી કરી છે. તાજેતરમાં જ એક અમેરિકન અને 6 યુક્રેનિયન નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો પર આરોપ છે કે તેઓ મ્યાનમારના હથિયારધારી જૂથોને મણિપુર અને મિઝોરમની સરહદ પાસે પરમિટ વગર ‘ડ્રોન વોરફેર’ એટલે કે ડ્રોન દ્વારા યુદ્ધ કરવાની કળા શીખવી રહ્યા હતા.
આરોપીઓમાં સામેલ અમેરિકન નાગરિક મેથ્યુ એરોન વાનડાયકે વિશે એવું કહેવાય છે કે તે એક ‘ભાડૂતી સૈનિક’ (Mercenary) છે અને તેણે વિશ્વના ઘણા દેશોમાં બળવાખોરોને તાલીમ આપી છે. ભારત સરકારે આ તમામ પર આતંકવાદ વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી કરી છે. ભારતની આ કડક કાર્યવાહી બાદ કેનેડાએ સાવચેતીના ભાગરૂપે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી દીધી છે.
પાકિસ્તાન સરહદ અને અન્ય રાજ્યો માટે પણ ચેતવણી
કેનેડાની આ એડવાઈઝરી માત્ર મણિપુર પૂરતી મર્યાદિત નથી. કેનેડા સરકારે ભારત-પાકિસ્તાન સરહદથી 10 કિમી સુધીના વિસ્તારમાં પણ ન જવાની સલાહ આપી છે. તેમના મતે કાશ્મીર અને સરહદી વિસ્તારોમાં આતંકવાદ, ઉગ્રવાદ અને અપહરણનો ખતરો છે.
આશ્ચર્યજનક વાત એ છે કે કેનેડાએ ગુજરાત, પંજાબ અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં ‘લેન્ડમાઈન્સ’ એટલે કે સુરંગો હોવાનો ભય પણ વ્યક્ત કર્યો છે. એક તરફ જ્યારે ભારત વિશ્વના ટોચના ‘સોલો ટ્રાવેલ ડેસ્ટિનેશન’ તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે કેનેડાની આવી નકારાત્મક એડવાઈઝરી પ્રવાસન ક્ષેત્ર માટે આંચકા સમાન છે.
રાજદ્વારી સંબંધો પર શું થશે અસર?
થોડા સમય પહેલા જ માર્ક કાર્નીએ ભારતની મુલાકાત લીધી હતી અને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરીને સંબંધોમાં નવી ઉર્જા ફૂંકવાનો પ્રયાસ કર્યો હતો. જસ્ટિન ટ્રુડોના સમયમાં ખાલિસ્તાની મુદ્દે જે કડવાશ પેદા થઈ હતી, તેને દૂર કરવા માર્ક કાર્ની મક્કમ દેખાતા હતા. જોકે, ભારતની આંતરિક સુરક્ષા અને પ્રાદેશિક સ્થિતિ પર કેનેડાની આ પ્રકારની ટિપ્પણીઓ ફરીથી મતભેદો પેદા કરી શકે છે.
ભારત હંમેશા એવું કહેતું આવ્યું છે કે તેના આંતરિક મામલામાં વિદેશી દખલગીરી સ્વીકાર્ય નથી. મણિપુરની સ્થિતિને કાબૂમાં લેવા માટે ભારત સરકાર અને સુરક્ષા દળો સતત પ્રયત્નશીલ છે. આવા સમયે વિદેશી નાગરિકોની ધરપકડ એ સાબિત કરે છે કે પૂર્વોત્તર ભારતમાં અસ્થિરતા ફેલાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલાક તત્વો સક્રિય છે.

