માર્કશીટ સુધારવા માટે મળે છે 20 તકો, CBSEએ શાળાઓ માટે જાહેર કર્યા કડક નિયમો
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા દેશભરની તમામ સંલગ્ન શાળાઓ માટે એક અત્યંત કડક અને મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓના નામ, જન્મતારીખ (Date of Birth) અને અન્ય વ્યક્તિગત વિગતો (Demographic Details) માં કોઈપણ પ્રકારની ક્ષતિ કે ભૂલ બિલકુલ સહન કરવામાં આવશે નહીં.
ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના પરિણામો બાદ માર્કશીટમાં જોવા મળેલી ભૂલોના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને CBSEએ આ પગલું ભર્યું છે. બોર્ડનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે વિદ્યાર્થીઓના શૈક્ષણિક રેકોર્ડ્સ શરૂઆતથી જ 100% સચોટ હોય.

રજીસ્ટ્રેશનથી લઈને એડમિટ કાર્ડ સુધી અનેક સ્તરે તપાસની તક
સીબીએસઇના નિયમો અનુસાર, વિદ્યાર્થીઓની વ્યક્તિગત માહિતીમાં સુધારો કરવા માટે ધોરણ 9મીથી લઈને 12મી સુધી લગભગ 20 અલગ-અલગ તકો મળે છે. શાળાઓ અને વાલીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ પ્રત્યેક ચરણમાં ડેટાની ઝીણવટપૂર્વક તપાસ કરે:
પ્રારંભિક શાળા રેકોર્ડ: વિદ્યાર્થીની ડેમોગ્રાફિક વિગતો સૌથી પહેલા શાળાના એડમિશન ફોર્મ, સ્કોલર રજિસ્ટર અને એડમિશન-વિડ્રોલ રજિસ્ટરમાં સંપૂર્ણપણે સાચી હોવી જોઈએ. ટ્રાન્સફર સર્ટિફિકેટ (TC) માં પણ આ જ માહિતી નોંધાયેલી હોવી અનિવાર્ય છે.
ધોરણ 9 નોંધણી અને સુધારણા વિન્ડો: ધોરણ 9 માટે નોંધણી દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિગતોની ચકાસણી કરવાની રહેશે. ત્યારબાદ, બોર્ડ સુધારણા માટેની વિન્ડો (સમયગાળો) પણ ખોલે છે.
LOC અને એડમિટ કાર્ડ વેરિફિકેશન: ધોરણ 10મીની ‘લિસ્ટ ઓફ કેન્ડિડેટ્સ’ (LOC) જમા કરતા પહેલા શાળાઓએ સમગ્ર ડેટા ચેક કરીને વાલીઓ પાસેથી તેની પુષ્ટિ લેવાની રહેશે. પરીક્ષા પહેલા જારી થનાર એડમિટ કાર્ડમાં દર્શાવેલ વિગતોની પણ વિદ્યાર્થી, વાલી અને પ્રિન્સિપાલ દ્વારા તપાસ થવી જોઈએ.
અધૂરા દસ્તાવેજો પર CBSEની કડક કાર્યવાહી
બોર્ડે નોંધ્યું છે કે આટલી બધી પ્રક્રિયાઓ અને ચેતવણીઓ છતાં, પરિણામ જાહેર થયા બાદ નામ, માતા-પિતાના નામ કે જન્મતારીખમાં ફેરફાર માટે મોટી સંખ્યામાં અરજીઓ આવે છે. ઘણીવાર શાળાઓ દ્વારા મોકલવામાં આવેલી કરેક્શન રિક્વેસ્ટ અધૂરી હોય છે, જેના કારણે તેના નિકાલમાં ભારે વિલંબ થાય છે. બોર્ડે નીચેની બાબતો પર સખત વાંધો વ્યક્ત કર્યો છે:
પ્રમાણિત રેકોર્ડનો અભાવ: કેટલાક કેસોમાં શાળાઓ દ્વારા અગાઉની શાળાઓ સાથે જોડાયેલા જરૂરી અને પ્રમાણિત દસ્તાવેજો જમા કરાવવામાં આવતા નથી.
અસ્પષ્ટ દસ્તાવેજો: અપલોડ કરેલા કાગળો ઝાંખા હોય છે અથવા તેમાં ખૂબ વધારે છેકછાક (Cutting) હોય છે.
સમયસર જવાબ ન આપવો: બોર્ડ દ્વારા વધારાના દસ્તાવેજો માંગવામાં આવે ત્યારે કેટલીક શાળાઓ નિર્ધારિત સમયમર્યાદામાં જવાબ આપતી નથી.
શાળાઓ માટે કડક સૂચનાઓ: 100% સાચો રેકોર્ડ રાખવો અનિવાર્ય
સીબીએસઇએ તમામ શાળાઓને ચેતવણી આપી છે કે ભવિષ્યમાં જો કોઈ પણ સુધારા માટે અરજી મોકલવામાં આવે, તો તેની સાથે વિદ્યાર્થીના અગાઉની તમામ શાળાઓના પ્રમાણિત રેકોર્ડ જોડવા ફરજિયાત રહેશે. બોર્ડે સ્પષ્ટ કરી દીધું છે કે અધૂરા દસ્તાવેજો વાળી તમામ સુધારણા અરજીઓ સીધી જ રદ (Reject) કરી દેવામાં આવશે.
તેથી, શાળાઓ અને વાલીઓએ પ્રારંભિક તબક્કામાં જ રજીસ્ટ્રેશન અને એલઓસી (LOC)ના સમયે સંપૂર્ણ સતર્કતા દાખવવી જોઈએ જેથી બાળકોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારની મુશ્કેલી ઊભી ન થાય.

અધૂરા દસ્તાવેજો પર CBSEની કડક કાર્યવાહી