ઈરાન પર અમેરિકાના તાજેતરના હુમલા બાદ ચીને પોતાની રણનીતિમાં મોટો ફેરફાર કર્યો હોય તેવું જણાય છે. બેજિંગે બદલાયેલી વ્યૂહરચના હેઠળ તાઈવાનના આકાશમાં પોતાના ફાઈટર જેટ ઉડાડવાનું હાલ પૂરતું બંધ કરી દીધું છે. છેલ્લા 7 દિવસમાં તાઈવાનના વિસ્તારમાં એક પણ ચીની યુદ્ધ વિમાન જોવા મળ્યું નથી. તાઈવાન અને ચીન વચ્ચેના સંબંધોમાં તાજેતરના સમયનો આ સૌથી શાંત ગાળો માનવામાં આવી રહ્યો છે.
ચીન એલર્ટ થવાના બે મુખ્ય કારણો
નિષ્ણાતો માને છે કે ચીન બે કારણોસર હાલમાં ‘વેઈટ એન્ડ વોચ’ની સ્થિતિમાં છે:
- સંરક્ષણ બજેટમાં વધારો: ચીને ઈરાન યુદ્ધ વચ્ચે પોતાના સૈન્ય બજેટમાં 7 ટકા સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ દર્શાવે છે કે ચીન ભવિષ્યમાં કોઈપણ મોટા સૈન્ય સંઘર્ષ માટે પોતાની તૈયારીઓ મજબૂત કરી રહ્યું છે.
- તાઈવાન પર સતર્ક વલણ: બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, અત્યાર સુધી તાઈવાનના એરસ્પેસમાં સતત ઘૂસણખોરી કરતું ચીન છેલ્લા એક અઠવાડિયાથી શાંત છે. ઈરાન યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી એક પણ ચીની ફાઈટર જેટે તાઈવાનની સરહદ ઓળંગી નથી.
તાઈવાન સરહદે ચીનની મજબૂત ઘેરાબંધી
વર્ષ 2025ના અંત સુધીમાં ચીને તાઈવાનને ઘેરવા માટે તેની સરહદ પાસે 14 યુદ્ધ જહાજો તૈનાત કર્યા હતા. ગ્લોબલ તાઈવાન ઈન્સ્ટિટ્યૂટ મુજબ, સામાન્ય રીતે દરરોજ 100 થી 110 ફાઈટર જેટ તાઈવાનની આસપાસ ઉડતા રહેતા હતા. અમેરિકી ગુપ્તચર એજન્સીઓનું અનુમાન છે કે ચીન 2027 સુધીમાં તાઈવાન પર હુમલો કરી શકે છે. જોકે, ઈરાનની સ્થિતિ જોઈને ચીને અત્યારે પોતાના આક્રમક વલણ પર બ્રેક લગાવી દીધી હોય તેમ લાગે છે.
ઈરાનના સમર્થનમાં માત્ર નિવેદનબાજી, સહયોગ નહીં?
ચીનને ઈરાનનો સૌથી નજીકનો મિત્ર માનવામાં આવે છે, પરંતુ જ્યારે અમેરિકાએ ઈરાન પર પ્રહાર કર્યા ત્યારે ચીન માત્ર નિવેદનો આપતું જ જોવા મળ્યું છે. ચીને અત્યાર સુધી ન તો ઈરાનને હથિયારો આપવાની સત્તાવાર જાહેરાત કરી છે કે ન તો અમેરિકા સામે કોઈ કડક પગલાં લીધા છે.
ફોરેન અફેર્સ મેગેઝિન મુજબ, ચીનને ઈરાનની સત્તા કરતા પોતાના તેલના પુરવઠાની વધુ ચિંતા છે.
- વર્ષ 2025માં ચીનની કુલ તેલ આયાતનો 55 ટકાથી વધુ હિસ્સો મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માંથી આવ્યો હતો.
- આમાંથી લગભગ 13 ટકા હિસ્સો માત્ર ઈરાનથી મળતો હતો.
ચીનને ડર છે કે જો અમેરિકાના હુમલાને કારણે ઈરાનમાં સત્તા પરિવર્તન થાય છે, તો ભવિષ્યમાં તેને ગંભીર ઉર્જા સંકટનો સામનો કરવો પડી શકે છે. આ આર્થિક હિતોને કારણે જ ચીન અત્યારે કોઈપણ વિવાદમાં સીધા પડવાને બદલે અંતર જાળવી રહ્યું છે.

