જાસૂસી કે સુરક્ષા? આંદોલનકારીઓના ચહેરા લાઈવ સ્કેન થતાં મચ્યો ભડકો!
દેશની રાજધાની દિલ્હીમાં જંતર-મંતર ખાતે ચાલી રહેલું NEET-UG પેપર લીક વિરોધી આંદોલન હવે એક નવા જ કાનૂની અને બંધારણીય વિવાદમાં ઘેરાયું છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) એ દિલ્હી પોલીસ પર આક્ષેપ કર્યો છે કે તેમણે આંદોલન સ્થળે ‘ફેશિયલ રિકોગ્નિશન’ (ચહેરા ઓળખનારી AI ટેકનોલોજી) વાન તૈનાત કરી છે. આ પગલાથી પ્રદર્શનકારીઓના ગોપનીયતાના અધિકાર (Privacy Rights) પર ત્રાપ વાગી હોવાનો અને બાયોમેટ્રિક ડેટાના ગેરકાયદેસર ઉપયોગનો દાવો કરીને આંદોલનકારીઓએ કેન્દ્ર સરકાર અને પોલીસ સામે મોરચો માંડ્યો છે.
સોશિયલ મીડિયા પર આ મુદ્દે આકરો પ્રહાર કરતા પાર્ટીએ જણાવ્યું હતું કે, “જંતર-મંતર એ એક વિરોધ પ્રદર્શનનું સ્થળ છે, કોઈ ડિજિટલ ખુલ્લી જેલ નથી!” પાર્ટીએ આ રીતે આંદોલનકારી યુવાનોના લાઈવ ફેસ સ્કેનિંગ સામે સખત વિરોધ નોંધાવીને બંધારણીય કાયદાઓ પર સવાલો ખડા કર્યા છે.
While I was reporting for @Article14live on Facial Recognition Technology used by Delhi police, I found myself on their monitor. Delhi police was caught on camera surveilling a journalist on duty. When I confronted them, this is what they had to say. pic.twitter.com/VEDBlUR4qc
— Srishti (@seekingsrishti) July 23, 2026
CJPના સરકાર અને દિલ્હી પોલીસને ૩ તીખા સવાલો
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી પોસ્ટમાં CJPએ ત્રણ મુખ્ય સવાલો રજૂ કરીને સત્તાધીશો પાસે જવાબ માગ્યો છે:
૧. કયા કાયદા હેઠળ આ કૃત્ય કાયદેસર છે?
પાર્ટીએ સુપ્રીમ કોર્ટના પુટ્ટાસવામી કેસ (Puttaswamy Case) ના પ્રખ્યાત ચુકાદાનો હવાલો આપતા કહ્યું કે સર્વોચ્ચ અદાલતે ‘રાઈટ ટુ પ્રાઈવસી’ (ગોપનીયતા)ને મૂળભૂત અધિકાર ગણાવ્યો છે. પોતાના કાયદેસરના અધિકાર માટે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા નાગરિકોનું આ રીતે માસ-સ્કેનિંગ કરવું એ તદ્દન અબંધારણીય છે.
૨. આ ડેટા ક્યાંથી મેળવવામાં આવી રહ્યો છે?
CJPએ આશંકા વ્યક્ત કરી છે કે આ AI સિસ્ટમ્સ સ્થળ પર હાજરી આપતા યુવાનોની ઓળખ કેવી રીતે કરી રહી છે? શું નાગરિકોને લક્ષ્ય બનાવવા માટે રાષ્ટ્રીય ડેટાબેઝ, સરકારી ઓળખ પત્રોના રેકોર્ડ્સ અને જાહેર રજિસ્ટ્રીઓનો ગેરકાયદેસર રીતે સામૂહિક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે?
૩. આ ડેટાનો ઉપયોગ ભવિષ્યમાં કેવી રીતે થશે?
પાર્ટીએ ડેટા સુરક્ષા સામે સવાલ ઉઠાવતા પૂછ્યું કે આ ફેસ સ્કેનનો ડેટા કોણ સ્ટોર કરી રહ્યું છે અને તે કેટલા સમય સુધી રાખવામાં આવશે? શું જવાબદેહી માગતા વિદ્યાર્થીઓને ડરાવવા, ટાર્ગેટ કરવા કે શેડો-બેન કરવા માટે કોઈ ગુપ્ત રજિસ્ટ્રી તૈયાર કરવામાં આવી રહી છે?
🚨 JANTAR MANTAR IS A PROTEST SITE, NOT A DIGITAL OPEN-AIR PRISON! 🛑
Delhi Police has stationed Facial Recognition Vans to live-scan peaceful protesters. They are harvesting biometrics and extracting personal data on the spot—and we have three direct questions for the… pic.twitter.com/zCcLg3uxOE
— Cockroach is Back (@Cockroachisback) July 23, 2026
વિવાદ પહોંચ્યો દિલ્હી હાઈકોર્ટના દરવાજે
જંતર-મંતર ખાતે છેલ્લા એક અઠવાડિયાથી CJP અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુકના નેતૃત્વમાં ચાલી રહેલું આંદોલન હવે કેન્દ્ર સરકાર સામે યુવાનોનું સૌથી મોટું આંદોલન બની ચૂક્યું છે. આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસક ઝડપો પણ જોવા મળી છે.
ફેશિયલ રિકોગ્નિશન અને જાસૂસીનો આ વિવાદ હવે દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો છે. વિરોધ પ્રદર્શન કરનારાઓ પર નજર રાખવાના વિરોધમાં હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી (PIL) પણ દાખલ કરવામાં આવી છે.
કોર્ટમાં સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે પોતાના પર લાગેલા તમામ ગેરકાયદેસર જાસૂસીના આરોપોને નકારી કાઢ્યા હતા. દિલ્હી પોલીસે અદાલતમાં પક્ષ રાખતા જણાવ્યું હતું કે આ પ્રકારનું કોઈ ગેરકાયદેસર રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું નથી. શંકાસ્પદ તત્વો પર નજર રાખવી અને કાયદો તથા વ્યવસ્થા જાળવી રાખવી એ જ આ ટૂલ્સનો ઉપયોગ કરવાનો મુખ્ય હેતુ છે, જેથી સામાન્ય જનતાની સુરક્ષા નિશ્ચિત કરી શકાય અને અરાજકતા રોકી શકાય.
AI અને વિડિયો એનાલિટિક્સનો થઈ રહ્યો છે ઉપયોગ
તાજેતરના અહેવાલો સૂચવે છે કે દિલ્હી પોલીસ આંદોલન દરમિયાન થયેલી હિંસામાં સામેલ તત્વોની ઓળખ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ફેશિયલ રિકોગ્નિશન અને વિડિયો એનાલિટિક્સ ટૂલ્સનો ઉપયોગ કરી રહી છે.
પાર્લામેન્ટ સ્ટ્રીટ અને જંતર-મંતર નજીક થયેલી ઝડપો બાદ નોંધાયેલી વિવિધ FIRના ભાગરૂપે તપાસ અધિકારીઓ સીસીટીવી ફૂટેજ, ફેશિયલ રિકોગ્નિશન કેમેરા ફીડ્સ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સનું ઊંડું વિશ્લેષણ કરી રહ્યા છે. જોકે, સીજેપી દ્વારા પ્રોટેસ્ટ સાઈટ પર ફેસ-રિકોગ્નિશન વાન તૈનાત કરવા અંગે મૂકવામાં આવેલા તાજેતરના તાજા આરોપો પર દિલ્હી પોલીસ તરફથી હજુ સુધી કોઈ નવી સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
ટેકનોલોજી અને નાગરિક અધિકારો વચ્ચેની લડાઈ
આ ઘટનાએ દેશમાં ડિજિટલ સર્વેલન્સ (Digital Surveillance) અને નાગરિકોના મૂળભૂત અધિકારો અંગે નવી ચર્ચા જગાવી છે. એક તરફ પોલીસ તંત્ર સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાનું બહાનું ધરે છે, તો બીજી તરફ યુવાનો પોતાની પ્રાઈવસી અને લોકશાહી ઢબે વિરોધ નોંધાવવાના અધિકાર માટે અવાજ ઉઠાવી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે દિલ્હી હાઈકોર્ટ આ મામલે શું વલણ અપનાવે છે.