૭૯મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
ગુજરાત રાજ્યના ૭૯મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યની જનતાને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે આ પ્રસંગે રાષ્ટ્રહિત પ્રથમના ભાવને હંમેશા હૃદયમાં રાખવા માટે નાગરિકોને આહ્વાન કરતો એક ખાસ સંદેશ પાઠવ્યો છે.
આઝાદીના અમૃતકાળથી શતાબ્દી સુધી
મુખ્યમંત્રીએ જણાવ્યું કે આઝાદીના સાડા સાત દાયકા પૂર્ણ કરીને ભારત સ્વતંત્રતાની શતાબ્દી તરફ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. તેમણે દેશના ક્રાંતિવીરો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્ર પુરુષોના બલિદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતે વિશ્વમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે અને વિકાસની હરણફાળ ભરીને મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે.
રાષ્ટ્રહિત અને સુરક્ષા પર ભાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ જેવી સફળતા દ્વારા દુનિયાને એ સાફ સંકેત આપવામાં આવ્યો છે કે આતંકવાદ કે દેશની સુરક્ષા સામેનો કોઈ પણ કાંકરીચાળો ભારતમાં ચલાવી લેવામાં આવશે નહીં. મુખ્યમંત્રીએ ‘હર ઘર તિરંગા’ અભિયાનની સફળતાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ અભિયાને ગુજરાતમાં જનજનમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રહિતના ભાવને વધુ મજબૂત બનાવ્યો છે.
વિકસિત ગુજરાત અને વિકસિત ભારત
પટેલે જણાવ્યું કે ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપનાના ૭૫ વર્ષ ૨૦૩૫માં પૂર્ણ થશે. વડાપ્રધાન દ્વારા રચવામાં આવેલી વિકાસની ભવ્ય ઇમારતને ગુજરાત @ ૭૫માં વૈશ્વિક કક્ષાએ લઈ જવાનો સંકલ્પ છે. તેમણે ‘વિકસિત ભારત ૨૦૪૭’ના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા માટે ‘વિકસિત ગુજરાત ૨૦૪૭’નો રોડમેપ તૈયાર કરવાની વાત કરી. આ રોડમેપ હેઠળ ‘ગ્રિટ’ (Gujarat State Institution for Transformation)ની રચના પણ કરવામાં આવી છે, જે શાસન વ્યવસ્થાને વધુ સજ્જ બનાવશે.
જનકલ્યાણકારી યોજનાઓ અને ભવિષ્યલક્ષી પહેલ
મુખ્યમંત્રીએ ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ જેવી શિક્ષણલક્ષી યોજનાઓ, ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ જેવી આરોગ્ય યોજનાઓ અને ‘પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના’ જેવી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આદિજાતિ અને શ્રમિક પરિવારોની ચિંતા વ્યક્ત કરી અને ખેડૂતોના હિતોને પ્રાધાન્ય આપવાની વાત કરી.
આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલે ‘વિકસિત ગુજરાત’ના નિર્માણમાં તન, મન અને ધનથી સમર્પિત રહેવાનો સંકલ્પ લેવા માટે નાગરિકોને આહ્વાન કર્યું.