નીતિનભાઈ પટેલે કાર્યકરોને આપ્યો સહકાર અને સંવાદનો મહત્વપૂર્ણ સંદેશ
કડી શહેરના ભીમનાથ મહાદેવ મંદિર સામે આવેલા ચંપાબેન રતિલાલ પટેલ ટાઉનહોલ ખાતે ગત સોમવારે સહકાર ક્ષેત્રને સમર્પિત એક વિશાળ સહકારિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને કડી તાલુકા ખરીદ-વેચાણ સંઘના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સહકાર અને સ્વદેશી વિચારધારાને કેન્દ્રમાં રાખવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન તથા હર ઘર સ્વદેશીનો સંદેશ જનમાનસ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
સંમેલનમાં નીતિનભાઈ પટેલે સહકાર ક્ષેત્રના આગેવાનો તથા પાયાના કાર્યકરોને ઉદ્દેશીને સ્પષ્ટ અને મર્મસ્પર્શી સંદેશ આપ્યો હતો. તેમણે કાર્યકરોને ચેતવણીરૂપ ટકોર કરતા જણાવ્યું કે માત્ર દેખાવ પૂરતું રાજકારણ હવે ચાલવાનું નથી. ગાડીમાં પક્ષનો દુપટ્ટો લગાવી ગોરખ ધંધા કરનારા લોકોની હકીકત હવે જનતા સમજી ગઈ છે અને લોકો હવે સહેલાઈથી છેતરાતા નથી. તેમણે સાચી સહકાર ભાવના સાથે કામ કરવાની અપીલ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન નીતિનભાઈ પટેલે એકલા ફરતા નેતાઓ પર પણ કટાક્ષ કર્યો હતો. તેમણે પોતાના અનુભવ શેર કરતા જણાવ્યું કે જ્યારે તેઓ અમદાવાદથી કડી આવતા ત્યારે રસ્તામાં મળતા કોઈ પણ કડીવાળાને ગાડીમાં બેસાડી લેતા. આ રીતે લોકો વચ્ચે શું ચાલી રહ્યું છે તેની સીધી સમજ મળતી હતી. તેમણે પક્ષના હોદ્દેદારોને ચેતવતા કહ્યું કે જો કાર્યકરોને સાથે નહીં રાખવામાં આવે તો પાંચ વર્ષ ક્યારે પૂરા થઈ જશે તેની ખબર પણ નહીં પડે.
કડીની પ્રગતિ પાછળના કારણો વિશે વાત કરતા નીતિનભાઈ પટેલે જણાવ્યું કે અહીં સહકારની ભાવના મજબૂત છે. તેમણે ઉદાહરણ આપતાં કહ્યું કે કડીમાં મોટો ભાઈ નાના ભાઈને સાથે રાખીને ચાલે છે, એટલે કે APMC નાના સંઘોને સાથે લઈ આગળ વધે છે. આ એકતા અને પરસ્પર વિશ્વાસના કારણે જ કડી સતત વિકાસ કરી રહી છે.
સહકારની શક્તિ વિશે બોલતા તેમણે કડી માર્કેટયાર્ડની કામગીરીની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે આજે સામાન્ય બજારમાં ચાનો કપ પણ મોંઘો છે, ત્યારે કડી માર્કેટયાર્ડ માત્ર 40 રૂપિયામાં 700 લોકોને ભરપેટ ભોજન પૂરુ પાડે છે. આ દ્રશ્ય સહકારની ભાવનાનું જીવંત ઉદાહરણ છે. અંતે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશને ઘર-ઘર સુધી પહોંચાડવા અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પને આગળ વધારવાની અપીલ કરી હતી.

