સૂર્યમંદિરની પવિત્ર ધરતી પર શાસ્ત્રીય નૃત્યથી ઝળહળશે ઉત્તરાર્ધ મહોત્સવ
મહેસાણા જિલ્લાના વિશ્વ વિખ્યાત ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિર ખાતે ૧૭ અને ૧૮ જાન્યુઆરી ૨૦૦૨૬ના રોજ ભવ્ય ‘ઉત્તરાર્ધ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ દ્વિદિવસીય મહોત્સવ શાસ્ત્રીય નૃત્યોની ગુરુ-શિષ્ય પરંપરાને ઉજાગર કરશે. દરરોજ સાંજે ૦૬:૩૦ વાગ્યાથી શરૂ થતા આ ઉત્સવમાં દેશભરના નામાંકિત કલાકારો સૂર્યમંદિરની ભવ્ય પૃષ્ઠભૂમિમાં પોતાની કલા રજૂ કરશે.
વિવિધ શાસ્ત્રીય નૃત્યોની દિવ્ય પ્રસ્તુતિ
મહોત્સવના પ્રથમ દિવસે રમીન્દર ખુરાના (ઓડીસી), મીનાક્ષી શ્રીયન (ભરતનાટ્યમ), માયા કુલશ્રેષ્ઠા (કથ્થક) અને ડૉ. શ્રુતિ બંદોપાધ્યાય (મણીપુરી) જેવા કલાકારો પોતાની કૃતિઓ રજૂ કરશે. બીજા દિવસે મનિકંદન એ. (કથકલી), ડૉ. ડિમ્પલ સાઇકિયા (સતરીયા) અને આર્યા નંદે (ઓડીસી) સહિતના કલાકારો શાસ્ત્રીય નૃત્યરસનું પાન કરાવશે. ઉત્તરાયણ પછી જ્યારે સૂર્ય ઉત્તર તરફ ગતિ કરે છે, તેવા ‘અર્ધ’ અવસરે સૂર્યમંદિરમાં આ ઉત્સવ મનાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે.
સૂર્યમંદિર: સ્થાપત્ય અને ઇજનેરી કૌશલ્યનો બેજોડ નમૂનો
મોઢેરાનું સૂર્યમંદિર તેના અદભૂત સ્થાપત્ય અને સૂર્યની સ્થિતિ મુજબના ઇજનેરી કૌશલ્ય માટે જાણીતું છે. શિયાળાના અંતિમ તબક્કે અને લાંબા થતા દિવસોની શરૂઆતે આ આયોજન ગુજરાતની સમૃદ્ધ વિરાસતને દર્શાવે છે. જિલ્લા કલેક્ટર એસ. કે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મહોત્સવની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ દિવ્ય સાંસ્કૃતિક સાંજનો લ્હાવો લેવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ કલારસિકોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

