ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે મોટા સમાચાર: તમારી એક નાની ભૂલ કરાવી શકે છે ઇન્કમ ટેક્સની તપાસ, જાણો બચવાના ઉપાય
આજના ડિજિટલ યુગમાં ક્રેડિટ કાર્ડ આપણી જીવનશૈલીનો એક અભિન્ન હિસ્સો બની ગયું છે. ઓનલાઇન શોપિંગ હોય, હોસ્પિટલનું બિલ હોય કે રેસ્ટોરન્ટમાં જમવાનું હોય, ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવું ખૂબ જ સરળ અને ફાયદાકારક લાગે છે. રિવોર્ડ પોઈન્ટ્સ, કેશબેક અને ઈમરજન્સીમાં નાણાંની સગવડને કારણે લોકો હવે રોકડને બદલે કાર્ડનો ઉપયોગ વધુ કરવા લાગ્યા છે. ઘણા લોકો તો પોતાના મિત્રો કે સંબંધીઓને પણ પોતાના કાર્ડ પર શોપિંગ કરવા દે છે જેથી વધુ પોઈન્ટ્સ ભેગા કરી શકાય. પરંતુ, શું તમે જાણો છો કે તમારી આ ઉદારતા તમને ઇન્કમ ટેક્સ વિભાગની મુસીબતમાં મૂકી શકે છે?
મિત્રો કે પરિવારને કાર્ડ આપવું કેમ જોખમી છે?
ઘણીવાર આપણે ઓફરનો લાભ લેવા કે કોઈની મદદ કરવા માટે આપણું ક્રેડિટ કાર્ડ અન્યને વાપરવા આપીએ છીએ. સામેની વ્યક્તિ આપણને રોકડા પૈસા કે બેંક ટ્રાન્સફર દ્વારા રકમ પરત કરી દે છે. પરંતુ, ઇન્કમ ટેક્સ વિભાગની નજરમાં આ આખું ટ્રાન્ઝેક્શન તમારા નામે બોલે છે.
જો તમારો વાર્ષિક ખર્ચ તમારી જાહેર કરેલી આવક (Incometax Return) કરતા વધારે દેખાય, તો ટેક્સ વિભાગને શંકા જાય છે. દાખલા તરીકે, જો તમારી વાર્ષિક આવક 8 લાખ રૂપિયા છે અને તમારા ક્રેડિટ કાર્ડ પર વર્ષ દરમિયાન 12 લાખનું પેમેન્ટ થયું છે, તો વિભાગ તમને પૂછી શકે છે કે આ વધારાના 4 લાખ રૂપિયા ક્યાંથી આવ્યા? આ સ્થિતિમાં તમારી તપાસ થઈ શકે છે અને નોટિસ આવવાની શક્યતા વધી જાય છે.
AIS અને Form 26AS: ટેક્સ વિભાગની ‘ત્રીજી આંખ’
હવે ટેક્સ ચોરી કરવી કે માહિતી છુપાવવી લગભગ અશક્ય છે. આવકવેરા વિભાગ પાસે AIS (Annual Information Statement) અને Form 26AS જેવા સાધનો છે.
-
બેંકો અને ક્રેડિટ કાર્ડ કંપનીઓ મોટા મૂલ્યના વ્યવહારોની માહિતી સીધી સરકારને આપે છે.
-
જો તમે એક નાણાકીય વર્ષમાં ક્રેડિટ કાર્ડના બિલ પેટે 10 લાખ રૂપિયા કે તેથી વધુ રકમ ચૂકવો છો (રોકડમાં કે ચેક/ઓનલાઇન), તો તેની માહિતી ઇન્કમ ટેક્સ વિભાગ પાસે પહોંચી જાય છે. તમારા રિટર્ન ફાઇલ કરતી વખતે જો આ ખર્ચ તમારી આવક સાથે મેચ ન થાય, તો તમારી ફાઇલ તપાસના દાયરામાં આવી શકે છે.
અઘોષિત આવક અને દંડનો ભય
જ્યારે એક જ કાર્ડનો ઉપયોગ ઘણા લોકો કરે છે, ત્યારે કુલ ખર્ચ ઘણો મોટો દેખાય છે. જો તમે ખર્ચના સ્ત્રોત અને પેમેન્ટની વિગતો યોગ્ય રીતે રજૂ ન કરી શકો, તો ટેક્સ વિભાગ આ વધારાના ખર્ચને તમારી ‘અઘોષિત આવક’ માની શકે છે. આવી સ્થિતિમાં તમારે માત્ર બાકી ટેક્સ જ નહીં, પરંતુ તેના પર મોટો દંડ અને વ્યાજ પણ ચૂકવવું પડી શકે છે. ખાસ કરીને મોંઘા ઘરેણાં, વિદેશ પ્રવાસ કે બિઝનેસ ખર્ચ પર વિભાગની કડક નજર રહે છે.
બિઝનેસ કાર્ડ અને હિસાબ-કિતાબની જરૂરિયાત
ઘણા લોકો બિઝનેસના કામ માટે પર્સનલ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. જો તમે પણ આવું કરતા હોવ, તો દરેક પેમેન્ટનું બિલ અને હિસાબ રાખવો અત્યંત જરૂરી છે. પ્રોફેશનલ કામ માટે હંમેશા બિઝનેસ ક્રેડિટ કાર્ડનો જ ઉપયોગ કરવો હિતાવહ છે. જો તમે પર્સનલ કાર્ડ વાપરતા હોવ તો પ્રોફેશનલ અને પર્સનલ ખર્ચ વચ્ચે સ્પષ્ટ રેખા હોવી જોઈએ, જેથી ઓડિટ સમયે તમે સાચા સાબિત થઈ શકો.
આ દસ્તાવેજો હંમેશા સાચવી રાખો
જો તમે તમારા કાર્ડ પર મિત્રો કે પરિવારના સભ્યો માટે ખરીદી કરી હોય અને તેમણે તમને પૈસા પરત કર્યા હોય, તો તે પેમેન્ટનો પુરાવો (જેમ કે UPI ટ્રાન્સફર કે બેંક સ્ટેટમેન્ટ) સાચવી રાખો. આ સિવાય:
૧. ગિફ્ટ કે લોન: જો કોઈએ તમને ભેટ આપી હોય કે પૈસા ઉછીના આપ્યા હોય, તો તેનો રેકોર્ડ રાખો.
૨. મિલકત કે સોનાનું વેચાણ: જો તમે કોઈ પ્રોપર્ટી કે સોનું વેચીને તે પૈસાથી કાર્ડનું બિલ ભર્યું હોય, તો તેના વેચાણના દસ્તાવેજો તૈયાર રાખો.
૩. રિટાયરમેન્ટ ફંડ: નિવૃત્તિ સમયે મળેલા ફંડમાંથી ખર્ચ કર્યો હોય તો તેના પુરાવા પણ જરૂરી છે.

