નવી દિલ્હી: સિરીઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચના ચોથા દિવસના અંતે શ્રીલંકાએ ભારતના 410 રનના પડકારનો પીછો કરતા 3 વિકેટ ગુમાવી 31 રન બનાવી લીધા છે. શ્રીલંકાને જીતવા માટે 379 રનની જરૂર છે જ્યારે ભારતને 7 વિકેટની જરૂર છે. આ પહેલા ભારતે પોતાની બીજી ઇનિંગ 5 વિકેટે 246 રને ડિકલેર કરી હતી. રોહીત શર્મા 50 અને જાડેજા 4 રને અણનમ રહ્યાં હતા. શ્રીલંકા પોતાની પ્રથમ ઇનિંગમાં 373 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતું. જ્યારે ભારતે પ્રથમ ઇનિંગ 7 વિકેટે 536 રને ડિકલેર કરી હતી.
વિરાટ-ધવન-રોહિતની અડધી સદી
ભારતની બીજી ઇનિંગમાં ખરાબ શરૂઆત થઇ હતી. ભારતને મુરલી વિજયના રૂપમાં પ્રથમ ફટકો લાગ્યો હતો. વિજય 9 રને લકમલની ઓવરમાં ડિકવેલાને કેચ આપી બેઠો હતો. ત્યારબાદ અજીંક્ય રહાણે 10 રને પરેરાની ઓવરમાં સંદાકનને કેચ આપી બેઠો હતો. શિખર ધવન 67 રને સંદાકનની ઓવરમાં ડિકવેલાને કેચ આપી બેઠો હતો. ચેતેશ્વર પુજારા 49 રને ધનંજય ડી સિલ્વાની ઓવરમાં મેથ્યૂઝને કેચ આપી બેઠો હતો. વિકાટ કોહલી 50 રન બનાવી આઉટ થયો હતો જ્યારે રોહિત શર્માએ અણનમ 50 રન બનાવ્યા હતા.
શ્રીલંકા પ્રથમ ઇનીંગમાં 373 રનમાં ઓલ આઉટ
શ્રીલંકા પ્રથમ ઇનિંગમાં 373 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતું. શ્રીલંકા તરફથી સુકાની દિનેશ ચંદિમલે સૌથી વધુ 164 રન બનાવ્યા હતા. આ તેની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ સ્કોર પણ હતો. જ્યારે એન્જેલો મેથ્યૂઝે 111 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઇશાંત શર્મા અને આર.અશ્વિને સૌથી વધુ 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે જાડેજા અને શમીએ 2-2 વિકેટ ઝડપી હતી.
ભારત પ્રથમ ઇનીંગમાં 536 રને દાવ ડિક્લેર કર્યો હતો
પ્રથમ ઈનિંગમાં ધવન 23 રન કરી આઉટ થયો હતો. પરેરાએ તેને આઉટ કર્યો હતો. ચેતેશ્વર પૂજારા પણ 23 રનના સ્કોરે ગામાગેનો શિકાર બન્યો હતો. મુરલી વિજયે શાનદાર પ્રદર્શનને આગળ વધારતા સતત બીજી સદી ફટકારી હતી. આ તેની કારકિર્દીની 11મી સદી હતી. ત્રીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગ દરમિયાન વિરાટ કોહલીએ પોતાના ટેસ્ટ કરિઅરના 5 હજાર રન પૂર્ણ કર્યા હતા. કોહલી આ સિદ્ધી મેળવનારો 11મો ભારતીય બેટ્સમેન છે. કોહલી અને મુરલી વિજય વચ્ચે 283 રનની ભાગીદારી ત્રીજી વિકેટ માટે નોંધાય હતી. કોહલીએ કેપ્ટન તરીકે પણ 3000 રન પુરા કર્યા હતા. મુરલી વિજય 155 રન કરી સ્ટમ્પ આઉટ થયો હતો. વિજયના આઉટ થયાના અમુક સમય બાદ જ અજીંક્ય રહાણે પણ મુરલી વિજયની જેમ જ સ્ટમ્પ આઉટ થયો હતો. કોહલી શ્રીલંકા સામે સતત બીજી અને આ વર્ષની ત્રીજી બેવડી સદી ફટકારી હતી. કોહલીએ કેપ્ટન તરીકે 6 બેવડી સદી ફટકારી લારાનો રેકોર્ડ તોડ્યો. રોહિતે પોતાના કરિઅરની 8મી અડધી સદી ફટકારી હતી. તે 65 રન કરી આઉટ થયો હતો. અશ્વિન ગામાગેની બોલિંગ પર આઉટ થયો હતો.