ગાયના ગોબરથી સ્વાવલંબન સુધીની સફર, ડભોઈના ગિરીશભાઈ પંચાલે ગૌ-સેવા સાથે ઊભું કર્યું સફળ મોડેલ
વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ૫૧ વર્ષીય પ્રગતિશીલ ખેડૂત ગિરીશભાઈ પંચાલે ગૌ-સેવા અને આર્થિક ઉન્નતિનો અનોખો સમન્વય સાધ્યો છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વિચારોથી પ્રેરિત થઈને તેમણે ગાયના ગોબર અને ગૌમૂત્ર આધારિત મૂલ્યવર્ધક ઉત્પાદનો બનાવીને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
કચ્છથી શરૂ થયેલી તાલીમની સફર
ગિરીશભાઈએ વર્ષ ૨૦૨૪માં કચ્છના અંજાર સ્થિત નીલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્રમાંથી પંચગવ્ય અને ગોબર ઉત્પાદનો બનાવવાની વૈજ્ઞાનિક તાલીમ મેળવી હતી. આ તાલીમ બાદ તેમણે અને તેમના પત્નીએ મળીને ઘરે જ વિવિધ ઇકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ બનાવવાનું શરૂ કર્યું.
૧૭થી વધુ ઇકો-ફ્રેન્ડલી ઉત્પાદનો
ગિરીશભાઈ દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓ ધાર્મિક અને દૈનિક જીવનમાં ખૂબ જ ઉપયોગી છે:
-
પૂજા સામગ્રી: ગોબરના દીવા, ધૂપ, હવન છાણા અને ગણેશ-લક્ષ્મીજીની પ્રતિમાઓ.
-
આરોગ્ય અને સ્વચ્છતા: દંતમંજન, ગૌમૂત્ર આધારિત સાબુ અને ઇકો-ફ્રેન્ડલી ફ્લોર ક્લિનર.
-
અન્ય ચીજો: એન્ટી-રેડિયેશન ચિપ, રાખડી અને આસન.
આર્થિક સફળતા અને માર્કેટિંગ
ગિરીશભાઈ દર રવિવારે વડોદરાના સયાજીગંજમાં ભરાતા ‘સૃષ્ટિ હાટ’માં પોતાના ઉત્પાદનોનું વેચાણ કરે છે. તેઓ ગર્વ સાથે જણાવે છે કે માત્ર ૨-૩ કલાકના વેચાણમાં જ તેમને ૪ થી ૫ હજાર રૂપિયાની આવક થાય છે. શહેરી નાગરિકોમાં પ્રાકૃતિક ચીજો પ્રત્યે વધેલી જાગૃતિ તેમના વ્યવસાય માટે આશીર્વાદરૂપ બની છે.
પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર
ગિરીશભાઈ છેલ્લા ૧૨ વર્ષથી પોતાની ૧૦ વીઘા જમીનમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરે છે. હાલ તેઓ ઘઉં, જુવાર અને દીવેલાના પાક લે છે. ‘આત્મા’ પ્રોજેક્ટ સાથે જોડાઈને તેઓ માસ્ટર ટ્રેનર તરીકે ત્રણ ગ્રામ પંચાયતના ખેડૂતોને પણ તાલીમ આપી રહ્યા છે.
રોજ સાંજે અગ્નિહોત્ર હવન કરતા આ પંચાલ દંપતીની સફળતા ગાથા સાબિત કરે છે કે જો ગૌ-સેવાને વિજ્ઞાન અને વ્યવસાય સાથે જોડવામાં આવે, તો તે પર્યાવરણ અને ખેડૂત બંને માટે સમૃદ્ધિના દ્વાર ખોલી શકે છે.

