એપ્સટિન ફાઇલ્સમાં નામ ઉછળતા દલાઈ લામાના કાર્યાલયની સ્પષ્ટતા: ‘જેફરી એપ્સટિન સાથે કોઈ લેવાદેવા નથી’
તાજેતરમાં અમેરિકાના ન્યાય વિભાગ (US Department of Justice) દ્વારા જેફરી એપ્સટિન સાથે જોડાયેલા અંદાજે ૩૦ લાખ જેટલા દસ્તાવેજો અને ફાઇલ્સ જાહેર કરવામાં આવી છે. આ ફાઇલ્સમાં વિશ્વના અનેક દિગ્ગજ નેતાઓ અને ઉદ્યોગપતિઓના નામ હોવાની ચર્ચા છે. જોકે, સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં તિબેટીયન આધ્યાત્મિક નેતા દલાઈ લામાનું નામ પણ આ વિવાદ સાથે જોડવામાં આવ્યું હતું. રવિવારે, ૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ દલાઈ લામાના કાર્યાલયે આ આક્ષેપો સામે સત્તાવાર નિવેદન જારી કરીને તેને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે.
કાર્યાલયે શું કહ્યું?
દલાઈ લામાના કાર્યાલય દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરવામાં આવેલી પોસ્ટમાં જણાવાયું છે કે, “તાજેતરના મીડિયા અહેવાલો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ દલાઈ લામાને જેફરી એપ્સટિન સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે. અમે સ્પષ્ટપણે પુષ્ટિ કરીએ છીએ કે પરમ પૂજ્ય દલાઈ લામા ક્યારેય જેફરી એપ્સટિનને મળ્યા નથી. એટલું જ નહીં, તેમણે ક્યારેય તેમના વતી કોઈને પણ તેમની સાથે મળવા કે વાત કરવા માટે મોકલ્યા નથી.”
The revered institution of "The Dalai Lama" should not be casually linked with the “Epstein Files” or any other issues, with the motive of damaging the sacred institution.
We shouldn't become the casualties of immoral-lifestyle, hookup-culture and unconventional-relationships. https://t.co/7Bce0RkHPa
— Kiren Rijiju (@KirenRijiju) February 8, 2026
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સોશિયલ મીડિયા પર એપ્સટિન ફાઇલ્સના નામે ખોટી માહિતી અને અટકળોનું બજાર ગરમ છે. કાર્યાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે આ પ્રકારના જોડાણોનો કોઈ આધાર નથી અને તે માત્ર ગેરમાર્ગે દોરનારા દાવાઓ છે.
કિરેન રિજિજુનો મક્કમ બચાવ
દલાઈ લામાના કાર્યાલયના આ નિવેદન બાદ કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ પણ ધર્મગુરુના બચાવમાં આવ્યા છે. તેમણે આ બાબતની આકરી ટીકા કરતા કહ્યું કે પવિત્ર આધ્યાત્મિક સંસ્થાઓને આવી બાબતો સાથે જોડવી જોઈએ નહીં. રિજિજુએ X પર પોસ્ટ કરીને કહ્યું, “પરમ પૂજ્ય દલાઈ લામાને એપ્સટિન ફાઇલ્સ અથવા તેમના ગૌરવને કલંકિત કરવાના હેતુથી અન્ય કોઈપણ વિવાદ સાથે આકસ્મિક રીતે જોડવા જોઈએ નહીં. આપણે પશ્ચિમી દેશોની આવી ખોટી જીવનશૈલી અને અપરંપરાગત સંબંધોની સંસ્કૃતિનો શિકાર ન બનવું જોઈએ.”
૩૦ લાખ દસ્તાવેજોનો વિસ્ફોટ
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DOJ) એ તાજેતરમાં જેફરી એપ્સટિન સંબંધિત લાખો દસ્તાવેજો, હજારો વીડિયો અને છબીઓ જાહેર કરી છે. આ દસ્તાવેજોમાં દલાઈ લામાનું નામ ૧૫૦ થી વધુ વખત હોવાનો દાવો થયો છે. જોકે, વિશ્લેષકોના મતે આ દસ્તાવેજોમાં નામ હોવાનો અર્થ એ નથી કે કોઈ ગુનો થયો છે. મોટાભાગના કિસ્સાઓમાં આ નામો માત્ર તૃતીય પક્ષની વાતચીત, ઈમેલ અથવા જાહેર કાર્યક્રમોના સંદર્ભમાં હોય છે. દલાઈ લામા વિશ્વભરમાં હજારો જાહેર કાર્યક્રમોમાં હાજરી આપે છે, અને ઈમેલમાં કોઈની પણ ચર્ચા હોવી એ વ્યક્તિગત મેળાપનો પુરાવો નથી.
વિવાદ પાછળના રાજકીય હેતુઓ?
દલાઈ લામાના અનુયાયીઓ અને તિબેટીયન કાર્યકર્તાઓનું માનવું છે કે આ પ્રકારના આક્ષેપો તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવાના ઈરાદાથી કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જ્યારે દલાઈ લામા ભારતની ધરતી પરથી અહિંસા અને શાંતિનો સંદેશ ફેલાવી રહ્યા છે, ત્યારે તેમની ગરિમાને કલંકિત કરવા માટે આવી ફાઇલ્સનો સહારો લેવામાં આવી રહ્યો હોવાની શક્યતા નકારી શકાય નહીં.
દલાઈ લામાના કાર્યાલય અને ભારત સરકારના મંત્રીના કડક વલણે સ્પષ્ટ કરી દીધું છે કે કોઈપણ પુરાવા વગરના આક્ષેપોને સ્વીકારવામાં આવશે નહીં. જેફરી એપ્સટિન ફાઇલ્સ ભલે ગમે તેટલી વિવાદાસ્પદ હોય, પણ આધ્યાત્મિક ધર્મગુરુ સાથે તેની મુલાકાત કે સાંઠગાંઠના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.
