ભારતીય સેનિટરીવેર બ્રાન્ડે ગૂગલને કોર્ટમાં હરાવ્યું: ઐતિહાસિક ચુકાદો, હરીફ કંપનીઓ હવે હિન્દવેરના ટ્રેડમાર્ક પર બોલી લગાવી શકશે નહીં
ટેકનોલોજી અને કોર્પોરેટ જગતમાંથી એક ખૂબ જ મોટા અને નવો ચીલો ચાતરતા સમાચાર સામે આવ્યા છે. ભારતીય સેનિટરીવેર ક્ષેત્રની જાણીતી કંપની હિન્દવેર (Hindware Ltd) એ એક લાંબી કાનૂની લડાઈમાં વિશ્વની સૌથી મોટી ટેક કંપની ગૂગલ (Google) ને કોર્ટમાં ધૂળ ચટાવી દીધી છે. દિલ્હી હાઈકોર્ટે હિન્દવેર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા ગૂગલને ટ્રેડમાર્ક ઉલ્લંઘન (Trademark Infringement) માટે જવાબદાર ઠેરવ્યું છે.
અદાલતે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે ગૂગલ પોતાના એડવર્ડ્સ (AdWords) જાહેરાત પ્રોગ્રામમાં હિન્દવેરના રજિસ્ટર્ડ માર્ક ‘HINDWARE’ નો ઉપયોગ કીવર્ડ તરીકે અન્ય હરીફ કંપનીઓને વેચી શકે નહીં. હાઈકોર્ટના જસ્ટિસ મિની પુષ્કર્ણાએ ગૂગલની એ દલીલને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી જેમાં ગૂગલે પોતે માત્ર એક મધ્યસ્થી (Intermediary) હોવાનો દાવો કર્યો હતો અને ‘સેફ-હાર્બર’ (Safe-Harbour) પ્રોટેક્શન હેઠળ બચાવ માંગ્યો હતો. કોર્ટે તમામ મુદ્દાઓ વાદી (હિન્દવેર) ના પક્ષમાં અને પ્રતિવાદી (ગૂગલ) ની વિરુદ્ધમાં નક્કી કર્યા છે.
શું હતો સમગ્ર વિવાદ? વર્ષ ૨૦૧૩-૧૪ થી ચાલતી કાનૂની લડાઈ
આ વિવાદ આજકાલનો નથી, પરંતુ લગભગ એક દાયકા જૂનો છે. હિન્દવેર (તેની પુરોગામી કંપની HSIL દ્વારા) વર્ષ ૨૦૧૩ અને ૨૦૧૪ માં ગૂગલ, ગ્રોહે ઇન્ડિયા (Grohe India), ઓમકારા ઇન્ફોવેબ અને સેરા સેનિટરીવેર (Cera Sanitaryware) સામે બે વ્યાપારી દાવા (Commercial Suits) દાખલ કર્યા હતા.
હિન્દવેરનો મુખ્ય આરોપ એવો હતો કે જ્યારે પણ કોઈ સામાન્ય યુઝર કે ગ્રાહક ગૂગલ સર્ચ એન્જિન પર જઈને ‘HINDWARE’ શબ્દ સર્ચ કરતો હતો, ત્યારે ગૂગલ તેના સર્ચ રિઝલ્ટમાં સૌથી ઉપર હિન્દવેરની હરીફ બ્રાન્ડ્સની લિંક્સ બતાવતું હતું. હિન્દવેરે આક્ષેપ કર્યો હતો કે તેની કટ્ટર હરીફ કંપનીઓ જેવી કે સેરા અને ગ્રોહે, ઓમકારા ઇન્ફોવેબની મદદથી ગૂગલના એડવર્ડ્સ પ્લેટફોર્મ પરથી ‘HINDWARE’ અને ‘HINDWARE SANITARY’ જેવા કીવર્ડ્સ ખરીદી લીધા હતા. આના કારણે જ્યારે પણ ગ્રાહક હિન્દવેર સર્ચ કરે, ત્યારે સ્પોન્સર્ડ લિંક્સ (જાહેરાતો) દ્વારા હરીફ કંપનીઓની વેબસાઈટ પ્રથમ પરિણામ તરીકે દેખાતી હતી. જો કે, ટ્રાયલ દરમિયાન ગ્રોહે, સેરા અને ઓમકારાએ હિન્દવેર સાથે કોર્ટની બહાર સમાધાન (Settlement) કરી લીધું હતું, જેના કારણે આ કેસમાં માત્ર ગૂગલ ઇન્ડિયા અને ગૂગલ એલએલસી (Google LLC) જ મુખ્ય પ્રતિવાદી તરીકે બચ્યા હતા.
હિન્દવેરની કોર્ટમાં ધારદાર દલીલો: ગૂગલ જ ઉલ્લંઘનનું મુખ્ય કેન્દ્ર
અદાલતમાં સુનાવણી દરમિયાન હિન્દવેરે પોતાની બ્રાન્ડની મજબૂતાઈ અને પ્રતિષ્ઠાનો હવાલો આપ્યો હતો. કંપનીએ જણાવ્યું કે દિલ્હી હાઈકોર્ટે અગાઉના કેસોમાં પણ ‘HINDWARE’ ને એક સુપ્રસિદ્ધ અને સ્થાપિત ટ્રેડમાર્ક તરીકે માન્યતા આપેલી છે અને કંપની વર્ષ ૧૯૯૧ થી આ માર્કનો ઉપયોગ કરી રહી છે.
હિન્દવેર તરફથી દલીલ કરવામાં આવી હતી કે ગૂગલ દ્વારા તેમની પરવાનગી વગર હરીફ કંપનીઓને ‘HINDWARE’ શબ્દ કીવર્ડ તરીકે સૂચવવો અને વેચવો એ ટ્રેડમાર્ક એક્ટની કલમ ૨૯(૬) હેઠળ જાહેરાતમાં ગેરકાયદેસર ઉપયોગ સમાન છે. ભલે તે જાહેરાતના લખાણ (AdText) માં સીધેસીધું દ્રશ્યમાન ન થતું હોય, પણ બેકએન્ડમાં તેનો વ્યાપારી ઉપયોગ થઈ રહ્યો છે. હિન્દવેરે ભારપૂર્વક કહ્યું કે ગૂગલ આ આખી સિસ્ટમના કેન્દ્રમાં છે કારણ કે તે કીવર્ડની હરાજી ચલાવે છે, તેના કીવર્ડ પ્લાનર ટૂલ દ્વારા ટ્રેડમાર્કની ચોરી કરવાની સલાહ આપે છે, જાહેરાતોને રેન્ક આપે છે અને જ્યારે પણ કોઈ હરીફ તેના પર બોલી લગાવે છે ત્યારે ગૂગલ તેમાંથી મોટી કમાણી (Revenue) કરે છે. આનાથી સામાન્ય ગ્રાહકોમાં પણ ભ્રમ પેદા થાય છે.
ગૂગલે બચાવમાં શું કહ્યું? કીવર્ડ્સ તો અદ્રશ્ય ટ્રિગર્સ છે
બીજી તરફ, ગૂગલે આ કેસની કાયદેસરતા સામે જ સવાલો ઉઠાવ્યા હતા. ગૂગલે પ્રાદેશિક અધિકારક્ષેત્ર (Territorial Jurisdiction), કેસ દાખલ કરવા માટે બોર્ડની સત્તાનો અભાવ અને જાહેરાતકર્તાઓને કેસમાં પક્ષકાર ન બનાવવા જેવા ટેકનિકલ મુદ્દાઓ ઉઠાવ્યા હતા.
મેરિટ પર દલીલ કરતા ગૂગલે જણાવ્યું હતું કે કીવર્ડ્સ માત્ર અદ્રશ્ય બેકએન્ડ ટ્રિગર્સ (Invisible Backend Triggers) તરીકે કામ કરે છે જે ગ્રાહકોને ક્યારેય દેખાતા નથી; તેથી તેનો ઉપયોગ ટ્રેડમાર્કનું ઉલ્લંઘન ગણી શકાય નહીં. ગૂગલે પલ્લું ઝાટકતા એવું પણ કહ્યું કે કીવર્ડ્સ પસંદ કરવાનું અને એડટેક્સ્ટ બનાવવાનું કામ માત્ર જાહેરાતકર્તાઓ (Advertisers) નું છે. ગૂગલ તો માત્ર જાહેરાત માટે જગ્યા (Advertising Space) પૂરી પાડે છે અને તે પોતાની કોઈ જાહેરાત કે બિઝનેસ પેપરમાં ‘HINDWARE’ શબ્દ પ્રદર્શિત કરતું નથી. ગૂગલે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ (IT Act) ની કલમ ૭૯ નો સહારો લઈને વચગાળાના રક્ષણ (Safe-Harbour) ની માંગ કરી હતી.
હાઈકોર્ટનો ચુકાદો: ગૂગલ માત્ર પેસિવ માધ્યમ નથી, સક્રિય ભાગીદાર છે
જસ્ટિસ મિની પુષ્કર્ણાએ ગૂગલના તમામ બચાવને ફગાવી દેતા એક અત્યંત મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું. કોર્ટે નોંધ્યું કે ગૂગલ એડવર્ડ્સ ઇકોસિસ્ટમમાં સક્રિયપણે સામેલ છે. તે કીવર્ડ્સની હરાજી કરે છે, સર્ચ ટર્મ્સ સૂચવે છે, ક્વોલિટી સ્કોરના આધારે જાહેરાતોને રેન્કિંગ આપે છે અને દરેક ક્લિક પરથી કમાણી કરે છે. આ તમામ કાર્યો સાબિત કરે છે કે ગૂગલ કોઈ નિષ્ક્રિય માધ્યમ (Passive Conduit) નથી પરંતુ અન્યના ટ્રેડમાર્કમાંથી વ્યાપારી નફો મેળવનાર સક્રિય ભાગીદાર (Active Participant) છે. તેથી તે કલમ ૭૯ હેઠળ આશ્રય મેળવી શકે નહીં.
કોર્ટે સ્વીકાર્યું કે ગૂગલ દ્વારા ટ્રેડમાર્ક શબ્દોને કીવર્ડ તરીકે વેચવા એ સ્પષ્ટપણે વ્યાપારી ઉપયોગ (Commercial Use) છે, જેનાથી ગૂગલને સીધો નાણાકીય ફાયદો થાય છે અને આ પ્રમાણિક વ્યાપારિક પ્રથાઓની વિરુદ્ધ છે.
ગૂગલ પર પ્રતિબંધ અને રૂ. ૩૦ લાખનો દંડ
અદાલતે ગૂગલ વિરુદ્ધ મનાઈહુકમ (Restraint Order) જારી કરીને તેને ભવિષ્યમાં ‘HINDWARE’, ‘HINDWARE SANITARYWARE’, ‘HINDWARE SANITARY’ અથવા તેના કોઈ પણ સંયોજનોનો કીવર્ડ તરીકે ઉપયોગ કરવા પર કાયમી પ્રતિબંધ લગાવી દીધો છે. આ ઉપરાંત, કોર્ટે ગૂગલને આગામી ૮ અઠવાડિયાની અંદર બંને કેસોમાં ૧૫-૧૫ લાખ રૂપિયા મળીને કુલ રૂ. ૩૦ લાખનું નામ માત્રનું નુકસાની વળતર (Nominal Damages) હિન્દવેરને ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં ગૂગલ ઇન્ડિયા વતી એડવોકેટ્સ નીલ મેસન, વિહાન ડાંગ, ઉજ્જવલ ભાર્ગવ, આદિત્ય માથુર અને અનુપર્ણા ચેટર્જી હાજર રહ્યા હતા. આ ચુકાદો આવનારા સમયમાં ઓનલાઈન બ્રાન્ડ પ્રોટેક્શન માટે એક મોટો કાનૂની માઈલસ્ટોન સાબિત થશે.

