સરકારી કર્મચારીઓની માંગણીઓનું લિસ્ટ તૈયાર; ફિટમેન્ટ ફેક્ટરથી લઈને OPS સુધી પંચ સમક્ષ રજૂઆત
કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે આગામી સમય આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે. 8મા કેન્દ્રીય પગાર પંચ (8th Pay Commission) સમક્ષ કર્મચારી સંગઠનો દ્વારા પોતાની પડતર માંગણીઓ અને ભલામણો રજૂ કરવાનો ઔપચારિક તબક્કો ૧૫ જૂનના રોજ પૂર્ણ થઈ ગયો છે. હવે કમિશન આ તમામ મેમોરેન્ડમ અને વિગતોનો બારીકાઈથી અભ્યાસ કરીને આગામી ૧0 મહિનામાં સરકારને પોતાનો અંતિમ અહેવાલ સોંપશે. ઓક્ટોબર ૨૦૨૫થી કાર્યરત આ કમિશનની ભલામણો દેશના અંદાજે ૫૫ લાખ કાર્યરત કર્મચારીઓ અને ૬૯ લાખથી વધુ પેન્શનરોના માસિક વેતન, ભથ્થા અને નિવૃત્તિ પછીના નાણાકીય લાભોનું ભવિષ્ય નક્કી કરશે.
દેશના અર્થતંત્ર અને સરકારી વહીવટી માળખામાં કરોડરજ્જુ સમાન ગણાતા કેન્દ્રીય કર્મચારીઓએ 8મા પગાર પંચ સમક્ષ પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે મજબૂત પક્ષ રજૂ કર્યો છે. વધતી જતી મોંઘવારી, બજારનો ફુગાવો અને દૈનિક જીવનનિર્વાહના ખર્ચને ધ્યાનમાં રાખીને કર્મચારી સંગઠનો દ્વારા સબમિટ કરાયેલા મેમોરેન્ડમમાં મુખ્યત્વે ચાર બાબતો પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે.
ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો અને લઘુત્તમ મૂળભૂત પગારનું નવું માળખું
કર્મચારીઓની સૌથી મોટી અને પ્રાથમિક માંગ ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor) વધારવાની છે. ફિટમેન્ટ ફેક્ટર એ એક એવો આર્થિક ગુણક છે જેનો ઉપયોગ જૂના પગાર ધોરણમાંથી નવા પગાર ધોરણમાં પ્રવેશતી વખતે મૂળભૂત પગાર (Basic Pay) નક્કી કરવા માટે થાય છે. હાલમાં બજારના નિષ્ણાતો એવું અનુમાન લગાવી રહ્યા છે કે સરકાર ફિટમેન્ટ ફેક્ટર ૨.૫ થી વધુ નક્કી કરી શકે છે. જોકે, કર્મચારી સંગઠનો આ આંકડાથી સંતુષ્ટ નથી અને તેમણે તેને વધારીને ૩.૧૫ સુધી લઈ જવાની આગ્રહભરી માંગ કરી છે. જો આ માંગ સ્વીકારવામાં આવે, તો કર્મચારીઓના લઘુત્તમ મૂળભૂત પગારમાં બહુ મોટો અને ઐતિહાસિક ઉછાળો જોવા મળી શકે છે.
જૂની પેન્શન યોજના (OPS) ની પુનઃસ્થાપના માટે દબાણ
બીજી સૌથી મહત્વની અને સંવેદનશીલ માંગ જૂની પેન્શન યોજના (Old Pension Scheme) ને ફરીથી દેશભરમાં લાગુ કરવાની છે. કર્મચારીઓ લાંબા સમયથી વર્તમાન રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS) નો વિરોધ કરી રહ્યા છે અને નિવૃત્તિ પછી સામાજિક તેમજ આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઓપીએસ (OPS) ની પુનઃસ્થાપના ઈચ્છી રહ્યા છે. આ ઉપરાંત, કર્મચારીઓએ હાઉસ રેન્ટ અલાઉન્સ (HRA), જોખમ ભથ્થું, વાર્ષિક બોનસ, રજાના બદલામાં મળતા નાણાકીય લાભો અને ગ્રેચ્યુઈટી સહિતના નિવૃત્તિ ભથ્થાઓમાં આજના સમયને અનુરૂપ સુધારા કરવાની રજૂઆત કરી છે.
વર્તમાન ડીએ (DA) અને આગામી સુધારાની સ્થિતિ
નોંધનીય છે કે કેન્દ્ર સરકારે જાન્યુઆરી ૨૦૨૬ માં મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) માં ૨ ટકાનો વધારો કર્યો હતો, જેના કારણે કર્મચારીઓનો કુલ ડીએ દર ૬૦ ટકા પર પહોંચી ગયો છે. સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થાની સમીક્ષા કરે છે. હવે, જુલાઈ ૨૦૨૬ થી અમલમાં આવનાર આગામી મોંઘવારી ભથ્થાની જાહેરાત સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવશે. આ વધારાનો આધાર મે અને જૂન ૨૦૨૬ ના ‘ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રિયલ વર્કર્સ’ (AICPI-IW) ના સત્તાવાર ડેટા પર રહેશે.
દેશભરમાં પંચની બેઠકો અને આગામી રોડમેપ
8મા પગાર પંચે કર્મચારીઓની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે દેશના વિવિધ ભાગોમાં પરામર્શ બેઠકો શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં દિલ્હી, લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, હૈદરાબાદ, તેલંગાણા અને મહારાષ્ટ્ર જેવા મહત્વના વિસ્તારોમાં સ્થાનિક પ્રતિનિધિઓ સાથે ચર્ચા પૂર્ણ થઈ છે. ઉત્તરાખંડમાં પણ પ્રથમ ઔપચારિક ચર્ચા હકારાત્મક રહી છે. હવે કમિશન પોતાની કામગીરીને વધુ વેગ આપવા માટે જુલાઈ મહિના દરમિયાન લખનૌ, ભુવનેશ્વર અને કોલકાતા જેવા પ્રમુખ શહેરોની મુલાકાત લેશે.
સમગ્ર કર્મચારી આલમમાં અત્યારે આશાનો માહોલ છે કે પંચ તેમની વાજબી માંગણીઓ સ્વીકારીને આર્થિક સદ્ધરતા અપાવશે, જો કે આખરી નિર્ણય તો સરકાર દ્વારા મંજૂર કરાનારા આખરી બજેટ અને નાણાકીય જોગવાઈઓ પર જ નિર્ભર રહેશે.