એઇમ્સ રાજકોટના તજજ્ઞો દ્વારા નિઃશુલ્ક સારવાર અને દવાઓ સાથે દેવભૂમિ દ્વારકામાં આરોગ્ય મહાઅભિયાન
દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકોને ઘરઆંગણે અત્યાધુનિક અને નિષ્ણાંત તબીબી સારવાર મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ એઇમ્સ (AIIMS) દ્વારા સંયુક્ત રીતે મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ખંભાળિયાની જનરલ હોસ્પિટલ ખાતે ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ યોજાનાર આ કેમ્પના સુચારૂ સંચાલન માટે જિલ્લા પંચાયત ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.
નિષ્ણાંત તબીબો અને નિઃશુલ્ક દવાઓ
રાજ્યસભા સાંસદ અને એઇમ્સ ડિરેક્ટર શ્રી કેસરીદેવસિંહ ઝાલાએ કેમ્પની વિગતો આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘સ્વસ્થ ભારત’ ના વિઝનને સાકાર કરવા આ કેમ્પ યોજાઈ રહ્યો છે.
-
તજજ્ઞોની સેવા: એઇમ્સ રાજકોટના અંદાજે ૧૫ જેટલા વિવિધ વિભાગોના સુપર-સ્પેશિયાલિસ્ટ તબીબો આ કેમ્પમાં ઉપસ્થિત રહેશે.
-
મફત સારવાર: કેમ્પમાં આવતા દર્દીઓને નિદાન અને સલાહની સાથે જરૂરી દવાઓ પણ તદ્દન નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે.
-
સમય અને સ્થળ: તા. ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬, સવારે ૮:૩૦ કલાકથી, જનરલ હોસ્પિટલ, ખંભાળિયા.
વહીવટી તંત્ર અને પદાધિકારીઓનું સંકલન
આ મેગા કેમ્પને સફળ બનાવવા માટે સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય મુળુભાઇ બેરાએ પણ વહીવટી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર, રેડક્રોસ સોસાયટી અને લાયન્સ ક્લબ જેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. અધિકારીઓએ ખાતરી આપી હતી કે જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાંથી આવતા દર્દીઓને કોઈ અગવડ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
સાંસદશ્રીએ જિલ્લાના તમામ નાગરિકોને આ સુવર્ણ તકનો લાભ લેવા અને ‘પહેલું સુખ તે જાતે નર્યા’ ના મંત્રને સાર્થક કરવા અનુરોધ કર્યો હતો.
