૨.૫ લાખ લિટરની ઊંચી ટાંકી સહિત આધુનિક સુવિધાઓ સાથે દેવગામ-માયાપાદર-સારંગપુરને મળશે શુદ્ધ પાણી
અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના દેવગામ ખાતે પાણી પુરવઠા વિભાગ દ્વારા અંદાજે ₹૭૮ લાખના ખર્ચે સાકાર થનારા વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત રાજ્યના ઊર્જા અને કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ‘જલ જીવન મિશન’ હેઠળ છેવાડાના માનવી સુધી શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી પહોંચાડવા માટે કટિબદ્ધ છે.
આધુનિક જળ સંગ્રહ અને વિતરણ વ્યવસ્થાનું નિર્માણ
આ વિકાસકાર્યો અંતર્ગત દેવગામમાં પાણીની સંગ્રહ ક્ષમતા વધારવા માટે ૨.૫ લાખ લિટરની ઊંચી ટાંકી અને ૫ લાખ લિટરની ક્ષમતા ધરાવતા વિશાળ સંપનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત, આધુનિક પંપ હાઉસ, ક્લોરીન રૂમ, કમ્પાઉન્ડ વોલ અને નવીન મશીનરી જેવી પાયાની સુવિધાઓ પણ આ પ્રોજેક્ટમાં આવરી લેવામાં આવી છે. મંત્રીશ્રીએ કોન્ટ્રાક્ટરને આ તમામ કામો ઉચ્ચ ગુણવત્તા સાથે અને નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા કડક સૂચના આપી હતી.
ત્રણ ગામોને સીધો લાભ અને ૭૧ ગામોની જૂથ યોજનામાં સુધારો
આ યોજના પૂર્ણ થવાથી દેવગામ, માયાપાદર અને સારંગપુર ગામના રહીશોને નિયમિત અને શુદ્ધ પાણી પુરવઠાનો સીધો લાભ મળશે. નોંધનીય છે કે, જંગર ગૃપ ઓગમેન્ટેશન હેઠળ આવતા કુલ ૭૧ ગામોમાં પણ જૂથ પાણી પુરવઠા સુધારણા યોજનાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ, સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી વિકાસના આ કાર્યોને વધાવ્યા હતા.
