યુદ્ધવિરામના દિવસે અમેરિકાએ પાકિસ્તાનનું અપમાન કર્યું, અને ઈરાને દાવો કર્યો કે શરતોનું ઉલ્લંઘન થયું છે
વિશ્વ જ્યારે આશા રાખી રહ્યું હતું કે શાંતિનો સૂરજ લઈને આવશે, ત્યારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના કથિત યુદ્ધવિરામ કરાર પર ગંભીર સવાલો ઉભા થયા છે. આ વિવાદના કેન્દ્રમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની એક સોશિયલ મીડિયા પોસ્ટ છે, જેને વ્હાઇટ હાઉસે સદંતર નકારી કાઢી છે.
શાહબાઝ શરીફના દાવા પર અમેરિકાનો પ્રહાર
પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે દાવો કર્યો હતો કે તેમની મધ્યસ્થીથી થયેલા આ કરારમાં ઈરાન, અમેરિકા અને ‘લેબનોન’ સહિતના દેશો સામેલ છે. જોકે, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે લેબનોન ક્યારેય આ બે અઠવાડિયાના યુદ્ધવિરામનો ભાગ નહોતું. અમેરિકાના આ નિવેદને આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની ભારે ફજેતી કરી છે અને તેને “રાજદ્વારી અપમાન” તરીકે જોવામાં આવી રહ્યું છે.
ઈરાનનો વળતો પ્રહાર અને હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી
યુદ્ધવિરામની જાહેરાત છતાં ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહ પર હુમલા ચાલુ રાખતા ઈરાન ભડક્યું છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ શાહબાઝ શરીફની પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કરીને અમેરિકાને સવાલ કર્યો છે કે, જો લેબનોન કરારમાં નથી તો પછી આ શાંતિનો અર્થ શું છે? વિરોધ પ્રદર્શન રૂપે ઈરાને ફરી એકવાર હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું છે, જેનાથી વૈશ્વિક તેલ પુરવઠા પર જોખમ ઉભું થયું છે.
દસમાંથી ત્રણ શરતોનું ઉલ્લંઘન: ગાલિબાફ
ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાકર ગાલિબાફે ગંભીર આરોપ લગાવ્યો છે કે વાટાઘાટો ટેબલ પર પહોંચે તે પહેલા જ અમેરિકાએ ૩ મહત્વની શરતો તોડી નાખી છે:
-
લેબનોનમાં યુદ્ધવિરામ: જેનો ઉલ્લેખ ૧૦ મુદ્દાના પ્રસ્તાવમાં હતો, તેનો ઇઝરાયલે સ્વીકાર કર્યો નથી.
-
ઈરાન પર ડ્રોન હુમલા: યુદ્ધવિરામ દરમિયાન જ ઈરાનની સરહદમાં ડ્રોન ઘૂસાડવાનો પ્રયાસ થયો હોવાનો દાવો.
-
યુરેનિયમ અધિકાર: અમેરિકાએ ઈરાનના યુરેનિયમ સમૃદ્ધિના અધિકારને માન્યતા આપવાનો ઈનકાર કર્યો છે.
શું પાકિસ્તાને રમત રમી?
હવે આંતરરાષ્ટ્રીય વિશ્લેષકો પૂછી રહ્યા છે કે શું પાકિસ્તાને માત્ર પોતાની છબી સુધારવા માટે ઈરાનને ખોટા વાયદા કર્યા હતા? ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂએ પણ સ્પષ્ટ કર્યું છે કે ઈરાન સાથેના કરારનો અર્થ એ નથી કે લેબનોનમાં હુમલા અટકી જશે. આ અસ્પષ્ટતાએ હવે શાંતિ વાટાઘાટોને જોખમમાં મૂકી દીધી છે.
આ સવાર શાંતિને બદલે પરસ્પર અવિશ્વાસનો સંદેશ લઈને આવી છે. જો જે.ડી. વાન્સની આગામી પાકિસ્તાન મુલાકાત દરમિયાન આ ગેરસમજ દૂર નહીં થાય, તો મધ્ય પૂર્વમાં ફરી એકવાર ભયાનક યુદ્ધ ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે.

