IPL 2026 પહેલા દિનેશ કાર્તિક ફરી એકવાર પિતા બન્યા, સોશિયલ મીડિયા પર દીકરીના નામનો કર્યો ખુલાસો
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટાર વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક અને જાણીતી સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લીકલના ઘરે ખુશીઓએ દસ્તક આપી છે. આ સ્ટાર કપલ ત્રીજી વખત માતા-પિતા બન્યું છે. દિનેશ કાર્તિકે 19 માર્ચના રોજ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ચાહકો સાથે આ ખુશખબર શેર કર્યા છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ હાલમાં કોમેન્ટ્રીમાં વ્યસ્ત કાર્તિક આ નવા મહેમાનના આગમનથી ખૂબ જ ઉત્સાહિત છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા વર્ષ 2021માં દીપિકાએ જોડકા બાળકોને જન્મ આપ્યો હતો. હવે તેમના પરિવારમાં એક નાની પરીનું આગમન થયું છે, જેના કારણે કાર્તિક અને દીપિકાના જીવનમાં ખુશીઓ બમણી થઈ ગઈ છે.
દીકરીનું નામ રાખ્યું ‘રાહા’, સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ
દિનેશ કાર્તિકે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરતા પોતાની દીકરીના નામનો પણ ખુલાસો કર્યો છે. તેણે લખ્યું કે, “હૃદયમાં અપાર ખુશી અને અસીમ કૃતજ્ઞતા સાથે, અમે અમારી અમૂલ્ય દીકરીનું આ દુનિયામાં સ્વાગત કરીએ છીએ. કબીર અને ઝિયાન પોતાની નાની બહેન ‘રાહા પલ્લીકલ કાર્તિક’ ને દુનિયા સાથે પરિચય કરાવીને ખૂબ જ ખુશ છે. ખૂબ બધો પ્રેમ – દીપિકા અને દિનેશ.”
દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લીકલે વર્ષ 2015માં હિન્દુ અને ખ્રિસ્તી બંને રીતિ-રિવાજો મુજબ લગ્ન કર્યા હતા. રમતગમતની દુનિયાના આ લોકપ્રિય કપલને સોશિયલ મીડિયા પર ચાહકો અને સાથી ખેલાડીઓ તરફથી અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.
View this post on Instagram
રમતગમત ક્ષેત્રે બંનેનું શાનદાર યોગદાન
દિનેશ કાર્તિકના કરિયરની વાત કરીએ તો, તેણે ભારત માટે 26 ટેસ્ટ મેચમાં 1025 રન, 94 વનડેમાં 1752 રન અને 60 ટી-20 મેચમાં 686 રન બનાવ્યા છે. વર્ષ 2004માં ડેબ્યૂ કરનાર કાર્તિક લગભગ 18 વર્ષ સુધી ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલો રહ્યો હતો. આ દરમિયાન તે ઘણી વખત ટીમની અંદર-બહાર થયો, પરંતુ તેણે હંમેશા લડાયક મિજાજ બતાવ્યો હતો.
બીજી તરફ, દીપિકા પલ્લીકલ ભારતની સૌથી સફળ સ્ક્વોશ ખેલાડીઓમાંથી એક છે. તે વિશ્વના ટોપ-10 રેન્કિંગમાં સ્થાન મેળવનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની હતી. પદ્મશ્રીથી સન્માનિત દીપિકાએ કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં અનેક મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. તેણે છેલ્લે ઓક્ટોબર 2023માં એશિયન ગેમ્સમાં મિશ્રિત યુગલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
