ગાંધીનગર સેક્ટર 7માં 28 હજાર ચોરસ મીટરમાં 140 કરોડના ખર્ચે ધારાસભ્યો માટે નવા અત્યાધુનિક આવાસો બનાવવામાં આવશે. 9 માળના 12 ટાવર ઉભા કરવામાં આવશે. એક ક્વાર્ટર 216 સ્ક્વેર બિલ્ટઅપ એરિયામાં બનાવવામાં આવશે. ગાંધીનગર સેક્ટર-7માં નિર્માણ પામી રહેલા નવા એમએલએ ક્વાર્ટસની મેમ્બર હાઉસિંગ કમિટીએ બેઠક યોજી હતી. માર્ગ પરિવહન મંત્રી પૂર્ણેશ મોદીએ ધારાસભ્યો માટે 28 હજાર ચોરસ મીટરમાં રૂ. 140 કરોડના ખર્ચે નવા અત્યાધુનિક આવાસના નિર્માણ માટેની સભ્ય આવાસ સમિતિની માંગણીને મંજૂરી આપી હતી.
ધારાસભ્યો માટે બનાવવામાં આવી રહેલા નવા ફ્લેટમાં 4 બેડરૂમ સહિત 9 રૂમ હશે. જેમાં રીડીંગ રૂમ, હોલ, કિચન, ડ્રાયીંગ હોલ, ડ્રાઈવર રૂમ સહિત અન્ય અત્યાધુનિક સુવિધાઓ હશે. જેમાં બે લેન્ડ સ્કેપ ગાર્ડન, પ્લે એરિયા, એક ઓડિટોરિયમ, હેલ્થ ક્લબ અને કેન્ટીનની સુવિધા આપવામાં આવશે. આ સિવાય દરેક બિલ્ડિંગમાં બે લિફ્ટની સુવિધા હશે. આ સિવાય એન્ટ્રી-એક્ઝિટ માટે ચાર ગેટ હશે. પાટનગર ગાંધીનગરની સ્થાપના બાદ માર્ગ-મકાન વિભાગ દ્વારા ધારાસભ્ય અને સરકારી કર્મચારીઓ માટે અલગ-અલગ કેટેગરી પ્રમાણે સરકારી ક્વાર્ટર્સ બનાવવામાં આવ્યા હતા. તાજેતરના જૂના ક્વાર્ટ્સમાં 50 વર્ષ જૂના 4 બ્લોક જર્જરિત હાલતમાં છે. રહેવા યોગ્ય ન હોવાના કારણે તેઓને તોડીને નવા એમએલએ ક્વાર્ટસ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.