જયંતી ભાનુશાળી હત્યાકેસનો મુખ્ય આરોપી અને કચ્છ ભાજપમાં પણ મોટુ માથુ મનાતો છબીલ પટેલ વિદેશ ફરાર થઇ ગયો હોવાનું પોલીસે જાહેર કર્યુ છે, પણ સોશિયલ મીડિયામાં તો છબીલ હજુ પણ સક્રિય હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
છબીલભાઇ ફેન ક્લબ નામના વોટ્સ એપ ગ્રુપમાં નખત્રાણા તાલુકા યુવા ભાજપના મહામંત્રી હિરેન ભટ્ટને તેણે બુધવારે બર્થ ડે પણ વીશ કરી હતી. એટલુ જ નહી, કચ્છના ચોક્કસ બે-ત્રણ વ્યક્તિઓની સાથે તે આજે પણ ટેલિફોનિક સંપર્કમાં હોવાની પણ વાત ચર્ચાઇ રહી છે.
રાજ્યભરમાં ચકચારી જયંતી ભાનુશાળી હત્યાકેસમાં પોલીસે જેને મુખ્ય આરોપી જાહેર કર્યો છે અને ભાજપે પણ સસ્પેન્ડ કરી દીધો છે એ વિદેશ ભાગી છૂટેલો છબીલ પટેલ પોતાના પેટનું પાણી પણ ન હલ્યુ હોય એમ બિન્ધાસ્ત રીતે સોશિયલ મીડિયા પર હજુ સક્રિય છે. છબીલભાઇ ફેન ક્લબ નામના જે વોટ્સએપ ગ્રુપમાં તેણે બુધવારે બર્થ ડે વીશ કરતી પોસ્ટ મુકી હતી, એ જ વોટ્સએપ ગૃપમાં ભાજપના અન્ય રાજકારણી નરેશ મહેશ્વરી પણ સભ્ય છે.
એટલુ જ નહી, નખત્રાણામાં રહી ગયેલા એલઆઇબીના એક પીએસઆઇ દિલીપસિંહ પરમાર અને પીએસઆઇ એલ.પી.બોડાણા પણ આ છબીલભાઇ ફેન કલબ ગ્રુપના આજે પણ સભ્ય છે. એક બાજુ અબડાસાનામાજી ધારાસભ્ય જયંતી ભાનુશાળીની કરપીણ હત્યામાં મુખ્ય આરોપી તરીકે માજી ધારાસભ્ય એવા છબીલ પટેલનું નામ ખૂલ્યું છે અને ભાજપે તેને પક્ષમાંથી સસ્પેન્ડ પણ કરી દીધો છે ત્યારે ભાજપના અનેક નેતાઓ અને છબીલના શુભચિંતકો તેની સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી ચેટિંગ કરી રહ્યા છે. પોલીસને હજુ છબીલ વિદેશ ભાગી ગયો હોવાની જ માહિતી મળી છે અને એટલાથી જ એ સંતુષ્ટ હોય એવુ ચિત્ર ઉપસ્યુ છે.
નખત્રાણા તાલુકા યુવા ભાજપના મહામંત્રી હિરેન ભટ્ટનો બુધવારે જન્મદિવસ હતો, છબીલભાઇ ફેનક્લબ વ્હોટસએપ ગ્રુપમાં છબીલ પટેલે મને બર્થડે વિશ કર્યું હોવાની વાતને હિરેન ભટ્ટે સમર્થન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જયંતી ભાનુશાળી હત્યા કેસમાં મુખ્ય આરોપી તરીકે છબીલનું નામ બહાર આવ્યા પછી ભાજપે તેને પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કર્યો હતો.