ગાંધીનગર- કેન્દ્રની સૂચના પછી ગુજરાત સરકારે પોલીસને એવા આદેશ આપ્યાં છે કે લોકડાઉનના સમયમાં બિનજરૂરી બહાર નિકળતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરો. પોલીસે હવે માર્ગો પર વારંવાર દેખાતા વાહનોને સોફ્ટવેરની મદદથી શોધવાનું શરૂ કર્યું છે અને ગુના દાખલ કરવાની તૈયારી કરી છે.
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ કહ્યું છે કે દિલ્હીના નિઝામુદ્દીન મરકઝથી ગુજરાતમાં આવેલા 110 વ્યક્તિને શોધી કાઢવામાં આવ્યા છે. આજે ઓળખ થયેલા સાત વ્યક્તિ નવસારીના હતા. લોકડાઉન બાદ મરકઝથી ગુજરાતમાં આવેલા 10 વ્યક્તિ સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે.
એક જ દિવસમાં પોલીસે આજે રાજ્યમાં 2724 વ્યક્તિની ધરપકડ કરી છે અને તે સાથે 8142 વાહનો જપ્ત કર્યા છે. કલસ્ટર સ્વોરેન્ટાઇન કરાયેલા વિસ્તારોમાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ વડાએ ગુજરાતની જનતાનો સહયોગ માગ્યો છે.
શિવાનંદ ઝાએ ‘ઘરે રહો, સુરક્ષિત રહો, સ્વસ્થ રહો અને જવાબદાર રહો’ની અપીલ કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં લોકડાઉનની ચુસ્ત અમલવારી માટે હવે પોલીસ દ્વારા ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરાશે. વાહનોના નંબર પ્લેટને આધારે રસ્તા ઉપર વારંવાર ફરતા દેખાતા નાગરિકોને શોધી કાઢવા માટે ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નાઇઝેશન સોફ્ટવેરની મદદ લેવામાં આવશે. એટલે કે રસ્તા ઉપર ફરતા વાહનોનું એનાલિસીસ કરીને એક જ નંબર ધરાવતા વાહનની રૂટ હિસ્ટ્રી તપાસી બિનજરૂરી ફરતા વાહનચાલકોની યાદી તૈયાર કરી તે તમામ સામે ગુનો દાખલ કરવા સુધીની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
તેમણે કહ્યું કે આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા કેટલાક લોકો તેમને મળેલી પાસ-પરમીટનો દુરુપયોગ કરતા હોવાનું પણ ધ્યાને આવ્યું છે. લોકડાઉનની સ્થિતિમાં કેટલીક વ્યક્તિઓ આ વાહનમાં લોકોને બેસાડીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ રહ્યાં હોવાની મળેલી ગંભીર વિગતોને આધારે આ વાહન ચાલકો સામે પણ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એટલું જ નહીં ડ્રોન મારફતે પણ આ વાહનો ઉપર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. રાજ્યમાં 114 ડ્રોન અને હજારો સીસીટીવી કેમેરાના માધ્યમથી પોલીસ સમગ્ર હિલચાલ પર બારીકાઈથી નજર રાખી રહી છે.
શિવાનંદ ઝા એ કહ્યું કે દિલ્હીના નિઝામુદ્દીન મરકઝથી ગુજરાતમાં આવેલા વ્યક્તિઓ પૈકી ગઈકાલ સુધી ગુજરાતમાં 103 નાગરિકો પકડાયા હતા. તે પૈકી એકનું મૃત્યુ અને એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજે અન્ય સાત વ્યક્તિઓને ઓળખી લેવામાં આવ્યા છે જે તમામ સાત વ્યક્તિઓ નવસારીના છે. એટલે કે કુલ 110 વ્યક્તિઓને પોલીસે શોધી કાઢ્યા છે જે તમામને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.