“મને લાગ્યું હું ડોક્ટર છું”: ઇસા મસીહ જેવી AI તસવીર પર ટ્રમ્પની વિચિત્ર સફાઈ, વિવાદ બાદ પોસ્ટ ડિલીટ કરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાયા છે. આ વખતે વિવાદ કોઈ રાજકીય નિવેદન કે નીતિને કારણે નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી એક તસવીરને કારણે થયો છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ (Truth Social) પર પોતાની જાતને ઈસુ ખ્રિસ્ત (Jesus Christ) જેવા બતાવતી એક AI જનરેટેડ તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીર વાયરલ થતા જ ધાર્મિક લાગણી દુભાવા બદલ તેમની ભારે ટીકા થઈ રહી છે.
શું હતું એ તસવીરમાં?
રવિવારે રાત્રે પોસ્ટ કરવામાં આવેલી આ તસવીરમાં ટ્રમ્પ લાલ અને સફેદ રંગના વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા હતા. તસવીરમાં તેઓ એક બીમાર વ્યક્તિના માથા પર હાથ મૂકીને તેને આશીર્વાદ આપી રહ્યા હોય તેવું દ્રશ્ય હતું. સૌથી વધુ ચોંકાવનારી વાત એ હતી કે, તેમના હાથ અને માથામાંથી એક દૈવી પ્રકાશ નીકળતો બતાવવામાં આવ્યો હતો, જે સામાન્ય રીતે ધાર્મિક ચિત્રોમાં ભગવાન અથવા પ્રબોધકો માટે વપરાય છે. બેકગ્રાઉન્ડમાં અમેરિકન ધ્વજ લહેરાતો હતો અને આસપાસના લોકો તેમને શ્રદ્ધાપૂર્વક નિહાળી રહ્યા હતા.
ચારેબાજુથી ઘેરાયા બાદ તસવીર હટાવી
આ તસવીર પોસ્ટ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. માત્ર વિરોધ પક્ષ જ નહીં, પરંતુ ટ્રમ્પના સમર્થક ગણાતા રૂઢિચુસ્ત ખ્રિસ્તી જૂથોએ પણ આને ‘ઈશનિંદા’ ગણાવી હતી. ધાર્મિક નેતાઓએ આક્ષેપ કર્યો કે ટ્રમ્પ પોતાની સરખામણી ઈશ્વર સાથે કરીને ખ્રિસ્તી ધર્મનું અપમાન કરી રહ્યા છે. દબાણ વધતા સોમવારે સવારે ટ્રમ્પે આ વિવાદાસ્પદ તસવીર ડિલીટ કરી નાખી હતી.
ટ્રમ્પની વિચિત્ર સફાઈ: “હું તો ડોક્ટર બનીને સેવા કરવા માંગતો હતો”
જ્યારે મીડિયા દ્વારા આ તસવીર અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે ટ્રમ્પે જે ખુલાસો આપ્યો તે વધુ ચર્ચાનો વિષય બન્યો છે. તેમણે કહ્યું કે, “મેં જ્યારે આ ફોટો જોયો, ત્યારે મને લાગ્યું કે તેમાં હું એક ડોક્ટરના રૂપમાં છું અને મારે રેડ ક્રોસ માટે કામ કરવાનું છે. મને એમ લાગ્યું કે હું લોકોની બીમારી દૂર કરી રહ્યો છું. હું લોકોને સાજા કરું પણ છું, હું લોકોની જિંદગીને બહેતર બનાવું છું.”
ટ્રમ્પે એવો તર્ક આપ્યો કે તેમનો ઈરાદો પોતાને જીસસ ક્રાઈસ્ટ તરીકે રજૂ કરવાનો નહોતો, પરંતુ એક એવા વ્યક્તિ તરીકે બતાવવાનો હતો જે સમાજની સેવા કરે છે. જોકે, દૈવી પ્રકાશ અને પોશાકને જોતા લોકો તેમની આ સફાઈને સ્વીકારવા તૈયાર નથી.
ધાર્મિક નેતાઓ અને પત્રકારોનો રોષ
કન્ઝર્વેટિવ પત્રકાર મેગન બાશન (Megan Basham) સહિત અનેક લોકોએ એક્સ (X) પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ટ્રમ્પનું આ કૃત્ય અત્યંત વાંધાજનક છે અને તેમણે આ માટે માફી માંગવી જોઈએ. ખ્રિસ્તી સમુદાયના ઘણા લોકોનું માનવું છે કે રાજકીય ફાયદા માટે ધાર્મિક પ્રતીકોનો આવો ઉપયોગ અસ્વીકાર્ય છે.
ધાર્મિક પ્રતીકો સાથે ટ્રમ્પનો જૂનો નાતો
આ પહેલીવાર નથી જ્યારે ટ્રમ્પે પોતાની સરખામણી ધાર્મિક પાત્રો સાથે કરી હોય અથવા ધર્મનો સહારો લીધો હોય.
- 2023માં બેંક ફ્રોડ ટ્રાયલ દરમિયાન: તેમણે એક સ્કેચ શેર કર્યો હતો જેમાં તેઓ કોર્ટમાં ઈસુ ખ્રિસ્તની બાજુમાં બેઠેલા જોવા મળ્યા હતા.
- મસીહા તરીકે રજૂઆત: તેમના આધ્યાત્મિક સલાહકાર પાઉલા વ્હાઈટ-કેને પણ અગાઉ ટ્રમ્પની સરખામણી ઈસુ સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે જે રીતે ઈસુની ધરપકડ થઈ હતી અને તેમના પર ખોટા આરોપો લાગ્યા હતા, તે જ રીતે ટ્રમ્પને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

