Video: સુવિધાઓ તો મળી ગઈ, પણ શિષ્ટાચાર ક્યાં? વંદે ભારત સ્લીપરની બદહાલી આપણી સામાજિક જવાબદારી પર મોટું પ્રશ્નાર્થચિહ્ન.
વંદે ભારત સ્લીપર ટ્રેનનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ મુસાફરોની માનસિકતા પર સવાલો ઉઠાવી રહ્યા છે. ઘણા લોકોનું તો કહેવું છે કે, આપણી પાસે ગમે તેટલી હાઈ-ક્લાસ ટ્રેન કેમ ન આવી જાય, પરંતુ આપણી વિચારધારા તો હજુ પણ નીચી જ રહેશે.
વંદે ભારત સ્લીપર એક્સપ્રેસનું ઉદઘાટન ભારતીય રેલવે માટે એક મોટી સફળતા માનવામાં આવે છે. આ ટ્રેન આધુનિક ટેકનોલોજી, શ્રેષ્ઠ સુવિધા અને ઝડપી મુસાફરીના પ્રતીક તરીકે સામે આવી હતી. પરંતુ, તેની પ્રથમ સફરમાં જ આ ઐતિહાસિક પહેલ એક અલગ જ કારણસર ચર્ચામાં આવી ગઈ. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ લોકોનું ધ્યાન એ સમસ્યા તરફ ખેંચ્યું છે, જે વર્ષોથી જાહેર સ્થળો સાથે જોડાયેલી છે અને તે સ્પષ્ટપણે દર્શાવે છે કે આજે પણ લોકોમાં શિસ્તનો અભાવ છે.
શનિવારે હાવડાથી ગુવાહાટી માટે રવાના થયેલી વંદે ભારત સ્લીપર એક્સપ્રેસના પહેલા જ દિવસે એક મુસાફર દ્વારા રેકોર્ડ કરવામાં આવેલો વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી ફેલાઈ ગયો. આ વીડિયો માલદા નજીકનો હોવાનું કહેવાય છે, જેમાં ટ્રેનના એક કોચની અંદર પ્લાસ્ટિકના પેકેટ, ડિસ્પોઝેબલ ચમચી, એઠવાડ અને અન્ય કચરો ફ્લોર પર વેરવિખેર જોવા મળે છે. આ દૃશ્યો એ જ ટ્રેનમાં જોવા મળ્યા જેને થોડા કલાકો પહેલા જ ભવ્ય સમારોહ સાથે રવાના કરવામાં આવી હતી.
લોકોએ મુસાફરોની વિચારધારા પર ઉઠાવ્યા સવાલ
વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શેર કરતા લખવામાં આવ્યું કે, “વંદે ભારત સ્લીપર ટ્રેનના ઉદઘાટનના થોડા જ કલાકોમાં લોકો કચરો ફેલાવવા લાગ્યા. જરા સિવિક સેન્સ (નાગરિક સમજ) તો જુઓ.” જોતજોતામાં આ વીડિયો હજારો લોકો સુધી પહોંચી ગયો અને પ્રતિક્રિયાઓનો પૂર આવ્યો. ઘણા યુઝર્સે નારાજગી વ્યક્ત કરી અને સવાલ ઉઠાવ્યો કે જો મુસાફરો જ જાહેર સંપત્તિનું સન્માન નહીં કરે તો અત્યાધુનિક સુવિધાઓ પણ કેવી રીતે ટકી શકશે?
🚨People litter on vande bharat Sleeper train within hours of its inaugural run.
Just see the civic sense pic.twitter.com/cCcvbJJWoL
— Indian Infra Report (@Indianinfoguide) January 18, 2026
ઓનલાઈન વિવાદ વધ્યા બાદ ભારતીય રેલવેએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. એક વરિષ્ઠ રેલવે અધિકારીએ જણાવ્યું કે, રેલવે દેશની જાહેર મિલકત છે અને તેની સ્વચ્છતા જાળવવી દરેક નાગરિકની જવાબદારી છે. અધિકારીએ એ પણ જણાવ્યું કે વંદે ભારત ટ્રેનોમાં વિશેષ ઓન-બોર્ડ હાઉસકીપિંગ સ્ટાફ તૈનાત હોય છે, જે જરૂર પડ્યે તરત જ સફાઈનું કામ કરે છે. તેમ છતાં, મુસાફરોનો સહકાર સૌથી વધુ જરૂરી છે.
એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, “જ્યાં સુધી લોકોમાં જાહેર સ્થળો પ્રત્યે જવાબદારીની ભાવના નહીં આવે, ત્યાં સુધી ટ્રેન હોય, એરપોર્ટ હોય કે રસ્તા — બધું જ ખરાબ થતું રહેશે. સિવિક સેન્સ એ સામાન્ય સમજ છે અને તે બાળપણથી જ શીખવવી જોઈએ, અન્યથા આ સમસ્યા પેઢી દર પેઢી ચાલતી રહેશે.”
વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ વિશે
ઉલ્લેખનીય છે કે, વંદે ભારત સ્લીપર એક્સપ્રેસને લાંબા અંતરની રાત્રિ મુસાફરી માટે એક મોટી સુવિધા તરીકે રજૂ કરવામાં આવી છે. આ વંદે ભારત શ્રેણીની પ્રથમ સ્લીપર ટ્રેન છે, જે હાવડા અને કામાખ્યા (ગુવાહાટી) વચ્ચે ચાલશે. આ ટ્રેન લગભગ 958 કિલોમીટરનું અંતર કાપે છે અને પરંપરાગત ટ્રેનોની તુલનામાં તે વધુ ઝડપી, શાંત અને આરામદાયક માનવામાં આવે છે.