પેપર લીક માફિયાઓ સામે કેન્દ્ર સરકારની લાલ આંખ: પરીક્ષા સુધારો બિલ બન્યો કાયદો
દેશમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓને પેપર લીક, સંગઠિત છેતરપિંડી અને ટેકનિકલ ગેરરીતિઓથી મુક્ત બનાવવાના હેતુથી કેન્દ્ર સરકારે એક મોટો અને નિર્ણાયક કાયદો અમલી બનાવ્યો છે. ‘જાહેર પરીક્ષાઓ (અયોગ્ય માધ્યમોનું નિવારણ) સુધારો અધિનિયમ, ૨૦૨૬’ ને રાષ્ટ્રપતિની સત્તાવાર સંમતિ મળી ગઈ છે. સંસદના બંને ગૃહોમાં પસાર થયા બાદ આ બિલ રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યું હતું, જ્યાં મંજૂરી મળતાની સાથે જ તે હવે દેશવ્યાપી કાયદાનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે.
નવા કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના કરોડો મહેનતુ યુવાનોના ભવિષ્ય સાથે રમત રમનાર પેપર લીક માફિયા, અસામાજિક તત્વો અને ગેરરીતિ આચરતી સંસ્થાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાનો છે.
UPSC, SSC, RRB અને NTA ની તમામ પરીક્ષાઓ કાયદા હેઠળ
આ સુધારેલા કાયદાના દાયરામાં દેશની તમામ મુખ્ય ભરતી અને પ્રવેશ પરીક્ષાઓને આવરી લેવામાં આવી છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC), સ્ટાફ સિલેક્શન કમિશન (SSC), રેલ્વે ભરતી બોર્ડ (RRB), નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) તેમજ કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા આયોજિત તમામ જાહેર પરીક્ષાઓ પર આ કાયદો સીધો લાગુ પડશે.
માત્ર પ્રશ્નપત્ર લીક થવું જ નહીં, પરંતુ આન્સર કી લીક કરવી, ઉત્તરવહીઓ સાથે ચેડાં કરવા, કમ્પ્યુટર સિસ્ટમ કે સર્વર હેક કરવું, નકલી એડમિટ કાર્ડ બનાવવું, નકલી વેબસાઇટ્સ ચલાવવી અને સંગઠિત જૂથો દ્વારા કરવામાં આવતી તમામ પ્રકારની ગેરરીતિઓ આ કાયદા હેઠળ કડક ગુનો ગણાશે.

દંડ અને જેલની સજાની આકરી જોગવાઈઓ
નવા કાયદામાં ગુનેગારો માટે દંડ અને સજાના નિયમો અત્યંત કડક બનાવવામાં આવ્યા છે:
-
સામાન્ય ગેરરીતિ: અયોગ્ય માધ્યમોનો ઉપયોગ કરવા બદલ ઓછામાં ઓછી ૫ વર્ષથી લઈને ૧૦ વર્ષ સુધીની જેલની સજા અને રૂ. ૧૦ લાખથી વધારીને રૂ. ૫૦ લાખ સુધીના દંડની જોગવાઈ કરાઈ છે.
-
સંગઠિત ગુનાઓ: પેપર લીક માફિયા કે ગિરોહ ચલાવનારા સંગઠિત જૂથો માટે ૭ થી ૧૦ વર્ષની જેલ અને રૂ. ૧૦ કરોડ સુધીના ભારે દંડની જોગવાઈ છે.
-
સેવા પ્રદાતાઓ પર બૅન: પરીક્ષા યોજતી ડિફોલ્ટર એજન્સીઓ કે સેવા પ્રદાતાઓને રૂ. ૫ કરોડ સુધીનો દંડ ફટકારવામાં આવશે અને તેમને ૮ વર્ષ સુધી કોઈપણ જાહેર પરીક્ષા યોજવા પર પ્રતિબંધિત (બ્લેકિસ્ટ) કરવામાં આવશે.

ફાસ્ટ-ટ્રેક કોર્ટ અને કડક તપાસ પ્રક્રિયા
કેસોનો ઝડપી નિકાલ કરવા માટે ખાસ ટાસ્ક ફોર્સ (Task Force) ની રચના કરવામાં આવશે. કોઈપણ કેસમાં ચાર્જશીટ દાખલ થયા બાદ ખાસ ફાસ્ટ-ટ્રેક કોર્ટ દ્વારા દૈનિક સુનાવણી હાથ ધરવામાં આવશે અને મહત્તમ ૩ મહિનાની અંદર ટ્રાયલ પૂર્ણ કરીને કેસનો આખરી નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ માટે ખાસ સરકારી વકીલોની નિમણૂક પણ કરવામાં આવશે.
‘પેપર લીક માફિયાને નહીં છોડાય’: પ્રધાનમંત્રીનું વચન
કાયદો બન્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર આ પગલાંને આવકારતાં તેને દેશની પરીક્ષા પ્રણાલીને મજબૂત અને પારદર્શક બનાવતું ઐતિહાસિક કદમ ગણાવ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સરકારે સુરક્ષિત પરીક્ષાઓ સુનિશ્ચિત કરવાનું પોતાનું વચન પૂરું કર્યું છે. યુવાનોના ભવિષ્ય અને મહેનત સાથે રમત રમનારા કોઈપણ માફિયાને ક્ષમા કરવામાં આવશે નહીં.
કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે સરકાર ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ દ્વારા પારદર્શિતા લાવી રહી છે. જેમાં AI- આધારિત ફેસ ઓથેન્ટિકેશન, આધાર બાયોમેટ્રિક્સ, સિગ્નલ જામર અને CCTV સર્વેલન્સ જેવા આધુનિક સુધારાઓનો સમાવેશ થાય છે.